સમસ્યા: મારી ઉંમર 40 વર્ષની છે. 22 વર્ષની ઉંમરે લગ્ન થયા ત્યારથી ઉત્તેજીત અવસ્થામાં ધાતુ નીકળતી રહે છે. થોડાંક વર્ષો પહેલાં આયુર્વેદિક ઇલાજ કરાવેલ. તેનાથી કોઇ ફાયદો થયેલ નથી. જાતીય જીવનમાં કોઇ તકલીફ નથી. હાલ સેક્સની ક્રિયા એકદમ મંદ પડી ગયેલ હોવાથી દેશી વાયગ્રા લેવી પડે છે. મને નાની ઉંમરથી હસ્તમૈથુનની આદત હતી.
ઉત્તર : આપ જેને ધાતુ કહો છો તે કોઇ સોનું, ચાંદી કે પિત્તળ નથી પરંતુ કોપર ગ્લેન્ડનો સ્ત્રાવ છે. મોટરસાઇકલમાં પેટ્રોલ સાથે ઓઇલ મિક્સ કરવામાં આવે છે કારણ કે મશીનને ઘર્ષણ ઓછું થાય. તે જ રીતે ભગવાને પણ આપણા શરીરમાં નેચરલ લ્યુબ્રિકેશન બનાવેલ છે. જ્યારે પણ પુરુષ કે સ્ત્રીને જાતીય ઇચ્છા થાય ત્યારે પુરુષમાં ચીકાશનાં 4-6 ટીપાં બહાર આવે છે અને સ્ત્રીના યોનિમાર્ગમાં ભીનાશ અનુભવાય છે. જેથી પ્રવેશ વખતે બન્નેને દુખાવો થાય નહીં અને આનંદ પ્રાપ્ત થાય. આ એક નોર્મલ વસ્તુ છે. બીમારી નથી. તેથી ઇલાજની કોઇ જ જરૂર નથી. આપ જે દેશી વાયગ્રા લો છો તેનાથી 163 લોકોના મોત થઇ ચૂકેલા છે. 48 લોકોએ આંખો કાયમ માટે ગુમાવેલ છે અને તે શુક્રાણુની મોરફોલોજી ઉપર પણ અસર કરે છે. (જેથી ભવિષ્યમાં બાળક થવામાં તકલીફ થઇ શકે) માટે આ દવા બને ત્યાં સુધી ના લેવી જોઇએ અને જરૂર પડે તો ડૉક્ટરની તપાસ અને સલાહ પછી જ લેવી જોઇએ.
હું કઇ રીતે મારાં સ્તનને સ્ટ્રોંગ અને મોટાં કરી શકું?
સમસ્યા: હું 29 વર્ષની પરિણીત સ્ત્રી છું. મારાં બે બાળકો છે. મારાં સ્તન લબડેલાં અને તેમાં ઢીલાશ આવી ગઇ છે અને તેની સાઇઝ પણ નાની છે. હું કઇ રીતે મારાં સ્તનને સ્ટ્રોંગ અને મોટાં કરી શકું? જો ઓપરેશન દ્વારા થાય તો તેની કોઇ આડ-અસર થાય? કોઇ બીજો ઉપાય? મારે એક બીજો સવાલ પણ છે. જેમ આપ જણાવો છો કે માસિકના બારમાથી અઢારમા દિવસની વચ્ચે જ ગર્ભ રહે તો શું તે પહેલાં અથવા પછી ગર્ભ ન રહે? 100% ગર્ભ ક્યા દિવસોમાં ન રહે?
