અમદાવાદ એરપોર્ટની દુ:ખદ ઘટના બની, જેમાં નિર્દોષ વ્યક્તિઓના જીવ ગયા. આ બોધપાઠ પરથી આપણે ઘણું વિચારવાનું અને સમજીને આગળ વધવાનું છે. આપણા સુરત એરપોર્ટને લાંબા રનવેની જરૂર છે. એરપોર્ટમાં જગ્યા પણ છે. પરંતુ અધિકારીઓને કોઇ રસ નથી. અગાઉ ‘ગુજરાતમિત્ર’માં આ બાબત વિસ્તારપૂર્વક જણાવવામાં આવી છે. પાલિકાનું તંત્ર, એરપોર્ટ અધિકારીઓ, રાજકારણીઓ હવે જાગૃત થાય તો સારું.સુરત એરપોર્ટની અંદર રન વે વધારવાની પ્રગતિ તાત્કાલિક યુદ્ધનાં ધોરણે આગળ વધવી જોઈએ.
નડતરરૂપ બિલ્ડિંગનું નિરાકરણ થવું જોઇએ. તેમ જ Cat-1 ઇન્સ્ટુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ, તેમજ ટેક ઓફ માટે અધિકારીઓ પોતાની આંખો ખોલી કાર્ય આગળ વધારવાનું વિચારે. સુરત એરપોર્ટની હદમાં ઝીંગા તળાવ પણ નડતરરૂપ છે. રન વે વધારવો જરૂરી છે જેને માટે રસ્તો થઇ શકે તેમ છે. છતાં કાર્ય આગળ વધતું નથી. સુરત એરપોર્ટ પર આધુનિક લેન્ડીંગ સિસ્ટમનો પ્રોજેકટ કેમ પડતો મુકાયો? સુરત એરપોર્ટ માટે તમામ રસ્તાઓ ખુલ્લા છે. પરંતુ પાલિકાના અધિકારીઓ, એરપોર્ટ અધિકારી, તેમજ શહેરના જાગૃત રાજકારણીઓ રસ લે તો બધું જ શકય બની શકે તેમ છે.
સુરત – ચેતન અમીન– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે