Comments

નિર્વાણનાં 74 વર્ષ પછી જન નાયક ગાંધીને યાદ કરવાનું કારણ?

30 જાન્યુઆરી 1948માં એટલે કે આજથી 74 વર્ષ પહેલાં સંસાર છોડી દેનાર રાષ્ટ્રપિતાને આપણે કેમ ભૂલ્યા નથી!એક હ્રસ્વ-દીર્ઘના ફરકથી પ્રજાસત્તાક ભારતે અઢળક રાષ્ટ્રપતિ પણ આપ્યા છે પરંતુ નવી પેઢીનાં સ્મરણમાં કોઈ એકાદ-બે રાષ્ટ્રપતિથી વધુ મહાનુભાવો હશે નહીં અને તેઓનાં કર્તવ્યની સ્મૃતિમાં શરીરશ્રમ વેઠવા તો આજના યુવાનો કેમ તૈયાર થાય? ત્યારે સવાલ થાય કે, જનસમૂહની યાદમાં આજે પણ ગાંધી કેમ બિરાજમાન છે? આવા પ્રશ્નનાં જવાબમાં એક શિક્ષકે કહ્યું, ‘રૂ.500/-ની નોટ ઉપર તેઓ શ્રીની તસવીર હોય છે આથી, પણ કાઠિયાવાડ સ્થિતિ બીજા એક એ ગામ કરતાં રાજકોટની દીકરી પારુલનાં કરોડો ફોટા પારલેજી બિસ્કીટનાં પૅકેટ ઉપર આજે પણ છપાતા રહે છે, પણ પારુલ તો કોઈનાં દિલો-દિમાગમાં નથી.

મહાત્મા ગાંધી શાથી લોકપ્રિય છે તેવા એક સવાલનો જવાબ શોધવા 1942માં અમેરિકન પત્રકાર લુઈફીશર વર્ષાની મુલાકાતે આવેલ. બળબળતાં તાપ વચ્ચે ગાંધીજી સાથે ગાર-માટીની ઝુંપડીમાં રોજ એક-દોઢ કલાક વાતચીતમાં અને 30 મિનિટ ભોજનાલયમાં ગાળતા. પત્રકારનો બાકીનો સમય પાણી ભરેલા લોખંડનાં ટબમાં બેસી લખતા રહેવા અને રાત્રે ખુલ્લાં આકાશ નીચે શેતરંજી પાથરી સૂવાના કપરાં અનુભવ વચ્ચે પસાર થયો. આમ છતાં, લુઈફિશરે પોતાની નોંધપોથીનાં મથાળે લખ્યું, ‘હિંદુસ્તાનનાં લોકનાયક સાથે મને આનંદભેર સમય ગાળવા મળ્યો.’ મહાદેવભાઈએ પણ નોંધમાં લખ્યું કે, ‘ગાંધીજીએ પરદેશીઓ સાથે જે વાત કરી છે તેમાંની આ સહુથી અગત્યની છે.’

લુઈફિશર મહાત્માને સ્વરાજનો રથ હંકારનાર સફળ સેનાની તરીકે જન નાયકનો શિરપાવ આપે છે અને “octagon pressure”નાં મથાળેથી ગુલામ ભારતનાં પ્રશ્નો દર્શાવે છે જે(1) વિશ્વ યુદ્ધ અને જાપાનનું દબાણ(2) સુભાષબાબુ અને જર્મનીથી ઊભી થયેલ પરિસ્થિતિ(3) જિન્હાએ છૂપાવી રાખેલ કેન્સરની બીમારી અને ઉગ્ર બનતી અલગ પાકિસ્તાનની માગણી (4)રજવાડાંઓની સ્વાયત્તતાની કપટ નીતિ(5) મોગલ સામ્રાજ્ય તરફ વળવાની મુસ્લિમ લીગની ખેવના (6) અતંત્ય ગરીબ,રોગિષ્ટ, અશિક્ષિત ભારતની પૃષ્ઠભૂમિ (7)બ્રિટીશ સરકારની ઉગ્ર શોષણ નીતિ (8) કોંગ્રેસનાં સદસ્યોની સત્તા લાલસા હોવા છતાં મહાભારતનાં યુદ્ધમાં ભગવાન કૃષ્ણએ મહાબળવાન કૌરવ શૂરવિરો વચ્ચે અર્જુનને વિજય અપાવ્યો તેમ ગાંધીએ વિકરાળ પ્રશ્નો વચ્ચેથી દેશને ઉગાર્યા આથી આજે તેમને યાદ કરીએ છીએ.

