Charchapatra

આધુનિક અને રૂપાળી દેખાતી ટ્રેનોનો ઉદય અને દેશની જમીની હકીકત

પ્રધાનમંત્રી મોદી દ્વારા ચાર­-પાંચ દિવસ પહેલાં જ આધુનિક સુખ સગવડ ધરાવતી રીવોલ્વીંગ બેઠકોવાળી નવ વંદેભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી. હવે મહદ્ અંશે દરેક આધુનિક સગવડો ધરાવતી નવી ટ્રેનોને રેલ્વેમંત્રી કે રેલ્વેના ઉચ્ચ અઘિકારીને બદલે વડા પ્રધાન દ્વારા જ ઉદ્ઘાટન કરી રવાના કરાય છે, જેમાં દેશની મોટા ભાગની પ્રજાને મુસાફરી કરવાની પોષાય એમ નથી. આ સંદર્ભે થોડા દિવસો પરના સમાચારપત્રમાં બિહાર અને ઉત્તરપ્રદેશ તરફ જતી ટ્રેનોમાં થતી પાર વગરની ગીરદીના ફોટા આવેલ.

એ ફોટાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે હજી પણ આપણે દેશની વધતી જતી ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજા માટે સુરક્ષિત ને સવલતભરી મુસાફરીની પાયાની વ્યવસ્થા પણ કરી નથી શકતા. આ પરિસ્થિતિ તાત્કાલિક ઊભી નથી થઇ પરંતુ આ પરિસ્થિતિ ટ્રેનોમાં કોઇ પણ જાતના વ્યવસ્થિત ફેરફાર વિના નજીવા સુધારા સાથે ચાલી આવતી પરિસ્થિતિ છે, જેમાં આ મુશ્કેલીઓનો સામનો કરતા સામાન્ય લોકોને રાહત મળતી દેખાતી નથી. દેશની પ્રગતિ ત્યારે જ થઇ શકે, જ્યારે આ ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકોની વાસ્તવિક આવકમાં વધારો થાય, એમની આવકનું પ્રમાણ વધતું જાય અને ધીરે ધીરે એ લોકોનો ઉપલા વર્ગમાં સમાવેશ થતો જાય.

પરંતુ દેશની વાસ્તવિકતા કંઇક એવી છે કે આ પ્રકારનાં લોકોની સંખ્યા ઘટવાને બદલે વધતી જાય છે. એવા સમયે આ વર્ગ ઉન્નતિના માર્ગે આગળ વધે, જેના પરિણામ સ્વરૂપે એમની ખર્ચ કરવાની ક્ષમતા વધે જેથી સરકારે લોકોની ભૂખ મીટાવવા મફત અનાજના વિતરણનો ખર્ચ ઓછો કરવો પડે અથવા સમય જતાં ન પણ કરવો પડે. નવી સુવિધાસભર ટ્રેનો વધે અને ધનિક અને ઉચ્ચ મધ્યમ વર્ગનાં લોકોની સગવડો વધે એની સામે કોઇ વાંધો કે ફરિયાદ ન હોઇ શકે, પરંતુ એની સાથે ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકોની કઠણાઇ ઓછી થાય, એમનું જીવનધોરણ સુધરે અને તેઓ આત્મનિર્ભર બને એવા પ્રયત્નો પર પણ પૂરતું ધ્યાન અપાય તો માલેતુજારો અને ગરીબો વચ્ચે જે ખાઇ વધતી જાય છે.

એમાં પણ ઘટાડો થઇ શકે અને દેશની પ્રજા ગરીબાઇ/મધ્યમ વર્ગમાંથી ઉપરના સ્લેબમાં આવે તો એ લોકો પણ આ સુવિધાસભર ટ્રેનોમાં મુસાફરી કરી શકવા સક્ષમ બને, જેથી આ નવી શરૂ કરાતી ટ્રેનોને હાલમાં પૂરતાં પેસેન્જરો નથી મળતાં એ પરિસ્થિતિમાં પણ ફરક પડી શકે. સર્વસમાવેશી વિકાસ જ દેશને પ્રગતિના પંથે દોરી શકે એ સિવાયનો કોઇ પણ રસ્તો દેશને ઉન્નતિના માર્ગે ન લઇ જઇ શકે. આધુનિક સગવડો ધરાવતી ટ્રેનો દેશની પ્રગતિનું સાચું પ્રતિબિંબ કદી બની ન શકે.
સુરત     – હિતેન્દ્ર ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top