Business

રિઝર્વ બેન્કે વ્યાજદર વધારતા રિયલ્ટી સેકટરની વૃદ્ધિને ફટકો પડશે

કોરોના કાળ દરમ્યાન લોકડાઉનના લીધે ઔદ્યોગિક સેકટર બંધ જેવી સ્થિતિમાં જોવા મળ્યા હતા, તે સમયે શેરબજારમાં પ્રવેશતાં શેરબજારોમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો હતો. એટલું જ નહિં, કોરોના બાદ સરકાર-સેન્ટ્રલ બેન્કોએ લીકવીડીટીમાં વધારો કરવા માટે વ્યાજદરમાં નોંધપાત્ર ઘટાડો કર્યો હતો અને વ્યાજદર તળિયે આવી ગયા હતા. જેના પરિણામે રિયલ્ટી સેકટરમાં તેજી જોવા મળી હતી અને પ્રોપર્ટીઝ ફટાફટ સેલઆઉટ થવા લાગી હતી. જેના લીધે રિયલ્ટી સેકટરમાં તેજી જોવા મળી હતી.

ત્યારબાદ, ભારત સહિત સમગ્ર વિશ્વમાં મોંઘવારી દરમાં સતત ઉછાળો આવતો જોવા મળ્યો હતો અને આ મોંઘવારી દરને કાબુમાં લેવા માટે સરકારના અથાગ પ્રયાસ કરાઇ રહ્યા છે, તેમજ પગલાંઓ પણ લેવામાં આવ્યા હતા, પરંતુ મોંઘવારી દર કાબુમાં આવી શક્યો નહતો, જેના લીધે સેન્ટ્રલ બેન્કોએ લીકવીડીટીને ઘટાડવાની સાથે સાથે વ્યાજદરમાં પણ વધારો કરવા લાગ્યા હતા. જેના લીધે મોંઘવારી દર કાબુમાં આવી શકે.

ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા અત્યાર સુધીમાં 1.40 બેસીસ પોઇન્ટ સુધીનો વ્યાજદરમાં વધારો કરી દેવાયો છે, જે છેલ્લે રિઝર્વ બેન્કની મોનીટરીંગ પોલીસીની બેઠકમાં 50 બેસીસ પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો છે. જોકે, હજુય મોંઘવારી દરમાં જે ઘટાડો થવો જોઇતો હતો, તેમાં સફળતા મળી શકી નથી, જેના પરિણામે હજુય વ્યાજદરમાં વધારો થઇ શકે તેવી આશંકા જોવાઇ રહી છે. હાલમાં, વ્યાજદર 5.40 ટકાના લેવલ પર લઇ જવાયો છે. જેની સીધી અસર હોમ લોન ઉપર જોવા મળી શકે છે, જેથી રિયલ એસ્ટેટ સેકટરને સૌથી મોટો ફટકો પડી શકે તેમ છે.

મોંઘવારી દરને કાબુમાં લેવા માટે રિઝર્વ બેન્ક અવિરત વ્યાજદરમાં વધારો કરી રહ્યા છે, તેના લીધે હોમલોન મોંઘી થતી જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં હોમલોનના વ્યાજદર સૌથી નીચા હતા, જેના પરિણામે કોરોના જેવા કપરા સમયમાં પણ પ્રોપર્ટીના વેચાણને વેગ મળી શક્યું હતું અને વિક્રમી વેચાણના ડેટા સામે આવ્યા હતા. આ વ્યાજદરમાં વધારો થવાના કારણે રિયલ્ટી સેકટરને તેમની પ્રોપર્ટીઝ વેચવા માટે નવા ગતકડાં કરવા પડશે અને નીત નવી ઓફરોની જાહેરાતો કરવી પડશે.

