ઘીસ એટલે હોળીના વરઘોડાનું આકર્ષણ


પ્રબોધભાઈ પાતરાવાળાએ જણાવ્યું કે, 100થી વધુ વર્ષથી હોળીનું મુખ્ય આકર્ષણ ઘીસ રહેતું. જેને હોળીનો વરઘોડો કહેતાં હતા. કોટ વિસ્તારની અલગ અલગ શેરીઓ જેમકે, સૈયદપુરા, રામપરા, ભાગળ, ડબગરવાડ, રુદનાથપુરા, હરિપરા, કાછીયા શેરી, લીંબુ શેરી, પસ્તાગિયા શેરી, પીપળા શેરી, દાળિયા શેરી, ગલેમંડી અહીંથી હોળીનો વરઘોડો નીકળતો. ઢોલ નગારા વગાડતા એક શેરીમાંથી બીજી શેરીમાં જાય તેને જોવા ભીડ થતી. શેરી મોહલ્લાની નગારા વગાડવાની આગવી ઢબ રહેતી જેને ચાલ કે છાપ તરીકે ઓળખતા. નગારા વગાડે એટલે તેનું ચામડું નરમ પડે તો તેને ટાઈટ કરવા મશાલ પાસે રાખી તેને તાપતા એટલે આ ઘીસમાં બે મશાલચી રહેતા. પહેલા તો વરઘોડામાં વરરાજા રહેતો. કોઈપણ એક યુવકને વરરાજા બનાવતા. આ ઘીસની પ્રથા 1974 પછી ભુલાઈ ગઈ હતી તેને ફરી 2000ની સલમા જીવંત કરાઈ હતી. હવે ઘીસમાં વરરાજા નહીં હોય પણ નગારા વાદનનું આકર્ષણ રહે છે. ગયા વર્ષે આપણા સુરતની એક શેરીમાં ઘીસ નીકળી હતી.
ધૂન અને ઘીમની પ્રથામાં બાળકને ગુલાલ લગાડાય, નગારું આપાય

ખત્રી સમાજના નીતાબેન ઝવેરીએ જણાવ્યું કે, હોળીના દિવસે ધૂનની પ્રથામાં એક, ત્રણ કે પાંચ વર્ષના, મતલબ કે બાળકને બાજઠ પર બેસાડવામાં આવે અને તેને ગુલાલ લગાડવામાં આવે તથા હરડાનો હાર પહેરાવવામાં આવે. સંબંધીઓ પણ ગુલાલ લઈને આવે. મોસાળ પક્ષમાંથી બાળકને નવા કપડા તથા નગારું આપવામાં આવે. આ પ્રથાને લઈને જ હોળી પહેલા નગારું ખરીદવા ડબગરવાડમાં હજી પણ લોકોનો ધસારો હોય. આ ઉપરાંત મામા તરફથી બાળકને સોના કે ચાંદીની વસ્તુ ખાસ કરીને ચાંદીની કંઠી આપવામાં આવે. આ દિવસે ગોત્રેજ પૂજન હોય જેમાં માતાજીને સુંવાળી-વડા અને અન્ય ખાવાની વસ્તુઓનો નૈવેધ ચઢાવવામાં આવે. ધૂળેટી બાદ દસ દિવસ સુધી ઘીમની પ્રથા થતી. તેમાં પણ બાળકને બાજઠ પર બેસાડી ગુલાલ લગાડવામાં આવે. આ પ્રથા હજી જળવાઈ રહી છે.
બાળકો દ્વારા નગારા વગાડવાની પ્રથા વિસારે પડી
અત્યારે તો હોળીનો તહેવાર બે દિવસ પૂરતો રહી ગયો છે પણ પહેલાનાં સમયમાં આ તહેવારની ઉજવણી રંગપાંચમ સુધી એટલે કે 5 દિવસ સુધી ચાલતી. શેરીના ચાર રસ્તાને પહેલા ચકલો કહેતા જ્યાં હોળી પ્રગટાવવામાં આવતી. ત્યારે ચકલા પાસે નાના બાળકોનું ટોળું ચામડાના નગારા વગાડતું. અત્યારે ગણેશ ઉત્સવમાં નગારા ખરીદવા ડબગરવાડમાં ભીડ થાય છે પણ પહેલાના સમયમાં હોળી પર્વને લઈને ડબગરવાડમાં નગારા ખરીદવા ભીડ થતી. બાળકો નગારા વગાડે ત્યારે નગારા ફાટે તો તેને ફરી મઢાવવા પણ ડબગરવાડમાં ભીડ થતી. એ સમયે તો હોળીના પંદર દિવસ પહેલાથી નગારા વગાડવાની પ્રેક્ટિસ શરૂ થઈ જતી. હવે તો હોળી પ્રગટે ત્યાં નાના છોકરાઓ દ્વારા નગારા વગાડવાનું ભૂલી જવાયું છે.
ઘરે શ્રીખંડ અને રવા મેંદાની પુરી બનાવવાની પરંપરા પણ ભુલાઈ

