થોડા દિવસો પહેલાંના ‘ગુજરાતમિત્ર’માં સુરત શહેરના કોટ વિસ્તારના વોર્ડ નંબર 13 ના નગરસેવકોની કામગીરી વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરતાં પોસ્ટરો સાથેનો સચિત્ર અહેવાલ વાંચ્યો હતો! મસમોટા તફાવતોથી ચૂંટાયેલા શાસક પક્ષના નગરસેવકો જેમની શૈક્ષણિક લાયકાત જોતાં અને તદ્દન નવા નિશાળિયા હોવા છતાં મોદી-પ્રવાહમાં તણાઇને સુરતના મતદારોએ મોટી આશાઓ સાથે મતો આપ્યા હતા. પરંતુ તેમની આશા ઠગારી નીવડી! કોરોનાની બીજી લહેરમાં સમખાવા પૂરતો એક પણ નગરસેવક જનતાની સેવા કરવા માટે નજરે ના પડયો!
રસ્તા રીપેરીંગ જેવી બાબતે જનતાએ પોસ્ટરવોર છેડવું પડે અને એમાં સ્થાનિક વેપારીઓ પણ જોડાય એ આ નગરસેવકો માટે કેટલું શરમજનક કહેવાય! ચૂંટાયા પછી જનતાની વચ્ચે રહી તેમના પ્રશ્નો સાંભળી, નિકાલ કરવાને બદલે આ નેતાઓ તેમનાં ઘરોમાંથી બહાર જ ના નીકળ્યા! ત્યારે સહેજે પ્રશ્ન થાય કે આ નગરસેવકો ભવિષ્યમાં જનતાના શું કામો કરશે? પણ હવે જનતાએ પણ જાગૃત થવાની જરૂર છે. કોઇ પણ પ્રવાહમાં તણાયા વગર, યોગ્ય અને ભણેલા ઉમેદવારોની પસંદગી કરી, મત આપે તે જરૂરી છે!
સુરત – ભાગર્વ પંડયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
જનતાએ જાગૃત થવાની જરૂર છે
By
Posted on