આણંદ : મહિસાગર જિલ્લામાં સુશાસન સપ્તાહ ઉજવણી અંતર્ગત કલેકટરની કચેરીએ જિલ્લા કક્ષાનો વર્કશોપ યોજાયો હતો. જેમાં કલેક્ટરે નાગરિકો વિવિધ યોજનાનો લાભ મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે દિશામાં આગળ વધીએ અને રાત્રીસભાના માધ્યમથી ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા અધિકારીને અપીલ કરી હતી. મહીસાગરમાં સુશાસન સપ્તાહ-22 પ્રશાસન ગાંવ કી ઓર અંતર્ગત કલેકટરની કચેરી ખાતે કલેકટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપનો પ્રારંભ કરાવતા કલેકટરએ જણાવ્યું હતું કે, જનહિતના વિવિધ કામો છેવાડાના માનવીને પણ સરળતાથી મળી રહે તે હેતુ સાથે કામગીરી કરવી.
અને રાત્રિસભા યોજી, ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત કરી લોકોના પ્રશ્નો સાંભળી તેમનો નિકાલ કરવામાં આવે. જિલ્લાના નાગરિકો વિવિધ યોજનાનો લાભ મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે દિશામાં આગળ વધીએ. અને રાત્રીસભાના માધ્યમથી ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ લાવીએ. આ ઉપરાંત મહેસુલ વિભાગ, ખેતીવાડી વિભાગ, શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગની મહીસાગર જિલ્લામાં ચાલી રહેલ યોજનાઓનું પ્રેઝન્ટેશન કલેક્ટર અને ઉપસ્થિત અધિકારીઓએ નિહાળ્યું હતું આ કાર્યક્રમમાં કલેકટરના અધ્યક્ષસ્થાને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકરી દ્વારા કોવિડ 19 પ્રવર્તમાન પરિસ્થિતિ , ટેસ્ટ, ટ્રેક, ટ્રીટમેન્ટ, રસીકરણ, કોવિડ વર્તણૂક, પીએસએ પ્લાન્ટ, આઇસોલેશન બેડ ,આરટીપીસીઆર લેબ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં પોલીસ વડા આર પી બારોટ,અધિક નિવાસી કલેક્ટર સી વી લટા,પ્રાંત અધિકારીઓ, ખેતીવાડી અધિકારી, આયોજન અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, સહિત દરેક વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહિસાગર જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક કલેક્ટરની અધ્યક્ષ સ્થાને યોજાઈ
મહીસાગર જિલ્લાના પ્રવાસન હસ્તક પ્રોજેક્ટ અને સાઈટ પર થયેલી કામગીરીની સમીક્ષા બેઠક કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના માનગઢ હિલ પ્રોજેક્ટ, રૈયોલી ડાયનાસોર ફોસીલ પાર્કમાં થયેલી કામગીરીની, સાતકુંડા પ્રોજેક્ટ વન વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત બેઠકમાં કેદારેશ્વર મહાદેવ મોજે જનોડ, તા.બાલાસિનોરને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. સંતરામપુર તાલુકાના નાનીસરસણ ખાતે આવેલ ભિલોડિયા મહાદેવ મંદિરનો પ્રવાસન ધામ તરીકે વિકસાવવા ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે.ડી. લાખાણી, અધિક નિવાસી કલેક્ટર, આયોજન અધિકારી, પ્રાંત અધિકારીઓ, નાયબ વન સરક્ષક, મહીસાગર સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.