સુરતના રેલવેના પ્રશ્નો માટે સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને સાંસદ તેમજ હાલમાં રાજ્યકક્ષાના રેલવે મંત્રી દર્શના જરદોષ દ્વારા આજે દેશના રેલવે મંત્રી અશ્વિની સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. જોકે, આ રજૂઆતોમાં સુરતને રેલવે ડિવિઝન આપવાની રજૂઆત નહોતી. જો સુરતને રેલવે ડિવિઝન આપવામાં આવે તો સુરતના અનેક પ્રશ્નોનું બારોબાર નિરાકરણ આવી જાય તેમ છે. દર્શના જરદોષ ખુદ રેલવેના રાજ્યકક્ષાના મંત્રી છે ત્યારે તેઓ જો મજબૂત રજૂઆત કરે અને નિર્ણય લે તો સુરતને ડિવિઝન મળી શકે તેમ છે.
આઝાદી મળ્યા બાદથી સુરતનો એકપણ રાજકારણી એવો પાક્યો નથી કે જે સુરતને રેલવે ડિવિઝન અપાવી શકે. હવે સુરતના બંને સાંસદ મહત્વના પદો પર છે ત્યારે સુરતને રેલવે ડિવિઝન મળવાની આશા જાગી છે. દેશના રેલવે એમઓએસ સુરતના દર્શના જરદોષ અને નવસારી સાંસદ તથા પ્રદેશ ઉપાધ્યક્ષ સીઆર પાટિલ દ્વારા શતાબ્દી અને ગુજરાત ક્વિનને ગાંધીનગર સુધી વધારી આપવી, વલસાડથી પાલનપુરની ઉતર ગુજરાતની ટ્રેન શરૂ કરવી, સુરત અને નવસારી સ્ટેશન પર ટ્રેનોના સ્ટોપેજ વધારવા સહિતની વર્ષો જૂની માંગણીઓ ફરીથી સુરત માટે દેશના કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની આગળ કરવામાં આવી છે. જે જૂના સાંસદો નથી કરી શકયા તે મેણું આ મહાનુભાવો ભાંગે છે કે નહી હવે તે જોવાનું રહે છે.
સુરત માટે રેલવેના કયા કયા પ્રશ્નોનો ઉકેલ બાકી છે
- ગુજરાત ક્વિનને ગાંધીનગર સુધી લંબાવવી-દુરંતો ટ્રેનને સ્ટોપેજ આપવું- કોચ ઇન્ડિકેટરની માંગણી પણ વર્ષો જૂની છે-ઉધના રેલવે સ્ટેશનનું ડેવલપમેન્ટ કરવું-વેસ્ટર્ન રેલવેમાં ગુજરાતનો હિસ્સો પંચોતેર ટકા છે ત્યારે જીએમ ઓફિસ ગુજરાતને મળવી જોઇએ.-સાફ સફાઇના મુદે સુરત રેલવે સતાધીશો દ્વારા કાકલૂદી કરવામાં આવી રહી છે.-સૌરાષ્ટ્રની ટ્રેન ફ્રિકવન્સી વધારવાની માંગણી છેલ્લા 3 દાયકાથી કરવામાં આવી રહી છે.-ઉત્તર ભારતની ટ્રેનો માટે ફ્રીકવન્સી વધારવાની વાત બે થી ત્રણ દાયકાથી કરવામાં આવી રહી છે. -ઉત્તર ભારતની ટ્રેનોને ઉધનાથી જ ઉપાડવાની વાત બે દાયકા કરતા વધારે સમયથી કરવામાં આવી રહી છે.-સુરતને રેલવે ડિવીઝન આપવા માટેની વાત ચાર દાયકાથી કરવામાં આવી રહી છે