સુરત: બોલિવુડના (Bollywood) સુપરસ્ટાર (SuperStar) સલમાન ખાન (SalmanKhan) પર જે પિસ્તોલથી ફાયરિંગ (Firing) થયું હતું તે પિસ્તોલ (Pistol) સુરતની (Surat) તાપી (Tapi) નદીમાંથી મળી આવી છે. 24 કલાકમાં તરવૈયાઓએ તાપીના ઊંડાણમાં જઈ બે પિસ્તોલ, 4 કાર્ટીઝ અને 1 મોબાઈલ શોધી કાઢ્યો છે. આરોપીઓએ અનમોલ બિશ્નોઈને વીડિયો કોલ કરી તે ચાલુ રાખીને બંને પિસ્તોલ અને મોબાઈલ તાપી નદીમાં ફેંક્યો હતો. બે બોટ અને બે તરવૈયાની મદદથી તાપી નદીમાં સર્ચ ઓપરેશન કરાયું હતું. તરવૈયાઓને કેમેરા સાથે તાપીના ઊંડાણમાં મોકલવામાં આવ્યા હતા. મોનિટરિંગ બોર્ડ પરથી કેમેરાનું વિઝન જોઈ તરવૈયાઓને ગાઈડલાઈન્સ અપાયું હતું.
ત્રણ દિવસ પહેલા સુરત ફાયર બ્રિગેડની મદદ લીધી હતી
મુંબઈ ક્રાઈમ બ્રાંચની (Mumbai Crime Branch) ટીમ ત્રણ દિવસ પહેલા જ સુરત આવી હતી. અને સુરત ફાયર બ્રિગેડની (Surat Fire Brigade) ટીમની મદદ લીધી હતી. સુરત ફાયર બ્રીગેડે ત્રણ દિવસ પહેલા 4-5 કલાક સુધી તાપી નદીના પાણીમાં સર્ચ કર્યું હતું. જોકે તેમને કંઈ મળી આવ્યું નહોતું. ત્યારબાદ મુંબઈ પોલીસની ટીમે સુરત મહાનગર પાલિકાની (SMC) મંજૂરી લઈ બાદમાં તેમના તરવૈયાની ટીમ સુરત લઈને આવ્યા હતા. અને આજે મુંબઈ પોલીસ સાથે આવેલી તેમની ટીમે નદીના પાણીમાં સર્ચ કર્યું હતું.
ફાયરિંગ કરી બંને આરોપી કામરેજથી સુરત રિક્ષામાં આવી એ.કે.રોજ રેલ્વે બ્રિજ પર જઈને રિવોલ્વર તાપીમાં ફેંકી હતી
14 એપ્રિલના રોજ સલમાન ખાનના ઘર ઉપર ગોળીબાર બાદ બંને આરોપીએ નજીકમાં જ આવેલાં માઉન્ટ મેરી ચર્ચ નજીક બાઈક છોડી દીધી હતી. ત્યાંથી રિક્ષા પકડીને તેઓ બાંદ્રા રેલવે સ્ટેશને આવ્યા હતા. ત્યાંથી તેમણે બોરીવલી જતી લોકલ ટ્રેન પકડી હતી. પરંતુ ટ્રેનમાં નજીકનાં જ સાંતાક્રૂઝ સ્ટેશને ઉતર્યા હતા. પછી ચાલીને વાકોલા સુધી ગયા હતા અને રિક્ષામાં બોરીવલી પહોંચ્યા હતા. બોરીવલીથી સુરત જવા માટે એક ટેક્સીમાં બેસી ગયા હતા.
જોકે, ટેક્સી ડ્રાઈવરે તેની પાસે આંતરરાજ્ય પરમીટ ન હોવાથી ગુજરાત બોર્ડર પહેલાં જ ચારોટી પાસે બંનેને નીચે ઉતારી દીધા હતા. ત્યાંથી ગુપ્તા અને પાલ ટ્રકમાં સુરત આવ્યા હતા. અને કામરેજ ચાર રસ્તા પાસે ઉતરી ગયા હતા. જ્યાંથી રિક્ષામાં સુરત સ્ટેશન આવ્યા હતા.
સુરતમાં આવીને તેઓ રિક્ષામાં જ અશ્વીની કુમાર રેલ્વે બ્રિજ ઉપર ચાલતા ગયા હતા. જ્યાં અમદાવાદથી સુરત આવતી સાઈડમાં તેમને રિવોલ્વર તાપીમાં ફેંકી હતી. અને ત્યાંથી અમરોલી તરફ ચાલતા ગયા હતા. બાદમાં આગળથી તેઓ ભુજ તરફ ગયા હતા. ભુજ તેઓ કઈ રીતે ગયા તેની ફોડ મુંબઈ પોલીસની ટીમે પાડી નહોતી.
સુરત પોલીસ કમિશનરે તમામ મદદની સૂચના આપી
મુંબઇ પોલીસના ટોચના સત્તાવાળાઓ દ્વારા આ મામલે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની મદદ માંગી હતી. સુરત સીપી દ્વારા મુંબઈથી આવેલી ટીમને તમામ પ્રકારે મદદ કરવા તાકીદે સૂચના આપી દીધી હતી. અને સુરત ક્રાઈમ બ્રાંચ તથા વરાછા પોલીસના કેટલાક માણસોને તેમની મદદે લગાવ્યા હતા.