Comments

લાલ કિલ્લાને પડકારનાર કોણ છે?

એક તરફ ભારતનું બંધારણ અમલમાં આવ્યું તેની સ્મૃતિમાં દેશ 26 મી જાન્યુઆરીએ 72 મો પ્રજાસત્તાક દિન ઉજવવામાં મશગુલ હતો ત્યારે રાજધાની દિલ્હીમાં અકલ્પ્ય બની ગયું. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને દેશના તમામ પક્ષ અને વર્ગના મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજપથ પર  દેશની લશ્કરી, આર્થિક અને સામાજિક શકિતનું પ્રદર્શન થતું હોય તેવા આ રાષ્ટ્રીય દિને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક ગણાતો લાલ કિલ્લો અજાણ્યા અને વણજોઇતા તત્ત્વોના કબ્જામાં આવી જાય તે કલ્પના બહારનું છે. 

લાલ કિલ્લો બીજા એક રાષ્ટ્રીય દિન, સ્વાતંત્ર્ય દિને વડાપ્રધાન પ્રવચન કરતા હોય તેનું પ્રતીક બની ગયો હોય, તંત્ર કબ્જે કરવાનું ગુનાહિત અને રાષ્ટ્રવિરોધી કૃત્ય જેણે કર્યું છે તેણે પવિત્રતા અભડાવવાનું ખોટું કામ કર્યું છે. તેમને ઝડપથી ઓળખી લઇ દેશના કાયદા હેઠળ સજા કરવી જ જોઇએ.

એ બાબતમાં બેઅભિપ્રાય નથી કે તા.26 જાન્યુઆરી, 2021 ના રોજ દિલ્હીની સડકો પર જે બન્યું તે રાષ્ટ્રીય શરમ હતી. છેલ્લા સાત દાયકાથી સમયની કસોટીમાં અડીખમ રહેલા ભારતના બંધારણની ઉજવણી કરવાનો દિવસ શરમ અને હતાશાના દિવસમાં ફેરવાઇ ગયો. દેશની સૌથી મોટી શરમ આ નહીં હોઇ શકે તો બીજું શું હોઇ શકે?

આ શરમજનક કૃત્યના કરવૈયાઓને ઓળખી કાઢી સજા કરવાની છે, પણ સરકાર અને તેની સંબંધિત પાંખ જવાબદારીમાંથી છટકી શકે?

એક તરફ ત્વરિત સમાચારના આ યુગમાં ટી.વી.ના પડદા પર પળેપળનાં દૃશ્યો દેખાતાં હતાં એટલાં જ ક્ષુબ્ધતાકારક દૃશ્યો પોતાની ફરજ બજાવતા ખાખી ગણવેશધારી પોલીસોને કચડવા બેફામ ટ્રેકટરો દોડાવતા ‘ખેડૂતો’નાં હતાં.

બિચારા કેટલાક પોલીસો દેખાવકારો કરતાં સંખ્યામાં ઓછા હોવાથી તેમના આક્રોશનો ભોગ બનતાં અટકવા ખાડાઓમાં કૂદી પડતા દેખાયા હતા. આ એવાં દૃશ્યો હતાં, જેને દરેક ભારતીયો ભૂલવા માંગે પણ આવું કેમ બન્યું? તે પ્રશ્નનો જવાબ મેળવ્યા વગર નહીં! આ અને એવા અન્ય ઘણા સંબધ્ધ પ્રશ્નો છે, જેણે કાયદેસર આંદોલન કરતા ખેડૂતો અને તેનાથી વધુ ખાસ કરીને પ્રજાસત્તાક દિને સુરક્ષાની વ્યવસ્થા સંભાળનારની ઊંઘ ઉડાડી દેવી જોઇએ.

વિરોધ કરતા ખેડૂતો સાથે મંત્રણા લંબાવવામાં સંડોવાયેલા અને પરિસ્થિતિનો ઝડપી ઉકેલ આવે તેમાં કોઇ તાકીદ નહીં બતાવતાં લોકોને પણ આ પ્રશ્નો એટલા જ સતાવશે. લાલ કિલ્લાની રાંગ પર ભજવાયેલાં અને કયારેય સ્વીકારી ન શકાય તેવાં આ દૃશ્યો વિશેની જિજ્ઞાસા અને ઉત્તરદાયિત્વ સંતોષવા ઉપરાંત કાયદાની બંને બાજુના અપરાધી લોકોને સજા કરાવવા માટે આ સવાલો જવાબની ભીખ માંગે છે!

છેલ્લાં 35 વર્ષોમાં મેં સ્વાતંત્ર્ય દિન અને પ્રજાસત્તાક દિનના સમારંભો ખૂબ નજીકથી જોયા અને તેના હેવાલ આપ્યા છે અને મને પત્રકાર તરીકે યાદ છે કે 1990 ના દાયકામાં પણ મહેન્દ્રસિંહ ટિકાયતની આગેવાની હેઠળ ખેડૂતોની કૂચ નીકળી હતી પણ તે સમયની સરકારે તેનું શમન કર્યું હતું. હમણાં ભજવાયાં તેવાં દૃશ્યો કયારેય જોવા નહોતાં મળ્યાં.

