નડિયાદ: નડિયાદમાં મરીડા ચોકડીથી રીંગ રોડ સુધીનો રસ્તો 6 મહિનાના ટુંકા સમયમાં બિસ્માર બની જતા સ્થાનિકોએ કલેક્ટરને ગુહાર લગાવી છે. 6 મહિના પહેલા રસ્તો બનાવતી વેળાએ જ ધારાસભ્યએ કોન્ટ્રાક્ટરને ચેતવ્યા હતા. તેમ છતાં પરીણામ શૂન્ય મળતા બિસ્માર રસ્તો સરખો કરવા માટે હવે કલેક્ટર સમક્ષ રજુઆત કરવામાં આવી છે. મરીડા ચોકડી પેટ્રોલપંપથી મરીડા તરફ જઈ રીંગ રોડ સુધીનો રોડ 6 મહિના પહેલા જ એક કાર્યક્રમ પ્રસંગે બનાવાયો હતો. લાંબા સમયથી આ રોડ દયનીય હાલતમાં ફેરવાયેલો હતો. જેના કારણે સ્થાનિકો લાલઘૂમ થયા હતા અને વારંવાર સબંધિત વિભાગોમાં આ મામલે રજૂઆત કરી રોડ બનાવવાની માંગણી કરી હતી.
ત્યારે 6 માસ અગાઉ સ્થાનિકોની ધીરજનો અંત આવ્યો હતો અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આગમન ટાણે રાતોરાત રોડ બનાવવાની કામગીરી કરાઈ હતી. તે સમયે રોડ બનાવતા જ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ કોન્ટ્રાક્ટરને ચેતવ્યા હતા અને રોડ તૂટી જશે તો કોન્ટ્રાક્ટરે જ બનાવવાનો રહેશે, તેમ જાહેરમાં કહ્યુ હતુ. જો કે, રોડ બનાવ્યાના ગણતરીના દિવસોમાં જ પાછો બિસ્માર બની ગયો છે. પહેલા વરસાદે જ રોડનું ધોવાણ કરી નાખ્યુ હતુ અને રોડ પર ખાડામય બની ગયો હતો. જો કે, હજુ સુધી રોડનું સમારકામ ન કરાતા લોકો રોષે ભરાયા છે. આ રોડ પર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, હોસ્પિટલો અને સોસાયટીઓ સહિત કમર્સિયલ એકમો આવેલા હોય, તાત્કાલિક આ રોડનું સમારકામ કરવા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી હતી.