ભારતીય કંપનીઓના મેનેજમેન્ટના વર્તનમાં ફેરફારની તાતી જરૂર છે. આપણે ત્યાં કહેવત છે કે ‘ગરજ પડે ત્યારે ગધેડાને પણ બાપ કહેવો’ આ જ કહેવત મોટા ભાગના લીડર્સ અને મૅનેજમૅન્ટને લાગુ પડે છે. જ્યારે કર્મચારી તેમના માટે ખૂબ જ મહત્ત્વનો હોય ત્યારે તેને સર આંખો પર બેસાડે છે, તેની ઘણી કાળજી લેવાય છે. તેને પૂરતું સન્માન અપાય છે, સારા પગાર ઉપરાંત ઘણાબધા લાભ પણ તેને અપાય છે. એટલું જ નહીં, તેના ફૅમિલીને પણ સંસ્થાના ફૅમિલી તરીકે સન્માન મળતું હોય છે. સારું પર્ફોર્મ કરતાં કર્મચારીના બૉસ તો વળી તેનાં બાળકોનાં શિક્ષણ અને ભવિષ્ય વિશે પણ સારું માર્ગદર્શન આપતા હોય છે. પણ જેવો કર્મચારી રાજીનામાની વાત કરે અથવા રાજીનામું મૂકી દે, બૉસના તેવર એકદમ બદલાઈ જાય છે.
શરૂઆતમાં તેને પોતાની સંસ્થામાં જતો રોકવા માટે મૅનેજમૅન્ટ સામ, દામ, દંડ ભેદની નીતિ અપનાવી તેને રોકવાનો પ્રયાસ કરે છે. વિવિધ આકર્ષક ઑફર્સ અપાય છે. સારા ભવિષ્યનાં ઘણાં પ્રૉમિસ પણ અપાય છે. પરંતુ જ્યારે કર્મચારી મક્કમ હોય અને કંપનીમાંથી જવાની ઇચ્છા પર અડગ હોય ત્યારે બૉસ અને મૅનેજમૅન્ટનાં તેવર બદલાઈ જાય છે. જે કર્મચારી ખૂબ જ મહત્ત્વનો અને બહુ પ્રિય હતો તે અચાનક અળખામણો બની જાય છે. મૅનેજમૅન્ટનું વર્તન તેના પ્રત્યે સંપૂર્ણપણે બદલાઈ જાય છે. મહત્ત્વની મિટિંગમાંથી તેને તુરંત જ બાકાત રાખવામાં આવે છે. કંપનીની મહત્ત્વની બાબતો અને માહિતીથી તેને દૂર રખાય છે. તેના ઉપર શંકાની દૃષ્ટિથી જોવામાં આવે છે. જો કે દરેક કિસ્સામાં આવું થતું નથી પરંતુ મોટા ભાગના કેસમાં આવું જ બનતું હોય છે. કંપની નાની હોય કે મોટી હોય, ભારતીય કંપની હોય કે મલ્ટિનેશનલ કંપની હોય, મોટે ભાગે કાગડા બધે કાળા જ હોય છે અને આવું જ વર્તન રખાય છે.
આવું કેમ થાય છે? શું આપણે આપણી માનસિકતા બદલવાની જરૂર નથી? શું નોકરી છોડી જતો કર્મચારી પૂરતા સન્માન સાથે કંપનીમાંથી જાય તે અગત્યનું નથી? જરૂર છે આપણા વિચારો અને વર્તન બદલવાની. નોકરી છોડી જતો કર્મચારી કંપનીનો કાયમી સારો પ્રચારક બની શકે તે જોવાની જરૂર છે.
સમગ્ર વિશ્વમાં ભારતના કર્મચારીઓ સૌથી ઈમોશનલ કહેવાય છે. એક સર્વે પ્રમાણે જયારે ભારતના કર્મચારીનું નોકરી છોડવાનું મુખ્ય કારણ પગાર વધારો નહિ પરંતુ તેના બોસ દ્વારા તેને મળતી ટ્રીટમેન્ટ મુખ્ય છે. કર્મચારી જયારે કંપની જોડાય છે ત્યારે કંપનીનું નામ, માર્કેટમાં એની શાખ અને કંપનીના ક્લચરને કારણે જોડાય છે, પરંતુ જયારે નોકરી છોડે ત્યારે મુખ્ય કારણ એનો બોસ હોય છે. કંપનીનું મેનેજમેન્ટ અને HR ડીપાર્ટમેન્ટ પણ કર્મચારીને નહિ સાચવી રાખવાના કારણોમાં જવાબદાર મનાતા હોય છે.