હોળી પર્વને લઈને પહેલા સુરતી પરિવારોની મહિલાઓ ઘરે જાતે જ શ્રીખંડ અને રવા મેંદાની પુરી બનાવતી. ત્યારે દૂધની ડેરી પર હોળીના ચાર-પાંચ દિવસ અગાઉ દૂધની અલાયદી વ્યવસ્થા કરાતી. દૂધ ઘરે લાવી દહીં બનાવતું. દહીંને સૂતરના કાપડમાં બાંધી તેમાંથી પછી શ્રીખંડ બનાવાતો. રવા મેંદાની પુરી પણ ઘરે જાતે બનાવી તેની સાથે આ શ્રીખંડ ખાવામાં આવતો. હવે જૂજ પરિવારોએ આ પરંપરા જાળવી રાખી છે બાકી હવે તો શ્રીખંડ અને રવા મેંદાની પુરી પણ દુકાનોમાંથી વેચાતી લાવી ખાવામાં આવે છે.
મોહલ્લાના છોકરાઓ હોળીનું દોઢીયું માંગતા
સુરતની હોળી વિશે ઇતિહાસના પાના ઉલ્ટાવવામાં આવે તો જાણવા મળે છે કે પહેલાનાં સમયમાં હોળીના દિવસોમાં મોહલ્લાના છોકરાઓ જતા આવતા રાહદારીઓ પાસે ‘હોળીનું દોઢીયું’ માંગી તેને પજવતા. જો આપે તો ઠીક નહીં તો તેને અટકાવતા. હોળી પર ખૂબ ધાંધલ ધમાલ થતી. કોઈવાર લડાઈ પણ જામી પડે. એક ચકલાની હોળીવાળા બીજા ચકલાની હોળી પર હલ્લો લઈ જતાં જોકે, બીજે દિવસે એ વેરઝેર ભૂલી જતાં.
જરી અને કાપડના કારખાના 5 દિવસ બંધ રહેતા
પહેલાનાં સમયમાં રંગોત્સવ પાંચ દિવસ ચાલતો ત્યારે પાંચ દિવસ લોકો એકબીજાને ગુલાલ લગાડતા. પાંચ દિવસ શેરીઓમાં જમણવાર પણ થતો. જરી અને લૂમ્સના કારખાનામાં કામ કરતા લોકો આ તહેવાર પાંચ દિવસ સુધી મનભરીને માણી શકે એટલા માટે આ કારખાના બંધ રાખવામાં આવતાં. કારખાના પર 5 દિવસ તાળા લટકતા દેખાતા. જ્યારે હવે તો માત્ર ધૂળેટીના દિવસે જ આ કારખાનાઓ બંધ રહે છે. એનું એક કારણ હવે 5 દિવસ ઉજવણી નથી થતી અને હવે આ કારખાનાઓમાં માત્ર સુરતના જ નહીં અન્ય અન્ય શહેરોમાંથી આવેલા લોકો પણ કામ કરે છે.
પહેલા હોળી પાંચ દિવસ સુધી પ્રગટતી રહે એટલી લાકડાની ગાંઠ ખરીદવામાં આવતી હતી. એકવાર વડીલોને વિચાર આવ્યો કે આ લાકડાની ગાંઠ એમ જ 5 દિવસ પ્રગટતી રહે છે તો તેનો આપણે સદુપયોગ કરીએ અને પછીથી જમણવારની શરૂઆત થઈ. શેરી મોહલ્લાની બહેનો, પુરુષો સળગતા લાકડાની ગાંઠ પર રસોઈ બનાવતા. એક દિવસ દાળ ઢોકળી, બીજા દિવસે દાળ-ભાત, ત્રીજે દિવસે કઢી ખીચડી બનાવે, શક્કરિયું, બટાકા, કંદ બાફવામાં આવે. શેરીમાં બધા ભેગા થઈ રસોઈની તૈયારીઓ કરે. ઘરેથી પોતાની થાળી-વાડકી લઈ આવે અને ટોળામાં બેસીને જમે. આ પ્રથા હજી પણ કોટ વિસ્તારમાં કેટલીક શેરીઓમાં હજી પણ જળવાયેલી છે. જોકે કેટલી શેરીઓમાં એક કે બે દિવસ તો કેટલીક શેરીઓમાં 5 દિવસ જમણવાર થાય છે.