હોમલોનમાં વ્યાજદર ફલેકસીબલ હોય છે. એટલે ટુંકાગાળામાં વ્યાજદર વધે તે હોમ લોનના ગ્રાહકોને પસંદ હોતું નથી, જેને પ્રોપર્ટી ડેવલપર્સ સારી રીતે જાણતા હોય છે કે વધતા જતા ફુગાવાના લીધે આર્થિક વિષમતાઓ વધતી જાય છે. જેથી આવનારા તહેવારી મોસમમાં રિયલ્ટી સેકટરને વેચાણમાં નવા વિક્રમો સ્થાપવાની અપેક્ષા હતી, પરંતુ વ્યાજદર વધવાથી તે અંતરાયરૂપ બની શકે છે અને ડેવલપર્સને પ્રોપર્ટી વેચવા માટે આકર્ષક ઓફરો આપવી પડશે.

કોરોના બાદ વ્યાજદરમાં ઘટાડો થવાના કારણે છેલ્લા બે વર્ષ જેટલા સમયગાળા દરમ્યાન હોમ લોન 6.6 ટકાના દરે મળતી હતી, તેમાં ઉત્તરોત્તર વધારો થતાં હાલમાં 7.4 ટકાના દરે પહોંચી ગઇ છે અને હજુય એક અંદાજે 50 બેસીસ પોઇન્ટ સુધીનો વધારો માનવામાં આવી રહ્યો છે, જેના લીધે હોમ લોન 8 ટકા સુધી પહોંચવાની શક્યતા છે, જેની અસર રિયલ્ટી સેકટરને પડશે અને વિકાસ રૂંધાશે. આવનારા દિવસોમાં નવા મકાનોનું વેચાણ ઘટે તેવી શક્યતા જોવાઇ રહી છે.

રેટિંગ એજન્સીઓ અને માર્કેટના નિષ્ણાંતોનું માનવું છે કે, ભારતીય રિઝર્વ બેન્કે બેઠકમાં 50 બેસીસ પોઇન્ટનો વધારો કર્યો છે, જેમાં ફુગાવાના દરને યથાવત રાખ્યો છે. રિઝર્વ બેન્ક ફુગાવો ઘટે તેની ઉપર નજર રાખીને બેઠું છે. રિઝર્વ બેન્ક માને છે કે જો ફુગાવાનો દર નિયંત્રણમાં આવે અથવા તો તેમાં ઘટાડો શરૂ થઇ જાય એટલે કે છ ટકાની નીચે ફુગાવાનો દર પહોંચી જાય તો પછી વ્યાજદર વધારવાની જરૂરત નહિં પડે. જોકે, આ દરમ્યાન વધુ 25થી 50 બેસીસ પોઇન્ટ વધી શકે છે. જોકે, આ વધારો બે તબક્કામાં થાય તેવું પણ માનવામાં આવી રહ્યું છે.

ક્રીસીલનું માનવું છે કે, આગામી બેઠકમાં આરબીઆઇ 25 બેસીસ પોઇન્ટનો વધારો કરી શકે છે. ભારતમાં છુટક મોંઘવારી દરમાં ઘટાડો શરૂ થઇ ચુકયો છે, જેને જોતાં વ્યાજદરમાં વધારો કરવામાં નરમ વલણ અપનાવી શકે છે. ઇકરાનું કહેવું છે કે, જ્યાં સુધી મોંઘવારી દર છ ટકાની નીચે ન આવે ત્યાં સુધી વ્યાજદરમાં વધારો ચાલુ રહી શકે છે. રિઝર્વ બેન્કની નજર મોંઘવારી દર ઉપર જ છે. જો મોંઘવારી દર ઘટી જાય તો જીડીપી દર વધવામાં કોઇ મુશ્કેલી સર્જાશે નહિં. પરંતુ આ તમામ બાબતોની પાછળ વ્યાજદર વધતા રહેશે તો રિયલ્ટી સેકટરમાં તેજી ચાલી રહી છે, તેને બ્રેક વાગી શકે છે.

Most Popular

To Top