જ્યારે એવી પણ જૂજ કંપનીઓ અત્યારે મોજૂદ છે જે નોકરી છોડી જતાં કર્મચારીઓ જોડે સુમેળભર્યો વર્તાવ કરે છે. કેટલાક ઉદાહરણ આ પ્રમાણે છે. ફાઇનાન્સ ક્ષેત્રે જાણીતી એક કંપની તેના શ્રેષ્ઠ કર્મચારીઓ છોડીને જતા હોય એવા કિસ્સામાં કંપનીના CEO આવા કર્મચારીઓને રૂબરૂ બોલાવે છે. તેમના સહયોગ અને પર્ફોર્મન્સની સરાહના કરવામાં આવે છે અને CEO જાતે તેમને કંપનીની યાદગીરીના ભાગરૂપે સરસ ગિફ્ટ પણ આપે છે અને છેલ્લા દિવસ સુધી આવા કર્મચારીઓને માનપૂર્વક રાખવામાં આવે છે.
જ્યારે હૉસ્પિટલ ક્ષેત્રે જાણીતી મુંબઈની એક જાણીતી હૉસ્પિટલમાં રાજીનામું આપવાનું ઇચ્છતા કર્મચારીઓ માટે કાઉન્સિલ કૉર્નર બનાવવામાં આવ્યો છે. જેના ભાગરૂપે HR ડિપાર્ટમેન્ટ અને કંપનીના ચુનંદા અધિકારીઓની ટીમ રાજીનામું આપ્યું હોય કે આપવાની ઇચ્છા ધરાવતા કર્મચારીઓને મળે છે. તેમની સમસ્યાને જાણે છે અને સમસ્યાઓનાં સુખદ સમાધાન માટે પૂરા દિલથી પ્રયત્ન કરવામાં આવે છે. એવું નથી કે આવા પ્રયત્નોથી બધા કર્મચારીઓ જે કંપની છોડવા માગે છે, તે બધા રોકાઈ જાય છે પરંતુ એટલું ચોક્કસ છે કે આને લીધે જે કર્મચારી કંપની છોડી જવા માંગતા હોય તેમને સંસ્થા માટે માનની લાગણી ઊભી થાય છે. ઘણા કૉર્પોરેટ હાઉસ તેમના ભૂતકાળના કર્મચારીઓ માટે એક અનોખી ક્લબ સ્થાપે છે, જેનાં ભાગરૂપે વાર તહેવારે કંપનીના CEO અને પૂર્વ કર્મચારીઓનું ગેટ-ટુ ગેધર સમયાંતરે રાખવામાં આવે છે અને પૂર્વ કર્મચારીઓને જૂની કંપની સાથે લાગણીના સંબંધથી જોડી રાખવામાં આવે છે
- કેટલા સૂચનો
- 1. કંપનીનો કર્મચારી નોકરીમાં રાજીનામુ આપે ત્યારે તેના ઈમીડિએઈટ બોસને જવાબદાર માનવા
- 2. રાજીનામું આપનાર કમર્ચારી જોડે સામાન્ય વ્યવહાર કરવો અને વધુ રિસ્પેક્ટ આપવી
- 3. નોકરી છોડનાર કર્મચારી ફરીથી પાછો જોડાઈ શકે છે તે મગજમાં રાખી તેની જોડે વ્યવહાર કરવો
- 4 નોકરી છોડી જનાર કમર્ચારી માટે ફેરવેલ પાર્ટી રાખવાની જરૂર નથી કારણ કે જો તે કર્મચારીને થોડાક જ દિવસમાં કંપનીમાં પાછું આવવું હશે તો તેને મુંઝવણ થશે.