Business

ડોલર સામે ફરી રૂપિયો ગગડ્યો, પ્રથમ વખત 83ને પાર પહોંચ્યો

નવી દિલ્હી: ડોલર (Dollar) સામે ભારતીય રૂપિયો (Indian Rupee) સતત ગગડી રહ્યો છે. જોકે હાલમાં જ નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) નિવેદન આપ્યું હતું કે રૂપિયો ગગડી રહ્યો નથી, પરંતુ ડૉલર મજબૂત થઈ રહ્યો છે. આ અંગે પક્ષ-વિપક્ષ વચ્ચે ભારે ચર્ચા જાગી હતી. હવે બુધવારે રૂપિયો નવી નીચી સપાટીએ પહોંચ્યો હતો. તે ડોલર સામે 61 પૈસા ઘટીને રૂ. 83.01 પર બંધ થયો હતો, જે તેનું અત્યાર સુધીનું સૌથી નીચું સ્તર છે. આ પહેલીવાર છે જ્યારે રૂપિયો 83ને પાર થયો છે.

મંગળવારે પણ રૂપિયામાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. તે ડોલર સામે રૂ.82.36 પ્રતિ ડોલર પર બંધ રહ્યો હતો. બુધવારે બપોરે ટ્રેડિંગ દરમિયાન તેમાં થોડો વધારો જોવા મળ્યો હતો, પરંતુ સાંજ સુધીમાં તેમાં ઘટાડો જોવા મળ્યો હતો અને તે ડોલર સામે રૂ. 83ને પાર કરીને બંધ થઈ ગયો હતો.

શેરબજારમાં પણ દિવસભર ઉતાર-ચઢાવ ચાલુ રહ્યો હતો. બુધવારે BSE સેન્સેક્સ 146.59 પોઈન્ટના વધારા સાથે 59,107.19 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, NSE નિફ્ટી પણ 25.30 પોઈન્ટની મજબૂતાઈ સાથે 17,521.25 પર બંધ રહ્યો હતો.

નિર્મલા સીતારમણનું નિવેદન
નાણામંત્રી તાજેતરમાં અમેરિકાના પ્રવાસે હતા. ત્યાં પત્રકારો સાથેની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે તેમને રૂપિયાના ઘટાડાને લઈને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું, “રૂપિયો ગગડી રહ્યો નથી, પરંતુ ડૉલર મજબૂત થઈ રહ્યો છે. ડૉલરની સામે અન્ય તમામ કરન્સીની હાલત પણ આવી જ છે. આરબીઆઈનો પ્રયાસ બજારમાં હસ્તક્ષેપ કરીને રૂપિયાના મૂલ્યને સુધારવા સાથે સંબંધિત નથી.

ડોલર સામે રૂપિયો 82.33ની રેકોર્ડ નીચી સપાટીએ
આ અગાઉ પણ રૂપિયા ગગડ્યો હતો. ભારતીય રૂપિયાની (Indian Rupee) સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. શરૂઆતના કારોબારમાં ડોલર (Dollar) સામે રૂપિયો 16 પૈસા ઘટીને 82.33ના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. અગાઉના સત્રમાં રૂપિયો 81.88 પર બંધ થયો હતો. તમને જણાવી દઈએ કે ભારત આવશ્યક ઈલેક્ટ્રિક સામાન અને મશીનરી સહિત ઘણી દવાઓની આયાત કરે છે. મોટાભાગના મોબાઈલ અને ગેજેટ્સ ચીન અને અન્ય પૂર્વ એશિયાઈ શહેરોમાંથી આયાત કરવામાં આવે છે. જો રૂપિયાનું આ રીતે અવમૂલ્યન ચાલુ રહેશે તો આયાત મોંઘી થશે અને તમારે વધુ ખર્ચ ઉઠાવવું પડશે.

Most Popular

To Top