ડાકોર: ડાકોર નગરના રહેણાંક વિસ્તારમાં આવેલ એક મકાનમાં અનઅધિકૃત રીતે ધમધમતી હોસ્પિટલને પગલે સોસાયટીના રસ્તા પર થતો ટ્રાફિક, ગંદકી તેમજ ઘોંઘાટથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. ત્રસ્ત બનેલાં સોસાયટીના રહીશોએ હોસ્પિટલ બંધ કરાવવા માટે લડત છેડી હતી. વર્ષોની લડત બાદ પ્રાંત અધિકારીએ સોસાયટીના રહીશો તરફી હુકમ કરી હોસ્પિટલને સીલ મારી બંધ કરવાનો આદેશ આપ્યો હતો. તેમ છતાં હોસ્પિટલ સીલ મારી બંધ કરવામાં આવી ન હોવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ડાકોર બસસ્ટેન્ડ નજીક જી.ઈ.બી પાછળ શંકરનગર કો.ઓ.હા. સોસાયટી આવેલી છે. ૧૪ મકાનો ધરાવતી આ સોસાયટીમાં મકાન નં ૧ અને ૨ માં છેલ્લાં ઘણાં વર્ષોથી કાન્તમ નામની બાળકોની એક હોસ્પિટલ કાર્યરત છે. રહેણાંક વિસ્તારમાં ધમધમતી આ હોસ્પિટલમાં દિવસ-રાત દર્દીઓ અને તેમના સબંધીઓ વાહનો લઈને અવર-જવર કરતાં હોય છે. જેને પગલે સોસાયટીના એકમાત્ર રસ્તા પર અવારનવાર ટ્રાફિકજામ સર્જાય છે. જેને પગલે સોસાયટીના રહીશોને પોતાના ઘર બહાર નીકળવામાં અડચણ ઉભી થતી હોય છે.
હોસ્પિટલ આસપાસ ગંદકી, દર્દીઓની બુમરાણ તેમજ દર્દીઓના સગાંઓ દ્વારા દિવસ-રાત કરવામાં આવતી ઉંચા અવાજે વાતચીતોથી આ સોસાયટીમાં રહેતાં સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. આ મુદ્દે રહીશો દ્વારા સ્થાનિક કક્ષાએ રજુઆત કરવામાં આવી હતી. જોકે, હોસ્પિટલના તબીબ રાજકીય વગ ધરાવતાં હોવાથી સોસાયટીના રહીશોની રજુઆત ધ્યાને લેવામાં આવી ન હતી. જેને પગલે સોસાયટીના રહીશોએ રહેણાંક વિસ્તારમાં અનઅધિકૃત રીતે ચાલતી હોસ્પિટલ બંધ કરાવવા માટે ઉચ્ચ કક્ષાએ રજુઆતોનો મારો ચલાવ્યો હતો.
દરમિયાન સન ૨૦૧૯ ની સાલમાં ઠાસરાના તત્કાલિન પ્રાંત અધિકારી અર્પિતાબેન સાગરે સ્થાનિકોની રજુઆતો ધ્યાને લઈ આ બાબતની તપાસ હાથ ધરી હતી. જેમાં શંકરનગર કો.ઓ.હા.સોસાયટીના મકાન નં ૧ અને ૨ માં અનઅધિકૃત રીતે ધમધમતી કાન્તમ હોસ્પિટલથી સ્થાનિકોને તકલીફ પડતી હોવાનું જણાઈ આવ્યું હતું. જેને પગલે ગત તા.૨૦-૮-૨૦૧૯ ના રોજ ઠાસરાના પ્રાંત અધિકારી અર્પિત સાગરે (આઈ.એ.એસ) ડાકોરમાં આવેલ શંકરનગર કો.ઓ.હા.સોસાયટીના મકાન નં ૧ અને ૨ માં આવેલ કાન્તમ હોસ્પિટલને ૩૦ દિવસની નિયત સમયમર્યાદા પૂર્ણ થયા બાદ સીલ મારી બંધ કરવાની કાર્યવાહી કરવાનો હુકમ કર્યો હતો. જેના થોડા સમય બાદ પ્રાંત અધિકારીની બદલી થઈ હતી.
બીજી બાજુ, ઠાસરાના પ્રાંત અધિકારીના હુકમ બાદ પણ સોસાયટીના રહેણાંક મકાનમાં હોસ્પિટલ ધમધમી રહી હતી. હોસ્પિટલને પગલે સોસાયટીના રસ્તા પર થતાં ટ્રાફિકજામ, ગંદકી તેમજ ઘોંઘાટ જેવી સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલાં સ્થાનિકોએ ફરી એકવાર ઠાસરાના પ્રાંત અધિકારી સમક્ષ રજુઆત કરી હતી. પ્રાંત અધિકારી ધર્મેન્દ્રસિંહ ચૌહાણે સ્થાનિકોની રજુઆત બાદ ગત તા.૨૮-૧૧-૨૦૨૦ ના રોજ આ બાબતે ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખી પ્રાંત અધિકારી અર્પિત સાગરના હુકમ મુજબ કાન્તમ હોસ્પિટલને સીલ મારી બંધ કરી તેનો અહેવાલ પાંચ દિવસમાં રજુ કરવા જણાવ્યું હતું. તદુપરાંત પ્રાંત અધિકારી અર્પિત સાગરના હુકમની અમલવારી કયાં કારણોસર કરવામાં આવી નથી તે અંગે પણ પાંચ દિવસમાં સ્પષ્ટતા રજુ કરવા જણાવ્યું હતું. આ હુકમને આઠ મહિના જેટલો સમય વિતી ગયો હોવા છતાં શંકરનગર કો.ઓ.હા.સોસાયટીના મકાન નં ૧ અને ૨ માં ધમધમતી કાન્તમ હોસ્પિટલને સીલ મારી બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી નથી.
હુકમની અમલવારી ક્યારે થશે તે જાણવા માટે પાલિકા કચેરીના ધક્કાં ખાતાં સ્થાનિકો
હોસ્પિટલ સીલ મારી બંધ કરવા બાબતે પ્રાંત અધિકારીએ બે વર્ષ અગાઉ કરેલાં હુકમની અમલવારી ક્યારે થશે તે જાણવા માટે સોસાયટીના રહીશો છેલ્લાં દોઢેક વર્ષથી ડાકોર નગરપાલિકાના ધક્કાં ખાઈ રહ્યાં છે. જે તે વખતે પાલિકા દ્વારા કોરોના મહામારીનું બહાનું આગળ ધરવામાં આવ્યું હતું. જે બાદ પણ સ્થાનિકો અવારનવાર પાલિકામાં ધામા નાંખતાં હતાં. ત્યારે કોઈકવાર પાલિકાના ચીફ ઓફિસર રજા પર હોવાનું, તો ક્યારેક ચીફ ઓફિસરની બદલી થઈ હોવાનું જણાવવામાં આવતું હતું.