નડિયાદ: મહુધાના ધારાસભ્યના પ્રયત્નો થકી નડિયાદથી મરીડા જવાનો બિસ્માર માર્ગના નવિનીકરણ માટે સરકારની મંજુરી મળતાં આવનાર ટુંક સમયમાં કામ શરૂ કરવામાં આવશે. નડિયાદમાં મરીડા દરવાજાથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ થઈ મરીડા ગામ સુધીનો મખ્ય માર્ગ છેલ્લાં બે વર્ષથી બિસ્માર હાલતમાં ફેરવાયો છે. જેને પગલે આ વિસ્તારમાં રહેતાં અનેક સોસાયટીના રહીશો ઉપરાંત માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આ અંગે સ્થાનિકો ઉપરાંત, તે વિસ્તારમાંથી ચુંટાયેલા કાઉન્સિલરો, શહેરના જાગૃત નાગરિકો તેમજ મહુધાના ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમારે રસ્તાની મરામત બાબતે નડિયાદ પાલિકામાં અનેકોવાર રજુઆતો કરી હતી.
તેમ છતાં પાલિકાતંત્ર દ્વારા નવો રોડ બનાવવાની અથવા તો બિસ્માર માર્ગની મરામત કરવાની તસ્દી લીધી ન હતી. જેને પગલે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. આ અંગે મહુધાના ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહની રજુઆતને ધ્યાનમાં લઈ ખેડા જિલ્લા કલેક્ટરે બિસ્માર રોડની મરામત કરવા નડિયાદ નગરપાલિકાને સુચના આપી હતી. જોકે, પાલિકાતંત્ર દ્વારા કલેક્ટરની સુચનાની પણ અવગણના કરવામાં આવી હતી. લોકોને પડતી સમસ્યાને ધ્યાનમાં રાખી ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહે રાજ્ય સરકારમાં રજુઆત કરતાં આખરે આ માર્ગના નવિનીકરણની મંજુરી મળી છે. આવનાર ટુંક સમયમાં ડામરનો નવો રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.