Comments

તાજેતરની સંસદની ચૂંટણીના પરિણામોએ જાપાનના બંધારણમાં ક્રાંતિકારી ફેરફારો માટેનો માર્ગ મોકળો કર્યો છે

તાજેતરમાં થયેલ સ્નેપપૉલના પરિણામો થકી વડાપ્રધાન સનાએ તકાઇચીના નેતૃત્વ હેઠળની જાપાનની લિબરલ ડેમોક્રેટીક પાર્ટીએ ૧૯૪૭ બાદ સંસદમાં રેકોર્ડ સીટો જીતીને ૨/૩ કરતાં વધુ બહુમતી એકલે હાથે મેળવી છે. આ સ્ટીમરોલર બહુમતીને કારણે તકાઇચીની સરકાર સંસદ પાસે જાપાનના બંધારણના અનુચ્છેદ-૯માં સુધારો કરાવી શકશે, જે થકી અત્યાર સુધી જાપાન માત્ર પોતાના આંતરિક રક્ષણ માટે જ સૈન્ય રાખતું હતું તેને બદલે હવે પોતાની આગવી સૈન્ય તાકાત ઊભી કરી બીજા વિશ્વયુદ્ધ પહેલાનાં મિલિટરી પાવર જાપાન તરફ મહત્ત્વનું કદમ ઉઠાવશે. આની સીધી અસર ચીન પર પડી શકે છે. આમેય ચીન અને જાપાનના સંબંધો બહુ સારા નથી. તાજેતરના ભૂતકાળમાં ચીનના નૌકાકાફલાની કવાયત પોતાની જાણબહાર આયોજાઈ હોવાનો આક્ષેપ કરી જાપાને ચીન સામે વિરોધ નોંધાવ્યો હતો.

ઐતિહાસિક બહુમતીથી તાકાઇચીની લિબરલ ડેમોક્રેટીક પાર્ટી જાપાનની સંસદમાં ચૂંટાઈ આવી છે ત્યારે પોતાના બંધારણના અનુચ્છેદ-૯માં સુધારો કરી જીડીપીના બે ટકા જેટલી રકમ જાપાન પોતાની આક્રમક મિલિટરી તાકાત ઊભી કરવા તત્પર બન્યું છે તે સંયોગોમાં સૌથી વધારે ચિંતા ચીનને થવી જોઈતી હતી પણ તકાઇચીની આ રેકોર્ડ જીત પ્રત્યે ચીને ઠંડો પ્રતિભાવ આપ્યો છે. કદાચ ચીન માટે પણ લિબરલ ડેમોક્રેટીક પાર્ટી આટલી મોટી જંગી બહુમતી મેળવશે એ નવાઈ પમાડનાર ઘટના હશે.

છેલ્લા ત્રણ મહિનાથી ચીન દ્વારા વડાપ્રધાન તકાઇચી સામે ટીકાઓ અને નૌકાકાફલાની કવાયત જેવી ઘટનાઓ થકી દબાણ ઊભું કરવાનો સતત પ્રયાસ થયો છે. નિષ્ણાતોનું એવું માનવું છે કે ચીને જે રીતે તકાઇચી સામે આક્રમક નકારાત્મક પ્રચાર કર્યો હતો તે ઊલટો પડ્યો છે. જાપાનની લિબરલ ડેમોક્રેટીક પાર્ટીને ચીનના આ શત્રુતાપૂર્ણ અને ટીકાત્મક વ્યવહારને કારણે ઘરઆંગણે મદદ મળી છે, જેણે એને રેકોર્ડ બહુમતીથી પાર્લામેન્ટમાં ચૂંટાઈ આવવામાં મદદ કરી છે જે થકી આગામી સમયમાં સંરક્ષણની દૃષ્ટિએ ખૂબ મજબૂત જાપાન હકીકત બની શકે.

જાપાનના જે રાજકીય પક્ષો ચીન માટે કૂણી લાગણી ધરાવે છે તે સંસદની આ ચૂંટણીમાં નબળા પડ્યા છે. નવેમ્બર, ૨૦૨૫માં જાપાન અને ચીન વચ્ચેના સંબંધોમાં એક મોટો આંચકો આવ્યો હતો. કારણ કે તકાઇચીએ કહ્યું હતું કે ચીન તાઇવાન સામે બળપ્રયોગ થકી જો એનો કબજો લેશે તો તેવી પરિસ્થિતિ જાપાન માટે ‘અસ્તિત્વ સામેના પડકાર’ સમાન હશે અને એને કારણે જાપાને અમેરિકન સૈન્યોના ટેકામાં યુદ્ધમાં જોતરાવું પડશે. આ વિધાનથી ગુસ્સે થયેલ ચીની સરકારે પોતાના નાગરિકોને જાપાનની મુલાકાતે જતાં રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પરિણામે ઘરઆંગણે તકાઇચીની લોકચાહનામાં વધારો થયો. લિબરલ ડેમોક્રેટીક પાર્ટીએ જે રેકોર્ડ દેખાવ કર્યો તે માટે જાપાનમાં ચીન માટે પ્રવર્તતી ધૃણા અને શત્રુતાની લાગણી પણ કારણભૂત ગણી શકાય.

ચીનના વિદેશ મંત્રાલયે જાપાનની રાષ્ટ્રવ્યાપી ચૂંટણીઓના આ પરિણામોને સાવ ઠંડો પ્રતિસાદ આપતા આ આખીય ઘટનાને જાપાનની આંતરિક બાબત ગણાવતા તાકાઇચીને સલાહ આપી છે કે, ‘એણે ઉશ્કેરણીજનક વિધાનો કરવાથી દૂર રહેવું જોઈએ.’ ૨/૩ બહુમતીથી સંસદ ઉપર પ્રભુત્વ ભોગવનાર જાપાનની લિબરલ ડેમોક્રેટીક પાર્ટી જાપાનના સંવિધાનની કલમ-૯, જે મુજબ પોતાના સાર્વભૌમત્વના અધિકાર માટે યુદ્ધ નહીં કરવાનો જાપાનનો નિર્ધાર તેમજ જાપાનને સશસ્ત્ર સેનાઓ રાખતું અટકાવે છે તેમાં ફેરબદલ કરી શકે છે.

ચીન સ્વાભાવિક રીતે જાપાનના સંવિધાનની કલમ-૯માં કોઈ પણ ફેરફારનો વિરોધ કરે છે. ચીનની સામ્યવાદી પાર્ટીના મુખપત્ર પીપલ્સ ડેઇલીમાં તાકાઇચીના બેજવાબદાર ઉચ્ચારણો થકી ચીન અને જાપાન વચ્ચે તણાવ ઊભો કરવાનું વલણ તેમજ બંધારણની કલમ-૯માં ફેરફાર કરવાના વલણની ટીકા કરી છે. ૧૯૫૫ જ્યારે જાપાનની લિબરલ ડેમોક્રેટીક પાર્ટી અસ્તિત્વમાં આવી ત્યારથી એનું વલણ જાપાનનું નવું બંધારણ ઘડવાનું રહ્યું છે. એકલા હાથે લિબરલ ડેમોક્રેટીક પાર્ટીને સંસદના નીચલા ગૃહમાં ૨/૩ કરતાં વધારે અને એનાં સાથી પક્ષ જાપાન ઇનોવેશન પાર્ટી સાથે ૩/૪ કરતાં વધારે બેઠકો મળવાને કારણે હવે જાપાનના બંધારણમાં આમૂલ ફેરફારો થઈ શકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top