તમને યાદ છે ને ચાર દિવસ પહેલા સોમવારનો સોનેરી તડકો મેહુલિયો બનીને વરસી પડ્યો હતો. કુદરતે વરસાવેલા એ કમોસમી હેલીનો જાદુ એવો ચાલ્યો કે કાયમ મોજ-મસ્તીમાં રહેતા કેટલાય સુરતીઓએ પોતાના કામ-ધંધા બાજુ પર રાખી મોસમના બદલાયેલા મિજાજને માણવા ડુમસ પહોંચી ગયા તો કેટલાક કોલેજીયનોએ હોળીના રંગોની મસ્તી સાથે રેન ડાન્સ કરી લીધો હતો. આમ તો સુરતીઓને ખાવા અને ફરવા માટે કોઈને કોઈ બહાના જોઈએ. તેમાં જેમ મોસમનો મિજાજ બદલાય એમ સુરતીઓનો ધમાલી મસ્તીનો મૂડ મ્હોરી ઉઠે છે. આપણે છેલ્લા કેટલાક વર્ષોથી જોઈ રહ્યાં છીએ કે, વિદેશની જેમ આપણે ત્યાં પણ મોસમનો મૂડ ગમે ત્યારે ચેન્જ થઈ જાય છે. ગરમીમાં કે ઠંડીમાં વરસાદી માહોલ બની જાય. એક આખા દિવસમાં ઠંડી, ગરમી તો વરસાદનો પણ અનુભવ થાય છે. સોમવારે સુરતની બપોર ખીલી ઉઠેલી હતી એવામાં અચાનક ઠંડા પવનની વચ્ચે વરસાદ વરસવા લાગ્યો અને મોસમ માણવાને લાયક બની ગયો હતો. એ મોસમને સુરતીઓએ કેવી રીતે ધમાલી બનાવી દીધો તે તેમના જ શબ્દોમાં જાણીએ.
કોલેજ કેમ્પસમાં રંગીની મસ્તી વચ્ચે કર્યો રેન ડાન્સ: કાર્તિક માલવે
એમ.ટી.બી. કોલેજમાં ટી.વાય.બીએ. કરી રહેલા કાર્તિક માલવેએ જણાવ્યું કે સોમવારે એમના કોલેજ કેમ્પસમાં સ્ટુડન્ટ્સનો રંગોની હોળી રમવાનો પ્રોગ્રામ આયોજિત કરાયો હતો. અમારી કોલેજના સ્ટુડન્ટસ ઉપરાંત બીજી કોલેજના સ્ટુડન્ટસ પણ હોળી રમવા આવ્યા હતા. અમે એક બીજાને કલરથી રંગી રહ્યાં હતાં તે દરમિયાન જ અચાનક વાતાવરણ બદલાયું આકાશમાં અચાનક વાદળ ઉમટી આવ્યા અને જોત-જોતામાં વરસાદ ચાલુ થઈ ગયો. અને અમે બધા કોલેજીયનો રેન ડાન્સ કરવા લાગ્યા. અમે રંગોની હોળીની વચ્ચે વરસાદની પણ ડાન્સ મસ્તી વચ્ચે મજા માણી લીધી. કુદરતી વરસાદ વચ્ચે આ રીતની હોળી તો અમે જીવનમાં પહેલીવાર માણી.
વરસાદી માહોલની મજા માણવા હું અને મારો ફિયાન્સ ડુમસ પહોંચી ગયા: આયુષી કુંડલીયા
આયુષી કુંડલીયાના એંગેજમેન્ટ ગયા વર્ષે મે-2022માં જયરામ સુરુ સાથે થયા હતા. આયુષીએ જણાવ્યું કે, આમ તો હું અને મારા ફિયાન્સ જયરામ દર રવિવારે ફરવાનો પ્રોગ્રામ બનાવતા જ હોઈએ છીએ. મારા ફિયાન્સ બિઝનેસ કરે છે. ચાર દિવસ પહેલા સોમવારે અચાનક જ સુરતની વેધર ચેન્જ થઈ ગઇ હતું અને ધીમી ધારે વરસાદ વરસવા લાગ્યો હતો. હું તો ઘરે હતી પણ મોસમના બદલાયેલા મિજાજને માણવા મારા ફિયાન્સે ડુમસ ફરવા જવાનો પ્લાન બનાવી દીધો. ફિયાન્સે તો બિઝનેસનું કામ બાજુ પર મૂકી દીધું અને અમે બંને ડુમસ પહોંચી ગયા. ત્યારે વરસાદી છાંટા પડી રહ્યાં હતાં. અમે બંને એક કલાક મોસમની મજા માણી અને સાથે ભજીયાનો સ્વાદ લીધો. માર્ચમાં વરસાદને કારણે વેધર અમેઝિંગ લાગી રહી હતી.
અમે કિટી ફ્રેન્ડ્સ ટેરેસ પર વરસાદમાં ભીંજાવાની મજા માણી: વિધિબેન મહેતા
પાલ-ભાઠા વિસ્તારમાં રહેતા વિધિબેન મહેતાએ જણાવ્યું કે ચાર દિવસ પહેલાં સોમવારે અમે સોસાયટીની ફ્રેન્ડ્સ કીટી પાર્ટી માટે ભેગા જ થયા હતા. ત્યાં વરસાદી મહોલ બની જતા હું, ઇશાબેન, પિંકીબેન, હેમાબેન, જ્યોતિબેન અને ક્રિષ્નાબેન વરસાદમાં ભીંજાવાની મજા લેવા ટેરેસ પર પહોંચી ગયા હતા. માર્ચ માં વરસાદની વરસી રહેલી ધીરી ધારમાં પલળવાનો આવો મોકો મળશે એ તો અમે વિચાર્યું જ નહીં હતું. મોસમ બદલાય એની સાથે સુરતીઓના મિજાજ પણ ધમાલી મસ્તી બની જાય છે.
મન હતું ફરવા જવાનું ને હસબન્ડે ભજિયા બનાવવાની ડીમાંડ કરી દીધી: હર્ષા પાટીલ
હર્ષા પાટીલે જણાવ્યું કે મારા અપ્પુ પાટીલ સાથેના મેરેજને હજી થોડોક જ સમય થયો છે. મારા હસબન્ડ ફૂડી છે તેમને ભજીયા, લોંચો, પિઝા, વડા પાઉં અને ચાઈનીઝ ફૂડ ખૂબ ભાવે છે. જોકે, હજી તો અમે અમારી નવી શરૂ થયેલી મેરેજ લાઈફને હરી-ફરીને એન્જોય કરી રહ્યાં છીએ. ચાર દિવસ પહેલા સુરતમાં વરસાદ પડ્યો ત્યારે વાતાવરણ ખૂબ જ આહલાદક બની ગયું હતું. મને બહાર દરિયા કિનારે ફરવા જવાનો મૂડ થયી હતો. જ્યારે વરસાદી બનેલા માહોલમાં મારા હસબન્ડને મારા હાથના બનેલા ભજીયા ખાવા હતા. મારો ફરવાનો મૂડ બાજુ પર રહી ગયો હતો અને હસબન્ડની ફરમાઈશ પુરી કરવા મારે કિચનમાં ઘૂસવું પડ્યું હતું. જોકે, હસબન્ડની ફરમાઈશ પુરી કરવાની સાથે મેં પણ આહલાદક બનેલા વાતાવરણ વચ્ચે ભજિયાનો સ્વાદ માણીને વરસાદી માહોલને ઘરમાં બેસી માણ્યો હતો.