ગુજરાત શિક્ષણબોર્ડનું ધોરણ 10 નું પરિણામ જાહેર થઈ ગયું છે. આખા પરિણામનું વિશ્લેષણ કરતાં ઘણી બધી વાસ્તવિકતા નજર સામે આવે છે. અહીં શિક્ષણ સંસ્થાઓ શિક્ષકો કે ગુજરાત સરકારની ટીકા કરવાની વાત કરવી નથી પણ શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થી ઓ અને વાલીઓ ખરેખર ક્યાં ઊભા છે તે બતાવવાનો છે. આ પરિણામોથી વાલીઓને આગામી સમયમાં વિષયની પસંદગી અને શૈક્ષણિક પ્રવાહ પસંદ કરવામાં સરળતા રહે અને માર્ગદર્શન પણ મળી રહે જયારે એજ્યુકેશન પોલિસી સિસ્ટમમાં સુધારા વધારા કરવા માટે બોર્ડ શિક્ષણ વિભાગ કે ગુજરાત સરકારને પણ આ વિશ્લેષણનાં તારણો ઉપયોગી થઈ પડે એમ છે.
આ વખતે બોર્ડનાં પરિણામોમાં વિજ્ઞાન અને ગણિત જેવા વિષયમાં ખરાબ પરિણામ આવ્યું છે અને ગુજરાતી વિષયમાં પણ વિદ્યાથીઓ નબળાં પુરવાર થયાં છે. આઘાતજનક વાત તો એ છે કે ઘણા વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં જ નબળાં પુરવાર થયાં છે, જેમની માતૃભાષા જ ગુજરાતી છે. બોર્ડનાં પરિણામોના આંકડા મુજબ એસ. એસ. સી. ની બોર્ડની પરીક્ષામાં બે લાખ જેટલાં વિદ્યાર્થીઓ ગણિત અને સવા બે લાખથી વધુ વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં નાપાસ થયાં છે.ગુજરાતી માધ્યમમાં પ્રથમ ભાષા ગણાતા ગુજરાતી વિષયમાં 95 હજાર વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.આ પરિણામ ગુજરાતી વિષય ભણતાં વિદ્યાર્થીઓ અને ગુજરાતી ભણાવતાં શિક્ષકો બન્ને માટે ચિંતાનો વિષય બનવો જોઈએ.
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને માતૃભાષાના ટેકેદારો માટે ચિંતન અને સંશોધનનો વિષય છે એટલું જ નહીં, આ પરિણામો જોઈને ક્યા ક્યા સુધારા વધારા કરવા જરૂરી છે તેનો રોડમેપ બનાવી તેનો તાત્કાલિક અમલ કરવાની ખાસ જરૂર છે. સામાજિક વિજ્ઞાનમાં પણ 95 હજારથી વધુ વિદ્યાર્થીઓને પાસ થવામાં મુશ્કેલીઓ પડી રહી છે એટલે ગણિત વિજ્ઞાન ગુજરાતી ઉપરાંત આ સામાજિક વિજ્ઞાન માટે પણ ગંભીર ચિંતન અને મનન થવું જરૂરી છે. આ ચિંતન દરમિયાન માતૃભાષા ગુજરાતીમાં દર વરસે જો આટલા બધા વિદ્યાર્થીઓ નાપાસ થતાં હોય તો તેનાં કારણોમાં ઊંડાં ઊતરીને જરૂરી બદલાવ લાવવાની આપણી તૈયારી હોવી જોઈએ.
આપણી શિક્ષણ વ્યવસ્થામાં ફેરફારની જરૂર છે કે સિસ્ટમમાં ફેરફારની જરૂર છે કે પાઠ્યપુસ્તકોમાં સુધારા વધારા કરવાની જરૂર છે તે પહેલાં નક્કી કરવું પડશે. વધુ શરમની વાત એ છે કે ગુજરાતની 157 શાળાઓનું પરિણામ શૂન્ય આવ્યું છે. અંગ્રેજી માધ્યમ કરતાં ગુજરાતી માધ્યમનું પરિણામ નબળું આવ્યું છે. ખાટલે મોટી ખોટ એ છે કે વાલીઓ શિક્ષકો શાળા સંચાલકો ગુજરાતી ભાષાના હિમાયતીઓ વિદ્યાર્થીઓ વચ્ચે તાલમેળ નથી. આમાં ક્યાંથી ભણે ગુજરાત? કેવી રીતે ભણે ગુજરાત? કોણ ભણાવશે? કોણ ભણશે?
સુરત – અબ્બાસભાઈ કૌકાવાલા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.