ભગવાન બુદ્ધના શિષ્યોના મનમાં પ્રશ્ન ઊઠ્યો કે બધાને સુખ જોઈએ છે તો આ સુખ ક્યાં મળે? સુખ છે ક્યાં? તેને શોધવું ક્યાં? આ પ્રશ્ન ભગવાન બુદ્ધ સમક્ષ મુકાયો. તેમણે સુંદર રીતે આખી વાત સમજાવી. ભગવાન બુદ્ધે બધા શિષ્યોને એક સવાલ કર્યો કે ‘મને જણાવો, મગધનો રાજા બીમ્બીસાર સુખી કે નહીં? રાજાને તો નિત્ય મહેલમાં રહેવાનું. રાજા જેવું સુખ કોઈનું નહીં ખરું ને?’
બધાએ કહ્યું, ‘હા રાજા બીમ્બીસાર તો સૌથી સુખી જ કહેવાય.’ ભગવાન બુદ્ધે આગળ પૂછ્યું કે ‘રાજા શેના લીધે સુખી છે? તમને શું લાગે છે રાજા પાસે મહેલ છે, સત્તા છે, રાજ છે, ખજાનો છે, દાસ દાસી છે,રાણીઓ છે, રાજકુમાર અને રાજકુમારીઓ છે. આ બધું જ છે રાજા પાસે અને એટલે તે સુખી છે પણ એક સત્ય એ પણ છે કે જુઓ, આ બધાં સાધનોમાંથી એક પણ ઓછું થાય તો રાજાને દુઃખ થાય ખરું ને?’ હવે બધા શિષ્યો મૂંઝાયા. ભગવાન બુદ્ધે આગળ કહ્યું કે મારો બીજો પ્રશ્ન છે કે રાજા પાસે એક પણ સાધન ન હોય, સાવ એકાંત હોય તો રાજા દુઃખી દુઃખી થઈ જાય કે સુખી જ રહે?
ભગવાન બુદ્ધની આ વાત સાંભળી શિષ્યો એકબીજાની સામે જોવા લાગ્યા. ભગવાન બુદ્ધે આગળ સમજાવ્યું ‘રાજાના સુખનો આધાર સાધનો પર છે એટલે અહીં એક વાત સિદ્ધ થાય છે કે અધિક વૈભવ હોય તો માણસો અધિક સુખ મેળવે તે વાત સાવ ખોટી છે. રાજા હોય કે કોઈ પણ શ્રીમંત, તેનું સુખ સાધનો પર અવલંબે છે ,સાધન નહીં તો સુખ નહીં.’ શિષ્યે પૂછ્યું ‘પ્રભુ, તો સાચું સુખ કોને અને કઈ રીતે મળે, તે ક્યાં છે?’
ભગવાન બુદ્ધે ક્હ્યું કે ‘જે માણસ ઓછામાં ઓછાં સાધનોથી સુખી થતાં શીખે છે અને પાસે કંઈ હોય કે ન હોય, ખુશ રહે છે એને સુખ મળે છે. સંતોષી મનુષ્ય માત્ર પોતાની નિરાંતની બેઠકમાંથી સુખ મેળવી શકે છે. જેનું મન બધા જ વિકારો છોડીને બેઠું છે તે હંમેશ માટે સુખી છે. એટલે ખરું સુખ તો લાલચ, લોભ વિનાના મનમાં છે. દરેક માણસના મનમાં સુખ વસે છે અને મનમાં જ દુઃખ, પણ બહારના બીજા કોઈ સાધન કે કારણમાં સુખ નથી હોતું. માટે જ મનને જે જીતે છે તે જગતને જીતી શકે છે. સુખ અને દુઃખની લાગણીઓ મનમાં જ સર્જાય છે. મન જ્યારે શાંત અને નિર્મળ થાય છે ત્યારે ચારે બાજુ સુખ છવાઈ જાય છે. માટે જો સાચું સુખ મેળવવું હોય તો મનને નિશ્ચલ, નિર્મળ અને પવિત્ર રાખો.’ ભગવાન બુદ્ધે સરળતાથી પોતાના શિષ્યોને સાચા સુખનો માર્ગ સમજાવ્યો.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.