આજકાલ ગુજરાતના બધા જ કસ્બાઓ અને નગરો-મહાનગરોમા રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે. રખડતા ઢોરો કેમ થયા તેનું કારણ તપાસવા જેવું છે. આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે, ખેતી અને પશુપાલન એ એક બીજા સાથે જોડાયેલા છે. અગાઉના સમયમાં ખેતી-પશુપાલન એ ધંધો-વેપાર ન હતો પરંતુ એ પ્રકૃતિની જીવન જીવવા માટેની અર્થવ્યવસ્થા હતી. ખેતી માટે યાંત્રિક સાધનો ન હતા ત્યારે ગાય વંશ-વેલો અને દૂધ માટે ઉછેર થતો, બળદનો ઉપયોગ ખેતીકામ માટે અને અને મુસાફરી માટે કરાતો.
હવે યાંત્રિક યુગમાં ખેતી માટે બળદની કોઈ જરૂર નથી માટે તે હવે બિનઉત્પાદક છે, હવે ગાયનાં વાછરડા ને ખસી ન કરવાથી ખૂંટિયા (સાંઢ) રૂપે રખડતા થયા છે. પહેલા ગાય દૂધ ન આપે પછી પણ છેલ્લે સુધી પાળતા, બજારવાદનાં યુગમાં કોઈ પણ બિનઉત્પાદકને સ્થાન નથી. જેથી દૂધ ન આપતી ગાયો અને ખૂંટિયા રખડતા થયા છે. શહેરીકરણને લીધે જે પશુપાલકો પાસે ખેતી નથી તો પણ શહેરમાં ગાય ભેંસો પાળે છે, કસ્બાઓ અને શહેરોમાં પશુપાલન માટે કોઈ કાયદા-નિયમો બનાવ્યા નથી જેથી કોની જવાબદારી એ નક્કી નથી. ખાસ તો કસ્બાઓની પંચાયતો પાસે અંકુશ માટે કોઈ માળખુ નથી. એટલે એમના માટે આનો ઉકેલ એક ચેલેન્જ છે.
કીમ – પી.સી.પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.