ચિપકો આંદોલનના પ્રણેતા અને જાણીતા પર્યાવરણવાદી સુંદરલાલ બહુગુણાનું આજે ઋષિકેશની એઇમ્સ ખાતે કોરોનાથી નિધન થયું હતું. તેઓ 94 વર્ષના હતા. તેઓ પત્ની, બે પુત્રો અને એક પુત્રીને મૂકી ગયા છે.
ઋષિકેશમાં ગંગા નદીના કિનારે (RIVER BANK OF GANGA) પૂર્ણાનંદ ઘાટ પર સંપૂર્ણ રાજકીય સન્માન (POLITICAL PROUD)સાથે એમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ચિપકો આંદોલન વખતે પોતાની અગ્રણી ભૂમિકા માટે તેઓ જાણીતા હતા જેમાં વૃક્ષોને કપાતા બચાવવા કાર્યકરો વૃક્ષો સાથે ચિપકી જતા હતા. તેઓ છેક 8મીથી એઇમ્સમાં કોવિડ-19ની સારવાર હેઠળ હતા.
ગત રાત્રે એમની તબિયત વધારે બગડી હતી અને ઑક્સિજન લેવલ એકદમ ઘટી ગયું હતું. તેઓ આઇસીયુમાં સીપીએપી થેરાપી પર હતા અને બપોરે 12:05 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. બહુગુણાના નશ્વર દેહને તિરંગામાં લપેટીને ઘાટ પર લવાયો હતો અને ઉત્તરાખંડ પોલીસે ગાર્ડ ઑફ ઓનર આપ્યું હતું. પત્ની વિમલા અને પુત્રી મધુની હાજરીમાં પુત્ર રાજીવ નયને મુખાગ્નિ આપ્યો હતો.
બહુગુણાનો જન્મ તેહરી જિલ્લામાં 1927ની નવમી જાન્યુઆરીએ થયો હતો. 1973માં તેમણે ચિપકો આંદોલન શરૂ કર્યું હતું. પર્યાવરણ સુરક્ષામાં એમના અદ્વિતિય યોગદાન બદલ એમને પદ્મ વિભૂષણ અને બીજા ઘણાં સન્માન મળ્યા હતા. તેહરી ડેમ બાંધવાના વિરોધમાં તેમણે 84 દિવસના ઉપવાસ કર્યા હતા અને માથે મુંડન કરાવ્યું હતું.
હિમાલયનું પર્યાવરણ જાળવવા તેમણે અનેક પદયાત્રાઓ પણ કરી હતી. તેઓ આરએસએસના મોટા ટીકાકાર હતા.