માંડલ પંચ સાથેના કમકમાટીભર્યા દેખાવો વખતે પણ નહીં. આ દિવસો દરમ્યાન સુરક્ષા વ્યવસ્થા નાગરિકોને અકળાવનારી હોય છે પણ સુરક્ષાકર્મીઓ પોતાની ભૂમિકા પ્રશંસનીય રીતે ભજવતા હોવાથી વાજબી ઠરે છે. કોઇએ લાલ કિલ્લા પર કે રાષ્ટ્રીય મહત્ત્વનાં પ્રતીકો પર કુદૃષ્ટિ કરવાની હિંમત નથી કરી.

દરેક ભારતીયને શાંતિમય દેખાવો કરવાનો બંધારણીય હકક છે અને લોકોને વિરોધ કરવાના માર્ગે લઇ જાય તેવી તકલીફો સાંભળવા અને તેનો ઉકેલ લાવવા માટે સરકાર ફરજથી બંધાયેલી છે. હા, રાજયનું સંચાલન સત્તાધીશો કરે છે અને કોઇ સરકારને આવી પરિસ્થિતિ હાથ ધરતી વખતે નબળા દેખાવાનું નહીં ગમે તે સાથે લોકશાહીમાં રાજયની મુત્સદ્દીગીરી માંગ એવી  છે.

દેખાવકારો, ખાસ કરીને જયારે પોતાના અસ્તિત્વ માટે લડતા ખેડૂતો દેખાવકારો હોય ત્યારે તેમને વિરોધીઓ તરીકે નહીં જોતાં પોતાના વડીલ (સરકાર) પાસેથી પોતાની ફરિયાદનું નિવારણ માંગનાર તરીકે જોવાં જોઇએ. આવી પરિસ્થિતિમાં કોઇ જીતે છે કે હારે છે તે મહત્ત્વું નથી. હકીકતમાં તુમ્હારી ભી જય જય. હમારી ભી જય જય’ જેવો સુમેળભર્યો ઉકેલ લાવી રાજકીય લાભ અંકે કરવાની તક ઝડપી લેવી જોઇએ.

કમનસીબે દાયકાઓથી સરકારોએ વિરોધી દેખાવકારોને પોતાના કટ્ટર વિરોધીઓ તરીકે જોવાનો ખોટો દાખલો ચીલો પાડયો છે અને ખેડૂતોના આંદોલન સંદર્ભમાં પરિસ્થિતિ અલગ નથી. આપણા દેશમાં આવાં દરેક આંદોલનમાં શાસક અને વિરોધ પક્ષોનું રાજકારણ ઘૂસે જ છે. એ હકીકતનો ઇન્કાર થઇ શકે તેમ નથી.

સરકારો ‘ભાગલા પાડો અને રાજ કરો’ના હથિયાર સહિત સામ-દામ-દંડ અને ભેદ તમામ કૂટનીતિનો પ્રયોગ કરતી જ હોય છે. કેટલીક વાર તે જરૂરી પણ હોય છે. તો બધી વખત તે નહીં ચાલે, તેમાંય ખેડૂતો જયારે રાષ્ટ્રીય ધોરી માર્ગ પર અને દેશમાં અન્યત્ર ખુલ્લી જગ્યાઓમાં હાડ થીજાવી દે તેવી ઠંડીનો સામનો કરીને પણ પોતાનો વિરોધ વ્યકત કરતા હોય ત્યારે તો નહીં જ.

જંગી બહુમતી સાથે રાજ કરતી લોકશાહી સરકાર ખેતી કાયદાનો મામલો હારજીતની દૃષ્ટિએ ઉકેલવા બેસે એ વાતમાં કોઇ મુદ્દો નથી. દરેક સુધારા કે પરિવર્તનમાં વિરોધ થતો જ હોય છે. 1990 ના દાયકામાં આર્થિક સુધારા થયા ત્યારે હાલનો શાસક ભારતીય શાસક ભારતીય જનતા પક્ષ વિરોધ પક્ષમાં હતો, તેણે શું કર્યું હતું? જેને માટે સુધારા થાય છે તેમને સાથે રાખવા જોઇએ.

ઘણું નુકસાન થઇ ચૂકયું છે અને લાલ કિલ્લાની રાંગ પરનાં વખોડપાત્ર દશ્યોએ રાષ્ટ્રીય માનસિકતાને જફા પહોંચાડી છે, પણ હવે સરકાર પોતાની નિષ્ફળતાનો હિસ્સો સ્વીકારી લે તેમાં રાષ્ટ્રીય હિત સમાયેલું છે. ખેડૂતોએ પણ સાર્વભૌમત્વના પ્રતીક લાલ કિલ્લાને પડકારનારાઓને ખુલ્લા પાડવાની તપાસમાં મદદ કરવી જોઇએ.

  • આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top