દેશમાં જો હિંદુ રાષ્ટ્ર સ્થાપવું હોય તો બંધારણમાં મૂળભૂત માળખાકીય ફેરફાર કરવા પડે. મૂળભૂત માળખાકીય સુધારા કરવા હોય તો સર્વોચ્ચ અદાલતનો 1973નો શંકરાનંદ ભારતીવાળો ચુકાદો ઉલટાવવો પડે, જેમાં એમ કહેવામાં આવ્યું હતું કે સરકારને અને લોકપ્રતિનિધિઓને (સંસદ) બંધારણમાં સુધારા કરવાનો અધિકાર છે પણ બંધારણના મૂળભૂત માળખામાં સુધારા કરવાનો અધિકાર નથી. જો સર્વોચ્ચ અદાલતનો શંકરાનંદ ભારતીવાળો ચુકાદો ઉલટાવવો હોય તો સર્વોચ્ચ અદાલતમાં મોટા પ્રમાણમાં અનુકૂળ જજો જોઈએ જે સર્વાનુમતિથી નહીં તો કમસેકમ બહુમતી ચુકાદો આપીને બંધારણમાં ફાંકા પાડવાનો અધિકાર આપે.
જો અનુકૂળ જજોને સર્વોચ્ચ અદાલતમાં બેસાડવા હોય તો જજોની નિયુક્તિનો અને બદલી કરવાનો અધિકાર શાસકો પાસે હોવો જોઈએ અને એ પણ નીચેથી વડી અદાલતો અને તેનાથી પણ નીચેના સ્તરેથી. સીધા સર્વોચ્ચ અદાલતમાં જજોની ભરતી કરવાની જોગવાઈ છે પણ એ અપવાદરૂપે. મોટાભાગના જજો નીચેથી બઢતી પામતા સર્વોચ્ચ અદાલત સુધી પહોંચે છે. આમાં એક ફાયદો પણ છે. જજના લક્ષણની ખબર પડે. જો વધારે પડતી ખુદ્દારી બતાવે તો તેને સીડી ચડતો રોકી શકાય, બદલી કરીને હેરાન કરી શકાય અને એ રીતે રવાના કરી શકાય અને જો જજોની નિયુક્તિનો અધિકાર હાથમાં લેવો હોય તો અત્યારે જે કોલેજિયમ પદ્ધતિ અસ્તિત્વમાં છે તેને ખતમ કરવી પડે.
માટે તમે જોયું હશે કે છેલ્લા ઘણા સમયથી કોલેજિયમ પદ્ધતિ વિશે અને તેની બંધારણીયતા વિશે પ્રશ્નો કરવામાં આવે છે. કોલેજિયમ દ્વારા સૂચવવામાં આવતા જજોની નિયુક્તિ કરવામાં આવતી નથી. સર્વોચ્ચ અદાલતમાં અને વડી અદાલતોમાં જજોની જગ્યાઓ ખાલી પડી છે. સરકાર ન્યાયતંત્રને હંફાવે છે અને એ રીતે તેને નિરસ્ત કરવાનો પ્રયાસ કરે છે. કેસોનો ભરાવો અભૂતપૂર્વ પ્રમાણમાં થઈ રહ્યો છે. શાસકો ન્યાયતંત્રને ઘૂંટણીયે પાડીને જજોની નિયુક્તિનો અધિકાર છીનવી લેવા માંગે છે કે જેથી બંધારણનું આખું માળખું બદલીને હિંદુ રાષ્ટ્ર સ્થાપી શકાય.
પણ તેમના પક્ષના અધ્વર્યુ લાલકૃષ્ણ અડવાણીએ તેમની આત્મકથામાં કહ્યું છે કે જે દિવસે બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરવામાં આવશે એ દિવસે દેશમાં લોકતંત્રનો અંત આવશે એનું શું? તેઓ કેમ અત્યારે ચૂપ છે? તેનું કારણ સ્પષ્ટ છે: દેશમાં જો સેક્યુલર ડિક્ટેટરશીપ આવે તો હિન્દુત્વવાદીઓ લોકતંત્રની સીડી ચડીને સત્તા સુધી ન પહોંચી શકે અને જ્યાં સુધી સત્તા સુધી ન પહોંચી શકે ત્યાં સુધી હિંદુ રાષ્ટ્ર સ્થાપી ન શકે. તેમને સત્તા સુધી પહોંચવા માટે લોકતંત્રનો ખપ હતો અને માટે બંધારણના મૂળભૂત માળખાનું મૂલ્ય હતું. હવે તેઓ સત્તા સુધી પહોંચી ગયા છે અને હિંદુ રાષ્ટ્ર સ્થાપવું છે જેમાં બંધારણ આડું આવે છે. હવે બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરવામાં આવે, તેનો જો પ્રાણ હરી લેવામાં આવે તો તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. તેમની નિસ્બત લોકતંત્ર માટે નહોતી. બહુમતી રાષ્ટ્રવાદી શાસકો લોકતંત્ર વિરોધી હોય છે એમ જગતનો ઈતિહાસ કહે છે. અડવાણી મહારાજ આજે ચૂપ છે. આમ પણ સદગુણની આરાધના કરવી એ વિકૃતિ છે એમ તેમના ગુરુ કહી ગયા છે.
બંધારણની મૂળ જોગવાઈ મુજબ સર્વોચ્ચ અદાલતમાં અને વડી અદાલતોમાં જજોની નિયુક્તિ રાષ્ટ્રપતિ કરે છે પણ રાષ્ટ્રપતિ કઈ રીતે જજોની નિયુક્તિ કરે છે? રાષ્ટ્રપતિ સરકારની સલાહને અનુસરીને નિયુક્તિઓ કરતા હોય છે અને સરકાર એટલે કે કાયદા મંત્રાલય દેશના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે સલાહમસલત કરીને તેમની ભલામણને અનુસરીને રાષ્ટ્રપતિભવનમાં નિયુક્તિ માટે નામ મોકલે છે. વડી અદાલતો માટે વાયા દેશના મુખ્ય ન્યાયમૂર્તિ જેતે વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિની સલાહ લેવામાં આવે છે.
આ રસમ દાયકાઓ સુધી અસ્તિત્વમાં હતી અને ક્યારેક એકાદ બે અપવાદને છોડીને કાયદા મંત્રાલય મુખ્ય ન્યાયમૂર્તિઓની ભલામણોનો આદર કરતું હતું અને તેમની ભલામણ મુજબ નિયુક્તિઓ થતી હતી. ઇન્દિરા ગાંધી વડાં પ્રધાન બન્યાં ત્યાં સુધી સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે ભાગ્યે જ અથડામણ થઈ હતી. જ્યારે અનુકૂળ ન્યાયમૂર્તિઓને શોધવાની, તેમની નિયુક્તિ કરવાની અને પ્રતિકૂળ હોય એવા ન્યાયમૂર્તિઓની બદલી કરવાની, તેમની સિનિયોરીટીની ઉપેક્ષા કરીને સુપરસીડ કરવાની શાસકોની પ્રવૃત્તિ શરૂ થઈ ત્યારે ન્યાયતંત્ર અને શાસકો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. દેખીતી રીતે વિરોધ પક્ષો અને નાગરિક સમાજ શાસકોની સામે પડ્યા હતા. અડવાણીનો લોકશાહીપ્રેમ એ સમય અને સંજોગોનો હતો.
દેશમાં ન્યાયતંત્રની સ્વતંત્રતા જળવાઈ રહે અને એ રીતે દેશમાં લોકશાહી ટકી રહે એ માટે જે પ્રયાસો થયા હતા તેની વિગતોમાં અહીં નથી જવું. માત્ર એટલું કહેવું પૂરતું છે કે સર્વોચ્ચ અદાલતે પોતાના ચુકાદાઓ દ્વારા ન્યાયમૂર્તિઓની નિયુક્તિનો અધિકાર પોતાની પાસે લઈ લીધો હતો. 1998ના નિયુક્તિ અંગેના ત્રીજા ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કહ્યું હતું કે ન્યાયમૂર્તિઓનું રચવામાં આવેલું કોલેજિયમ જે જજોની ભલામણ કરે તેની નિયુક્તિ કરવા સરકાર બંધાયેલી છે. શાસકો જેતે ઉમેદવારની યોગ્યતા વિશે ખુલાસા માગી શકે છે, પુનર્વિચાર માટે નામ પાછાં મોકલી શકે છે, પણ જો ફરી વાર કોલેજિયમ એ જ નામની ભલામણ કરે તો સરકાર પાસે કોઈ વિકલ્પ બચતો નથી. એ જ નામો નિયુક્તિ માટે રાષ્ટ્રપતિને મોકલવા પડે.
વિચક્ષણ વાચકોને ઉપરના ફકરામાં કહેલું એક વાક્ય ધ્યાનમાં આવ્યું હશે. “સર્વોચ્ચ અદાલતે પોતાના ચુકાદાઓ દ્વારા ન્યાયમૂર્તિઓની નિયુક્તિનો અધિકાર પોતાની પાસે લઈ લીધો હતો.” પોતે આપેલા ચુકાદાઓ દ્વારા, કોઈ બંધારણીય જોગવાઈનો આશ્રય લઈને નહીં. બંધારણમાં તો કોલેજિયમનો કોઈ ઉલ્લેખ જ નથી. સર્વોચ્ચ અદાલતે લોકતંત્રના અને સ્વતંત્ર ન્યાયતંત્રના વ્યાપક હિતમાં પોતે પોતાની જાતે નિયુક્તિનો ઉકેલ શોધી કાઢ્યો હતો જે શુદ્ધ અર્થમાં બંધારણીય નથી. વધુમાં વધુ એમ કહી શકાય કે તે વ્યાપક હિતમાં વ્યાવહારિક ઉપાય છે. બીજું, બંધારણની જોગવાઈ મુજબ આખરે જજોની નિયુક્તિઓ તો સરકારની ભલામણને અનુસરીને રાષ્ટ્રપતિ જ કરે છે. જે અધિકાર ધરાવે એ અધિકૃત કહેવાય કે નહીં? અધિકૃત અધિકારી અને પોસ્ટમેનમાં ફરક છે. સરકારની દલીલ એવી છે કે કાયદા મંત્રાલય ન્યાયતંત્રનો પોસ્ટમેન નથી. શાસકોની દલીલમાં દમ છે પણ એ કેવળ ટેક્નિકલ બંધારણીય છે. ન્યાયતંત્રની વ્યાપક હિતવાળી દલીલમાં વધારે દમ છે પણ એ ટેક્નિકલી બંધારણીય નથી. હવે આનો ઉપાય શું? વધુ ચર્ચા હવે પછી.