Comments

પડતર પ્રશ્નો ઉકેલવાની મોસમ શરૂ

શિક્ષણને ઓફલાઇન કરવાની સાથે જ સરકારે શિક્ષકોના કેટલાક લાંબા ગાળાથી માંગણી રૂપે પડેલા પ્રશ્નો ઉકેલવાની પણ શરૂઆત કરી છે. એક તો શિક્ષકોના સાતમા પગાર પંચના એરિયર્સનો બીજો હપ્તો ચૂકવવાની જાહેરાત કરી અને શિક્ષકોની બદલી અંગેના નિયમોમાં સરળતા કરી. જો કે શિક્ષકો અને શિક્ષણજગતના કેટલાક પ્રશ્નો (આમ તો ઘણા બધા) હજુ વણઉકલ્યા જ છે. આવું જ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ એટલે કે કોલેજોમાં અધ્યાપકોનું પણ છે. અધ્યાપક મંડળ પણ હવે સક્રિય થયું છે કે શિક્ષકોની જેમ અમારા પણ પડતર પ્રશ્નો સત્વરે ઉકેલો. આમ તો ગુજરાતમાં છેલ્લાં ત્રીસથી વધુ વર્ષથી કોંગ્રેસ શાસનમાં નથી. વર્તમાન ભાજપ સરકારને પણ પાંચથી વધુ ટર્મથી પ્રજા ચૂંટી રહી છે અને આ કાર્યક્ષમ સરકારના તમામ વિભાગોમાં વર્ષોથી પ્રશ્નો પડતર છે. જે આમ તો કોઇ વિચારતું જ નથી, પણ ચૂંટણી સામે આવે ત્યારે તેમાં થોડો સળવળાટ થાય. થોડાક પ્રશ્નો ઉકેલાય, થોડાકમાં આશ્વાસન મળે અને કેટલાય તો નવી સરકાર પર છોડી દેવાય! શાળા હોય કે કોલેજ, બિનશૈક્ષણિક કર્મચારીઓ નિવૃત્ત થયા બાદ તેની ખાલી જગ્યાઓ ભરવાની માંગણી લાંબા સમયથી છે પણ તે ઉકેલાતી નથી. સાયન્સ કોલેજોમાં લેબ આસિસ્ટન્ટ અને ટેકનીશિયનની ભરતી જ થતી નથી.

‘વાંચે ગુજરાત’નું મોટું અભિયાન ગુજરાતમાં થયું, છતાં કોલેજોમાં લાયબ્રેરિયનની જગ્યા ભરાઇ નથી. કદાચ સરકારમાં કેટલાક અધિકારી કે સલાહકારો એવું માનતા પણ હોય કે વિદ્યાર્થીને પુસ્તક વચ્ચે કશું આવવું જ ન જોઇએ! લાયબ્રેરિયન પણ નહીં! ખેર, અધ્યાપકોની ખાલી જગ્યા ભરવા માટે વચ્ચે થોડી ચહલપહલ થઇ હતી પણ રાજયના અન્ય વિભાગોમાં જેમ ભરતીપ્રક્રિયા એક યા બીજાં કારણોસર ખોરંભે પડી છે તેમ અધ્યાપકોની ભરતી પણ ખોરંભે પડી છે! (વિદ્યાર્થી અને જ્ઞાનની વચમાં અધ્યાપક પણ ન જોઇએ!) ખેર, ભરતી ન થવી તે શિક્ષકો કે અધ્યાપકોનો પ્રશ્ન નથી, તે પ્રજાનો પ્રશ્ન છે! અને આ સરકાર પ્રજામતને માથે ચડાવે છે! પ્રજા જે માંગશે તે આવશે! બૂલેટ ટ્રેન માંગશે તો બૂલેટ ટ્રેન આવશે! સી પ્લેન માંગશે તો સી પ્લેન આવશે! શાળા-કોલેજ માંગશે તો આવશે! શિક્ષક-અધ્યાપક જોઇતા હશે તો પ્રજા માંગશે.