જોકે, ગાંધીનું કૌશલ્ય તેમનાં વિચારમાંથી પ્રગટેલું અને આ વિચારની ભૂમિકા હિંદુ સ્વરાજમાંથી મળે છે. આજથી 114 વર્ષ પહેલાં 650 વર્ષથી ગુલામીમાં સબડતા હિંદને 19 રચનાત્મક દિશાઓ આપી. જેમાં કોમી એક્તા, અસ્પૃશ્યતા, વ્યવસમુકિત અને સ્વચ્છતા જેવા સામાજિક કામો આપ્યા. સાથોસાથ ખાદી,ગ્રામોદ્યોગ, ખેતી અને પશુપાલન પ્રકારે આર્થિક સુધારો જણાવ્યા. મેકોલેની નવી શિક્ષણ પ્રણાલીનાં નામે ઉઝરાડાઈ ગયેલ સમાજને પુનઃ નઈતાલીમ, પ્રૌઢ શિક્ષણ,માતૃભાષા, રાષ્ટ્રભાષા અને યુવાવિકાસ પ્રત્યે ગાંધીએ આશાવાન દિશા આપી. ગાંધીજી રચનાત્મક અભિગમથી આરોગ્ય, બાળઆરોગ્ય અને રકતપિત્તો પ્રત્યે કરુણાને આવકારી તો આદિવાસી, મજદૂર, શ્રમિકો અને સ્ત્રીઓ પ્રત્યે સમાન અભિગમને પ્રચલિત કર્યા. ગાંધીનો આ રચનાત્મક અભિગમ 21મી સદી માટે પણ હ્યુમન ફ્રેન્ડલી, વૅલ્યુ ફ્રેન્ડલી અને ઈકો ફ્રેન્ડલી હોવાથી આજે ગાંધીનું મૂલ્ય વૈશ્વિક બન્યું છે. ગાંધી વધુ ને વધુ સાંપ્રત બની રહ્યા છે.

મહાત્મા ગાંધીને આજે 153 વર્ષ થયા,પરંતુ 120 વર્ષ પહેલા ‘સત્યના પ્રયોગો’લખતાં લખતાં ‘રામ રાજ્ય અને રામ કાજ’ એવો શબ્દ પ્રયોગ કર્યો. પુત્ર હરિલાલને જેલવાસ દરમિયાન પત્ર લખતા કહ્યું, ‘ગુણો જડ નથી, ચૈતન્ય છે.’ ‘અહીં ગુણોનો સંદર્ભ ચૈતન્ય હોય. શ્રી રજનીશે પણ કહેવું પડયું કે, ‘ગાંધીની સર્જન શીલતા એમની પ્રાર્થના હતી.’ મહાત્માએ દેશને 6 શતકની ગુલામીની જંજીરોથી મુક્ત કરવા માટે સૂચવેલ સામાજિક પરિવર્તનની દિશા સ્વયં એક કાર્ય પદ્ધતિ હોય. જવાહરલાલ નહેરુએ ગાંધીને એક રોશની કહ્યા, તો કાકા કાલેલકરર સાયણ તરીકે જાણ્યું, લુઈફિશરે ગાંધીની રચનાત્મક વિચારસરણીને માનવીય ચેતના સાથે જોડતા કાર્યો તરીકે નોંધ્યા છે. આજે પણ, દેશ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવા પ્રયત્ન કરે છે, તેનું કારણ ગાંધીએ ટકાઉ અને વૈજ્ઞાનિક અભિગમ આપ્યો છે. ‘સત્યનાપ્રયોગો’માં રામકાજ, રામરાજ્ય અને રામરસાયણ પ્રકારે વૈચારિક ભાવના વ્યકત કરનાર ગાંધી પહેલાં 2900 વર્ષ અગાઉ જૈન ધર્મમાં આત્માને જ્ઞાની જાણવામાં આવ્યો છે. તો ચરકસંહિતામાં પંચરસત્વ તરીકે જાણવામાં આવ્યું છે.

2125 વર્ષ પહેલા માનવશરીરને મનોવિજ્ઞાનના આધારે જેકૉબ્સે 350 વર્ષ પહેલા માનવ મસ્તિષ્કને પિંડ રસાયણ જાણ્યું અને છેક 21મી સદીના પ્રારંભે જર્મનીથી શોધાયેલ બ્રેઈન મેપિંગ શરૂ થયું છે ત્યારે પણ ઉપનિષદથી ગાંધી સુધીની એક સૂત્રતા પ્રસ્થાપિત થાય છે. ગાંધી આજે પણ પ્રસ્તુત છે. ગાંધીનાં રચનાત્મક કાર્યો આજે પણ માણસને સક્રિય થવા પ્રેરે છે. કારણ (1) ગાંધીની વિચારસરણી સમાજ પરિવર્તનની ક્ષમતા ધરાવે છે. (2) વ્યક્તિગત પરિવર્તન માટે પ્રેરક બને છે. (3)રસાયણ રૂપે કર્મ માનવદેહે આનંદિત રહે છે. (4) કર્મ ચૈતન્ય સાથે અનુબંધ જાળવી રાખે છે અને આથી વર્ષ 1908માં ગાંધીજીએ હિંદ સ્વરાજમાં મૂકેલ વિચારો આજે પણ રચનાત્મક કાર્ય રીતે જીવંત છે અને એજ ગાંધીના સ્મરણ સાતત્યનું કારણ છે.
ડો.નાનક ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top