Vadodara

વિધ્નહર્તા પાટે પધારે તે પહેલા જ પોલીસનું વિઘ્ન

વડોદરા : વડોદરામાં વર્ષોથી ઉજવાતા ગણેશોત્સવની આગવી ઓળખ છે. ક્યાંક ડેકોરેશન તો ક્યાંક મૂર્તિઓની થીમ, તો ક્યાંક મૂર્તિઓની ઉંચાઇ જાણીતી છે. અને તેના આધારે જ મહિનાઓ પહેલા મૂર્તિ બનાવવાનો ઓર્ડર આપી દેવામાં આવતો હોય છે. વડોદરામાં ઓગસ્ટ માસમાં ગણેશોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવશે. આ પહેલા ગણેશોત્સવને ધ્યાને રાખીને વડોદરા પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં પીઓપી, માટી અને ફાયબરમાંથી તૈયાર થનાર ગણેશજીની મૂર્તિની બેઠક સહિતની ઉંચાઇ જાહેર કરવામાં આવી છે. જેના સહિતની ગાઇડલાઇનનું પાલન તમામે કરવાનું રહેશે. જો કે, બીજી તરફ મૂર્તિકારો દ્વારા શ્રીજીની મૂર્તિઓ બનાવવાનું કાર્ય હાલ અંતિમ ચરણમાં પહોંચ્યું છે. ત્યારે આ પ્રકારના નિયમોવાળું જાહેરનામું મૂર્તિકારોમાં અને મંડળોમાં ચિંતા ઉભુ કરી શકે તેમ છે.

વડોદરા પોલીસ દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનીયન 1973 ની કલમ 144 અન્વે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવ્યા અનુસાર, 19 સપ્ટેમ્બર ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવશે. દરમિયાન સરઘસ, શોભાયાત્રા તથા વિસર્જન સમયે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. મહોત્સવમાં અગાઉ મૂર્તિકારો દ્વારા બનાવવામાં આવતા મૂર્તિઓના કદ બાબતે ઉંચાઇનું યોગ્ય નિયત ધોરણ જાળવવામાં આવે, જેથી વિસર્જન પ્રક્રિયા સરળતાથી થાય અને વિસર્જનની શોભાયાત્રા દરમિયાન ટ્રાફિક સરળતાથી ચાલુ રહે.

  • જાહેરનામામાં પ્રતિબંધિત નિયમો
  • ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહિત 9 ફૂટ કરતા વધારે ઉંચાઇની બનાવવા, વેચવા, સ્થાપના કરવા તથા જાહેર માર્ગ પર પરીવહન કરવા પ્રતિબંધ રહેશે.
  • ગણેશજીની પીઓપી અને ફાયબરની મૂર્તિ બેઠક સહિત 5 ફૂટની રાખવાની રહેશે.
  • ઇશ્યુ કરેલા કરેલા પાસ સિવાયના ઓવારા પર આયોજકો વિસર્જન કરી શકશે નહિ
  • ગણેશજીની મૂર્તિ વેચાણ ન થયેલી અથવા બનાવટમાં ખંડિત થયેલી પ્રતિમાઓ બિનવારસી મુકી શકાશે નહિ
  • મૂર્તિકારોએ બનાવટની જગ્યાએ સ્વચ્છતા જાળવવાની રહેશે. અને ટ્રાફિકને નડતર રૂપ ન થાય તેનું ધ્યાન રાખવું પડશે.
  • આમ, કુલ મળીને 10 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેનું પાલન નહિ કરનારાઓ સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવશે. આ જાહેરનામું 1 ઓગસ્ટ, 2023 થી લઇને 29, સપ્ટેમ્બર, 2023 સુધી અમલમાં રહેશે.

Most Popular

To Top