ખેર, તો હવે અધ્યાપકોની માંગણી પર વાત અટકે છે. જેઓ હાલ અધ્યાપકો છે તેમની એવી લાગણી છે કે સરકાર તેમના પડતર પ્રશ્નો પણ ઉકેલે! અધ્યાપક આલમમાં સૌથી તીવ્ર બનેલો મુદ્દો સાતમા પગાર પંચમાં બાકી રહી ગયેલા અધ્યાપકોનું ફીકસેશન! માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી 2014 માં વડાપ્રધાન થયા ત્યારે કર્મચારીઓ માટે સાતમા પગાર પંચનો અમલ કરવાનું તેમણે વચન આપ્યું હતું. 2016 થી તેનો અમલ થયો. 2019 માં નરેન્દ્ર મોદી બીજી વાર વડા પ્રધાન થઇ ગયા. એના પણ ત્રણ વર્ષ પૂરાં થયાં. છતાં તેમના વચનનો અમલ તેમના જ પ્યારા રાજયમાં તેમના જ પક્ષના લોકો તેમના જ પ્યારા પ્રજાજનો સુધી પહોંચાડી શકયા નથી. આપણા નવા વરાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ એક પ્રવચનમાં બોલ્યા હતા કે કામ કરવું જ હોય તો વ્યવહારુ રસ્તા બતાવો! અપનાવો… અમને કહો કે કયા નિયમો સુધારવાની જરૂર છે!

તો સાહેબ, અધ્યાપકો 2016 સુધી તો રાજય સરકારના કર્મચારી જ ન હતા. રાજય વિધાનસભાએ  કરેલા શિક્ષણના વિધેયકમાં અધ્યાપકોને પણ રાજય સરકારના કર્મચારી ગણવામાં આવ્યા. માટે તેમને પણ સેવાવિષયક નિયમો લાગુ પડે, પણ કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર હતી માટે ગુજરાતમાં રાજયપાલ પણ કોંગ્રેસના હતા. જેમણે શિક્ષણવિધેયક પર સહી કરી ન હતી. કેન્દ્રમાં ભાજપ સરકાર આવી. રાજયમાં રાજયપાલ બદલાયા અને શિક્ષણવિધેયક પર સહી થઇ ત્યારથી તે કાયદો બન્યો. તો તે મુજબ અધ્યાપકોને લાગુ પડતા ‘સેવા વિષયક નિયમો’ પહેલાંના સમયથી લાગુ ન પાડો આવું ઘણાં તજજ્ઞો માને છે અને માટે રાજય સરકારના વહીવટીય કર્મચારી માટે (ખાસ તો પ્રથમ અને બીજા વર્ગના) જરૂરી હિન્દી અને ત્રિપલ સી પરીક્ષાના નિયમો થકી જે વહીવટીય ગૂંચ સર્જાઇ છે તે ઉકેલો.

સરકારે ત્રિપલ સી પરીક્ષા પાસ કરવા ડિસે. 20 સુધીનો પરિપત્ર કરેલો, પણ આપણે જાણીએ છીએ વીસના ડિસેમ્બર સુધી કોરોનાના કહેરને કારણે વ્યાપક સ્તરે આ પરીક્ષા યોજાઇ જ શકી નહીં. ઘણાએ ફોર્મ ભર્યાં છે- આઠ મહિના પછી છેક જાન્યુ.-ફેબ્રુ. 21 માં પરીક્ષાઓ શરૂ થઇ અને ઘણાએ પાસ પણ કરી પણ હવે 31 ડિસે. 20 ની તારીખ વટી ગઇ! તો આ તારીખ લંબાવી આપો. જેઓ પેન્શન ઉપર ઉતરી જ ગયા છે તેમને મુકિત આપો. જો સરકાર ઇચ્છે તો ટાટા નેનોને વીસ મીનીટમાં જમીન અને બેન્ક લોન સહિતની સગવડ માટે નિર્ણય લઇ શકે છે! કોંગ્રેસ પ્રેરિત અધ્યાપકોનું ન માનવું હોય તો સંઘ પ્રેરિત અધ્યાપક મંડળનું માનો. ચૂંટણીની મોસમ છે સાહેબ, થોડા પડતર પ્રશ્નો ઉકેલો, થોડા પડયા રહેવા દો! માનનીય વડાપ્રધાન કહે છે કે (જો સરકાર ધારે તો) ‘એવું કોઇ કામ નથી જે દૃઢ ઇચ્છાશકિતથી પૂરું ન થાય!’
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top