પ્રમાણમાં ઘણી મોટી ચોપડી એટલે ગ્રંથ. ચોપડી એટલે પ્રમાણમાં કદમાં મોટું ન હોય તેવું પુસ્તક. પુસ્તક એ ગ્રંથ કરતાં નાની અને ચોપડી કરતાં મોટી એવી સારી ને પવિત્ર ચોપડી. પોથી એટલે નાની ચોપડી (ધાર્મિક સ્તવન-સ્તોત્રના પુસ્તકને પણ પોથી કહે છે.) થોથું-નકામું કે ભાર જેવું પુસ્તક. સૌ જાણે છે કે સારાં પુસ્તકો વાંચન વિશ્વની બારી ખોલી આપે છે. જેનાથી માનવીનો સર્વાંગી વિકાસ થાય છે. પુસ્તકો સમયના મહાસાગરની દીવાદાંડી છે જે જીવન માર્ગદર્શન કરે છે.
ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં-મુશ્કેલીમાં પંથ-માર્ગ બતાવે છે. અંધકારરૂપી અજ્ઞાનમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ મળતાં સંસ્કારોનું સિંચન થતાં અજ્ઞાન,વહેમ અને અંધશ્રધ્ધા દૂર ભાગે છે. જયવતી કાજી કહે છે તેમ “સુંદર અને પ્રેરક પુસ્તકોનો પ્રભાવ જબરદસ્ત હોય છે. એનાં પાત્રો અને પ્રસંગો આપણા ચિત્ત પર અદૃશ્ય રીતે અંકિત થઈ જતાં હોય છે. જ્યારે આપણે આપણા રાહ નક્કી કરવાની અવઢવમાં હોઈએ, દિશા સૂઝતી ન હોય, ત્યારે કોઈ પુસ્તક અંતરદીપ બની આપણને પ્રકાશ દાખવે છે.” પુસ્તકો સૌને દિશા આપવા સક્ષમ છે પણ ટી.વી., કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ જેવાં વિજાણું માધ્યમોને કારણે સૌ કોઈ પુસ્તકોથી વિમુખ બની રહ્યાં છે એ હકીકત છે.
નવી પેઢીને પુસ્તકોના વાંચન માટેની પ્રેરણા આપીએ તોય ઘણું! આ બાબતે સંસ્કારી નગરીમાં કાર્યરત શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલયમાં શરૂ થયેલ શ્રેષ્ઠ વાચક સ્પર્ધા , મને ગમતું પુસ્તક વાર્તાલાપ નવો રાહ ચીંધે છે. અને હા, વાંચે ગુજરાત અભિયાનનાં બીજ પણ અહીં રોપાયા બાદ વટવૃક્ષ બન્યું એની સહર્ષ નોંધ લઈએ. ચાલો ત્યારે શ્રેષ્ઠ મિત્ર-સ્વજન અને માર્ગદર્શક એવા પુસ્તકની સાથે સૌ જોડાયેલા રહે એવો અભિગમ કેળવીએ.
નવસારી – કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે