Editorial

વૈશ્વિક સંબંધોના રાજકારણમાં તંગ દોરડા પર ચાલવાનો ખેલ કરવો પડે છે

વડાપ્રધાન મોદી હાલમાં રશિયા અને ઓસ્ટ્રિયાના પ્રવાસે જઇ આવ્યા. આમાં રશિયાની તેમની મુલાકાત અનેક રીતે નોંધપાત્ર હતી. એક તો રશિયા હાલમાં યુદ્ધમાં સંડોવાયેલું છે. યુક્રેન પર હુમલો કરીને તે વિશ્વભરમાં ટીકાપાત્ર બન્યું છે. આવા સંજોગોમાં રશિયા જવું એ તેને દેખીતો સાથ આપવા જેવું દેખાય. ચીનના પ્રમુખ જીન પિંગ રશિયા ગયા, પરંતુ તેમને વાંધો નથી. તેઓ ખુલ્લેઆમ રશિયાના ટેકેદાર છે.

ભારતે યુક્રેન બાબતમાં પહેલાથી જ શાંતિપૂર્ણ ઉકેલ લાવવાની હિમાયત કર્યે રાખી છે. બીજી બાજુ, રશિયા સાથે ભારતના સંબંધો ઘણા જૂના છે અને વર્ષોથી ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષી મંત્રણા વાર્ષિક ધોરણે ચાલતી આવી છે. એક સમય હતો કે અમેરિકા સાથે ભારતના સંબંધો બહુ સારા ન હતા અને રશિયા જ ભારતની મિત્ર મહાસત્તા હતી. અમેરિકા સાથેના સંબંધો સુધર્યા બાદ પણ ભારતે રશિયા સાથેની મૈત્રી જાળવી રાખી, વાર્ષિક મંત્રણાઓ ચાલુ રાખી અને વડાપ્રધાન મોદીએ પણ આ પરંપરા સરસ રીતે જાળવી રાખી છે.

તેઓ રશિયા ગયા ત્યારે દેખીતી રીતે યુક્રેન અને પશ્ચિમી જગત નારાજ થાય તે સ્વાભાવિક હતું, તો બીજી બાજુ વાર્ષિક મંત્રણા માટે આ વખતે યજમાનીનો વારો રશિયાનો હતો અને તેથી વડાપ્રધાને રશિયા જવું જરૂરી હતું અને તેઓ ગયા તે સાથે જ તેમણે યુક્રેન યુધ્ધ અંગે એક સ્પષ્ટ સંદેશો પાઠવતા રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટિનને કહ્યું  કે યુક્રેન યુદ્ધનો ઉકેલ યુદ્ધ ભૂમિ પર શક્ય નથી અને શાંતિ પ્રયાસો બોમ્બો અને ગોળીઓની વચ્ચે સફળ થતા નથી, જ્યારે તેમણે કિવમાં બાળકોની એક હોસ્પિટલ પર થયેલા ઘાતક મિસાઇલ હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

ક્રેમલિનમાં પુટિન સાથેની શિખર મંત્રણાઓની ટેલિવાઇઝ્ડ પ્રારંભિક ટિપ્પણીમાં મોદીએ કહ્યું હતું કે નિર્દોષ બાળકોની હત્યાઓ હદયદ્રાવક અને ઘણી દુ:ખદ છે. કિવમાં બાળકોની એક હોસ્પિટલ પર શંકાસ્પદ રશિયન મિસાઇલ પડ્યું જેણે વિશ્વભરમાં રોષ જગાવ્યો તેના એક દિવસ પછી મોદીએ આ કહ્યું હતું. તે યુદ્ધ હોય, સંઘર્ષ કે ત્રાસવાદી હુમલો  હોય, માનવતામાં માનતા બધા લોકોને ઘેરી અસર થાય છે જ્યારે કોઇનો જીવ જાય છે.

પરંતુ તેમાં પણ જ્યારે નિર્દોષ બાળકો મરે છે, તે હ્દયદ્રાવક છે અને તે પીડા ઘણી ભયંકર હોય છે એમ મોદીએ કહ્યું હતું. ભારતીય વડાપ્રધાનની આ ટિપ્પણી રશિયાની ટીકા કરનારી માનવામાં આવે છે જે એના કલાકો પછી આવી છે જ્યારે યુક્રેનના પ્રુમુખ વોલોદીમીર ઝેલેન્સ્કીએ ભારતીય વડાપ્રધાનની પુટિનને ભેટવા બદલ ટીકા કરી હતી. પોતાની ટિપ્પણીમાં મોદીએ પુટિન સાથેની સોમવાર સાંજની મુલાકાત વખતે યુક્રેન યુદ્ધ અંગે થયેલી લંબાણપૂર્વકની મંત્રણાનો પણ સંદર્ભ આપ્યો હતો અને કહ્યું હતું કે ઉકેલ શોધવા માટે મંત્રણા જ એકમાત્ર માર્ગ છે.

શાંતિની ફરી સ્થાપના માટે, ભારત સંભવિત તમામ માર્ગે સહકાર આપવા તૈયાર છે એમ મોદીએ કહ્યું હતું. બીજી બાજુ વડાપ્રધાન મોદીએ અન્ન, ઇંધણ અને ખાતરની ભારતીયો માટેની તંગીને ટાળવા માટે ભારત-રશિયા સહકારની સરાહના કરી હતી. વિશ્વ જ્યારે ખોરાક, ઇંધણ અને ખાતરની તંગીનો સામનો કરી રહ્યૂં હતું ત્યારે અમે અમારા ખેડૂતોને કોઇ સમસ્યાનો સામનો કરવા દીધો નહીં અને રશિયા સાથેની અમારી દોસ્તીએ આમાં મહત્વનો ભાગ ભજવ્યો એમ મોદીએ કહ્યું. દેશના સંબંધો સાચવવા, દેશના હિતો સાચવવા અને સાથે યુદ્ધ અને શાંતિ બાબતે ભારતનું પરંપરાગત વલણ જાળવી રાખવાનું ધ્યાન વડાપ્રધાન મોદીએ રાખવું પડયું.

રશિયા ભારતનું જુનું મિત્ર છે. આઝાદી સમયે બીજું વિશ્વયુદ્ધ પુરું થયાને થોડો જ સમય થયો હતો. બીજા વિશ્વયુદ્ધના કેટલાક સમય પછી તે સમયના રશિયાની આગેવાની હેઠળના સોવિયેટ યુનિયન અને અમેરિકા વચ્ચે શીતયુદ્ધ શરૂ થઇ ગયું. વિશ્વ બે છાવણીઓમાં વહેંચાવા માંડ્યું. ભારતે તટસ્થતા જાળવી રાખી હતી પરંતુ તેમ છતાં તે સમયના સંજોગો અનુસાર ભારતે રશિયા તરફી ઝોક વધારે રાખવો પડ્યો. રશિયાએ પણ ભારતને ખૂબ મદદ કરી. સંજોગો બદલાયા છતાં ભારતે રશિયા સાથે મિત્રતા જાળવી રાખી. ઇઝરાયેલ સાથે સંબંધો સુધર્યા છતાં ભારતે પેલેસ્ટાઇન બાબતે પોતાની નીતિ યથાવત રાખી છે. વૈશ્વિક સંબંધોના રાજકારણમાં વૈશ્વિક પ્રવાહોની સાથે પોતાના હિતોનું પણ ધ્યાન રાખીને તંગ દોરડા પર ચાલવાનો ખેલ કરવો જ પડે છે.

Most Popular

To Top