ઉત્તર : ઘણી વાર પ્રેગ્નન્સી અને સ્તનપાન વખતે યોગ્ય સાઇઝની બ્રા નહીં પહેરવાથી તેમ જ ઉંમર પ્રમાણે સ્તનમાં ઢીલાશ આવી જતી હોય છે. જેથી સ્ત્રીને લધુતાગ્રંથિ થઇ શકે છે. આજના મિસ વર્લ્ડ અને મિસ ઇન્ડિયાના જમાનામાં દરેક સ્ત્રી ફિગર પરફેક્ટ રહે તેમ ઇચ્છે છે. સૌ પ્રથમ તો સ્તનની નીચે આવેલ પેકટોપિયસ સ્નાયુઓને મજબૂત કરવાની કસરતો ડૉક્ટર પાસે શીખી તેનો દરરોજ અમલ કરો. યોગ્ય સાઇઝ અને ફિટિંગવાળી બ્રાનો જ ઉપયોગ કરો. બાકી સ્તનની ઢીલાશ દૂર કરવા અને તેની સાઇઝ વધારવાનો અકસીર, તુરંત ઇલાજ ઓપરેશન જ છે. ટાંકા બિલકુલ દેખાતા નથી અને આનું સૌથી સારું પાસું એ છે કે એ તમને ગમતી સાઇઝનાં સ્તન મળી શકે છે.
આની કોઇ જ આડ-અસર થતી નથી. માસિકના બારમા દિવસથી અઢારમા દિવસની વચ્ચે સંબંધ રાખવાથી બાળક રહેવાની શક્યતાઓ સૌથી વધુ રહેતી હોય છે. પરંતુ કોઇ સ્ત્રીનું માસિક અનિયમિત હોય, 2-4 દિવસ આગળ-પાછળ આવેલ હોય તો આ દિવસો પહેલાં અથવા પછી પણ ગર્ભ રહેવાની શક્યતા રહેલ છે. માટે 100% ગર્ભ ના રહે તેવું કોઇ પણ સ્ત્રી માટે હંમેશાં સત્ય રહેતું નથી. આપને બે બાળકો છે. માટે આપના માટે સૌથી ઉતમ રસ્તો ‘કોપર-ટી’ છે. આજના સમયમાં 5 વર્ષની કોપર-ટી પણ આવે છે એટલે એક વાર મુકાવ્યા પછી 5 વર્ષની શાંતિ. હા, અમુક સ્ત્રીઓને કોપર-ટી માફક નથી આવતી. તો તેઓ તેને દૂર કરી ગર્ભનિરોધક ગોળી અથવા નિરોધનો ઉપયોગ પણ કરી શકે છે. જો આ બન્નેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ગર્ભ રહેવા સામે 100% રક્ષણ આપે છે.
દુનિયાના 99% પુરુષોએ તેમના જીવનમાં ક્યારેક અને ક્યારેક તો હસ્તમૈથુન કરેલું જ હોય છે.
પ્રશ્ન : 19 વર્ષનો યુવાન છું. સુરત નજીક એક ગામમાં રહું છું. મને TBની અસર થઈ છે. હું 16 વર્ષની ઉંમરથી જ હસ્તમૈથુનની આદત ધરાવું છું. મારા દોસ્તોનું કહેવું છે કે હસ્તમૈથુનથી નબળાઈ આવે છે અને દવાની અસર થતી નથી. મારે જાણવું છે આ વાત સાચી છે? હસ્તમૈથુન અને TBને કોઈ સંબંધ કરો?
ઉત્તર : દુનિયાના 99% પુરુષોએ તેમના જીવનમાં ક્યારેક અને ક્યારેક તો હસ્તમૈથુન કરેલું જ હોય છે. બાકીના 1% કાં તો જૂઠું બોલે છે અથવા તેમને ખબર જ નથી હોતી કે હસ્તમૈથુન શું છે? હસ્તમૈથુન વખતે ઇન્દ્રિય જે ક્રિયા હાથમાં કરે છે તે જ સંભોગ વખતે યોનિમાર્ગમાં થાય છે. જો સંભોગ ખરાબ ના હોય તો હસ્તમૈથુન પણ ખરાબ નથી જ. હસ્તમૈથુનથી ખરેખર કોઈ નબળાઈ આવતી હોય તો આજે આપણા દેશની વસ્તી 140 કરોડ નજીક પહોંચી જ ના હોત. હસ્તમૈથુનથી શરીરમાં નબળાઈ આવે, યાદશક્તિ ઓછી થાય, બીમારીમાં દવાઓની અસર ના થાય, ભવિષ્યમાં નપુંસકતા આવે આ બધી જ ઘેરમાન્યતા છે. TB એક ચેપી રોગ છે પરંતુ TB અને હસ્તમૈથુનને કોઈ જ લેવાદેવા નથી. આજની તારીખમાં TBનો સચોટ ઈલાજ શક્ય છે. જો TBની દવાનો 6 થી 9 મહિનાનો કોર્સ પૂરો કરવામાં આવે તો સંપૂર્ણ મટી શકે છે. સરકારી દવાખાનામાં TBની દવા સંપૂર્ણપણે મફતમાં આપવામાં આવે છે.
