Charchapatra

બેદરકાર રેલવે તંત્રને કારણે પ્લેટફોર્મ પર ધક્કામુક્કી

તા. 11મી નવેમ્બર 2023ના રોજ સવારે 10 વાગે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 4 ઉમર સુરતથી ભાગલપુર જતી તાપ્તી ગંગા એક્ષપ્રેસ ટ્રેનના રીઝર્વ કોચ નં. એસ. 4 જેની બેઠક ક્ષમતા 72ની સામે 300 મુસાફરો ચઢતાં થયેલી ધક્કામુક્કીમાં 4 વ્યકિતઓ નીચે પડી જતાં ટોળાનાં અન્યો તેઓ પરથી ચાલી જતાં તેઓ ગુંગળાઇ જતાં બેભાન થતાં સ્મિમેરમાં દાખલ કરાયાં હતાં. જયાં ફરજ પરના ડોકટરે તેઓમાં અંકિતસિંહને મૃત જાહેર કર્યા હતા.

આ આખી દુર્ઘટના માટે સુરત રેલવે સ્ટેશનનું આખેઆખું તંત્ર પૂરેપૂરું જવાબદાર છે કારણ કે 1800 બેઠકની ક્ષમતાવાળી તાપ્તી ગંગા એક્ષપ્રેસ ટ્રેન માટે તે દિવસે 4000 ટિકિટોનું વેચાણ થયું હતું. સુરત રેલવે સ્ટેશને હાલ દરેક પ્લેટફોર્મ પર કેમેરા લાગી ગયા છે ત્યારે ત્યાં ઉપસ્થિત આરપીએફના જવાનોને પ્લેટફોર્મ નં. 4 જેની બે હજાર મુસાફરો સમાવવાની ક્ષમતા સામે ચાર હજાર મુસાફરોથી પ્લેટફોર્મ ઉભરાવા લાગ્યું ત્યારે શું ધ્યાન આપ્યું.

અગાઉ આવી ગરદી વેળાએ મુસાફરોની 50-50ની ટુકડીઓ બનાવી તેને એક પછી એક બોગી પાસે લઇ જઇ જે તે બેઠક પર મુસાફરોને બેસાડતા. જેનો અમલ આ દિવસે થયો નહોતો. સુરતમાં 25 લાખ યુપીનાં લોકો વસે છે. જો એસટી સૌરાષ્ટ્રવાસીઓ માટે સ્પેશ્યલ બસ દોડાવે છે તો ભારતીય રેલવે આ લોકો માટે કેમ સ્પેશ્યલ ટ્રેન દોડાવતી નથી. અગાઉ તાપ્તી ગંગા/સુરત ભાગલપુર એક્ષપ્રેસ ટ્રેનનો પહેલા કે પછી અનરીઝર્વ ટ્રેન દોડાવતી હતી જે ત્યારે નહોતી દોડતી. ઉપરોકત કારણો એ વાતને પૂરેપૂરું સમર્થન આપે છે કે ભારતીય રેલવેને ગરીબ અને મધ્યમ વર્ગ સાથે કોઇ લગાવ નથી.

સુરત સ્ટેશન વેસ્ટર્ન રેલવેનું મુંબઇ પછી રોજની દોઢ કરોડની આવક રળી આપતું મહત્ત્વનું રેલવે સ્ટેશન છે. પરંતુ ત્યાં મુસાફર પોતાની મુસાફરી માટે અગાઉથી ટિકિટ રિઝર્વ કરાવી, મુસાફરીના દિવસે તે જયારે સુરત રેલવે સ્ટેશન પર આવે ત્યારે પ્લટફોર્મ પરથી કોચમાં પ્રવેશી પોતાની બેઠક લેવા જતાં ઉપર જોયું તેમ અંકિતસિંહે તે દિવસે પોતાનો પ્રાણ ખોયો હતો. મતલબ કે ત્યાં અરાજકતા ધક્કામુક્કીનું સામ્રાજય હતું.

અકસ્માતને બીજે દિવસે સુરત રેલવે સ્ટેશન વત્તા વેસ્ટર્ન રેલવેનું આખું તંત્ર જાગી ગયું. મુંબઇથી મોટા સાહેબ સુરત આવ્યા, સુરત મહાનગરપાલિકાના કમિશનર, શહેરના પોલીસ વડા, રેલવે રાજયમંત્રી, સ્ટેશન માસ્તર વિ. મિટિંગ કરી ગઇ કાલની ઘટના ઘણી જ ગંભીર છે. તરત નિર્ણયો લેવાયા. 1800 બેઠકવાળી તાપ્તી ગંગા એક્ષપ્રેસની 1800 ટિકિટોનું વેચાણ થશે. તા. 16.11.23 સુધી ભાગલપુર વિ. માટે રોજની બે ત્રણ લેખે કુલ 13 અનરિઝર્વડ ટ્રેનો દોડાવાશે. પ્લેટફોર્મ ટિકિટોનું વેચાણ બંધ કરશે. મૃત અંકિતસિંહના પરિવારને દસ લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત ભારતીય રેલવે તરફથી થઇ.

બીજા દિવસથી પ્લેટફોર્મ પર જનરલ અને રિઝર્વ કોચના મુસાફરો માટે અલગ લાઇન કરાવી દોરડાથી બેરિકેડ કરાયું વત્તા દરેક કોચ આગળ એક પોલીસ ખડકી દેવાયો. જો આ 11.11.23 પહેલાં થયું હોત તો નિર્દોષ અંકિતસિંહનો ભોગ ન લેવાત. મોદીસાહેબ, હવે ટ્રેનને લીલી ઝંડી આપવાનું બંધ કરી સામાન્ય કે રિઝર્વેશનવાળાં મુસાફરો સરળતાથી પોતાની બેઠક મેળવી શકે તેવો પ્રબંધ દેશનાં પ્રત્યેક મોટાં સ્ટેશનોએ થાય એવી જડબેસલાક વ્યવસ્થા કરો. ચાર હજાર ટિકિટ વેચનાર કલાર્ક તથા પ્લેટફોર્મ પર વ્યવસ્થા ન જાળવનાર પોલીસ તંત્રને કડક શિક્ષા કરો.
વ્યારા              – પ્રકાશ સી. શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top