ડાકોર: ઠાસરા તાલુકાના છેવાડા ગામ રાણીયાથી સાવલીને જોડતા માર્ગ ઉપરના નેશ ગામ નજીક મહિ સીંચાઈ કેનાલ ઉપર બનાવેલ બ્રિજ તૂટવા લાગ્યો છે. તેના સળીયા પણ બહાર નીકળવા લાગ્યા છે. જેનાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ઠાસરા તાલુકાનાં છેવાડા ગામ રાણીયા તરફના માર્ગ પર નેશ ગામ નજીક આવેલ મહિ સીંચાઈ કેનાલ ઉપર બનાવેલ બ્રિજનું કામ જે તે સમયે મહિ સીંચાઇ, ઠાસરા દ્વારા ટેન્ટર પ્રક્રિયાથી કોન્ટ્રાક્ટને આપવામાં આવ્યો હતો. આ કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા આચરવામાં આવેલાં ભ્રષ્ટાચારને પગલે બ્રિજ તુટવા લાગ્યો છે.
તેના સળીયા પણ બહાર નીકળી ગયાં છે. જેને પગલે આ માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ડાકોર ગામથી વડોદરા તરફનો માર્ગ કે જે ખુબ જ સરળતાથી સાવલી તરફ નીકળે છે. જેથી વાહનચાલકોને અવર જવર પણ મોટી સંખ્યામાં રહે છે. બીજી તરફ ઠાસરા તાલુકાના ગ્રામજનો પણ વડોદરા જવા માટે આ માર્ગનો ઉપયોગ થાય છે. જેથી આ બ્રિજ ઉપરથી રોજની એક હજાર જેટલા વાહનો પસાર થાય છે. દરમિયાન બ્રિજ ઉપર બહાર નીકળેલાં સળીયાને કારણે અનેક વાહનોના ટાયર પંચર થઈ રહ્યાં છે. ત્યારે તંત્ર દ્વારા વહેલીતકે આ બ્રિજ પરના રોડની મરાતમ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
સિંચાઈ વિભાગના અધિકારીએ કોન્ટ્રાક્ટરનું નામ આગળ ધર્યું
આ બાબતે મહિ સિંચાઈના અધિકારી કૌશલ પટેલ સાથે ટેલીફોનિક વાત કરતાં તે જણાવે છે કે જે તે સમયે સંજય પટેલને આ બ્રિજનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. જેથી કોન્ટ્રાકટર સંજય પટેલે આ બ્રિજનું કામ કર્યું છે.
કોન્ટ્રાક્ટરે જવાબદારીમાંથી હાથ ખંખેર્યાં
આ બાબતે કોન્ટ્રાક્ટર સંજય પટેલને પુછતાં તેમણે જણાવ્યું હતું કે, મારા દ્વારા બનાવેલ મહી સિંચાઈના બ્રિજનાં કામની સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે. જેથી કોન્ટ્રાક્ટ બાબતે તેમજ રસ્તો રીપેરીંગ કરવાની જવાબદારી અમારામાં આવતી નથી
આમ, તંત્ર અને કોન્ટ્રાક્ટર એક બીજા પર જવાબદારી ઢોળી રહ્યાં છે. બીજી તરફ દિવસે દિવસે બ્રિજ પર રસ્તો ધાવાતા વાહનચાલકોમાં અકસ્માતનો ભય ઉભો થયો છે.