ઓપરેશન પછી ક્યારે સેક્સ માણી શકીએ?
પ્રશ્ન : મારા પત્નીની ઉંમર આશરે 35 વર્ષની છે. લગ્નને 11 વર્ષ થયાં છે અને અમારે 3 બાળકો છે. સૌથી નાનું બાળક 5 વર્ષનું છે અને હવે અમારે બીજાં બાળકો જોઈતાં નથી. મારે આપની પાસે એ સલાહ લેવી છે કે અમારે ફેમિલી પ્લાનિંગ માટે કોપર ટી મુકાવવી જોઈએ કે પત્નીનું ઓપરેશન કરાવવું જોઈએ? ઓપરેશન જો કરાવીએ તો અમે અમારું જાતીય જીવન ફરી ક્યારે શરૂ કરી શકીએ છીએ? ઓપરેશન કરાવ્યા પછી મારા પત્નીને સેક્સમાં ઈચ્છા ઓછી તો નહીં થઈ જાય ને?
ઉત્તર : આપના પત્નીની ઉંમર 35 વર્ષ થઈ ગયેલી છે અને તમારે બીજા બાળકની હવે જરૂર નથી માટે તમારા માટે બંને રસ્તાઓ યોગ્ય છે. આજની તારીખમાં નવી આવેલી કોપર ટી ખૂબ જ અસરકારક છે અને એક વાર મુકાયા પછી 5 વર્ષ સુધી બદલાવી પડતી નથી પરંતુ અમુક સ્ત્રીઓને કોપર ટી માફક આવતી નથી. તો તેમને આ કોપર ટી પાછી કઢાવી લેવી પડે. જેટલી કોપર ટી મૂકવી સરળ છે એટલી જ એને ફરી પાછી દૂર કરવી પણ સરળ છે. બીજો રસ્તો પણ એટલો જ સરળ અને સચોટ છે. આજના સમયમાં દૂરબીન દ્વારા સ્ત્રી નસબંધીનું ઓપરેશન થતું હોય છે. સ્ત્રી થોડા જ કલાકમાં ઘરે પાછી જઈ શકતી હોય છે અને એનું રૂટિન ઘરકામ કરી શકતી હોય છે. સ્ત્રી નસબંધીમાં એમની ફેલોપિયન નળીના બે છેડા કાપી અને બાંધી દેવામાં આવે છે.
જેથી કરીને સ્ત્રીબીજ એ ગર્ભાશય સુધી જતું નથી હોતું અને બાળક રહેતું નથી. જેથી સ્ત્રી નસબંધી કરાવ્યા પછી પુરુષ તરત જ સંબંધ રાખે તો પણ ગર્ભ રહેવાની શક્યતા નહિવત છે પરંતુ જો 100% સેફ રહેવું હોય તો પ્રથમ માસિક આવે ત્યાં સુધી નિરોધનો પ્રયોગ અવશ્ય કરવો જોઈએ. એક વખત માસિક આવે પછી ફરીથી કોઈ પણ ગર્ભ નિરોધક વાપરવાની જરૂર રહેતી નથી. અહીં એક વાત આપને જણાવું કે સ્ત્રી કરતાં પુરુષ નસબંધી સરળ અને સહેલી છે. પુરુષ નસબંધીથી પુરુષને કોઈ જ નબળાઈ આવતી નથી. તે પહેલાંની જેમ જ જાતીય જીવન પણ પુરજોશથી માણી શકે છે. આપે અને આપના પત્ની તમારા સ્ત્રી રોગ નિષ્ણાત ડૉક્ટર જોડે ચર્ચા કરો અને આ બંનેમાંથી કોઈ પણ રસ્તો તમે અપનાવી શકો છો.