Comments

બેફામ બનેલા દવા ઉદ્યોગને નાથો

આપણે સૌ ડોલો-650 નામની દવાથી પરિચિત છીએ. તાવ અને પીડા ઘટાડવા માટે તે લેવાની ભલામણ થઇ હતી, પણ આ દવા તેના ઉત્પાદકની બજાર વ્યૂહ રચનાને કારણે શકયત: વધુ માત્રામાં હતી. હવે આપણને ખબર પડી કે કોવિડ-19ની મહામારીમાં 500 મિલીગ્રામની પેરાસીટામોલ દિવસમાં ત્રણ વખત લેવાને બદલે આપણે 650 મિલીગ્રામની પેરાસીટામોલ લેતા હતા. સુપ્રીમ કોર્ટ સમક્ષ થયેલી એક પિટીશનને પગલે આ રસમ બહાર આવી અને અને દવા ઉદ્યોગમાં વ્યાપક એક ખોટી રસમ ખુલ્લી બહાર પડી ગઇ.

કાયદામાં એક મોટી છટકબારી એ છે કે 500 મિલીગ્રામ સુધીની કોઇ પણ ટીકડીના બજાર ભાવનું નિયંત્રણ સરકાર કરે છે પણ 500 મિલીગ્રામથી વધુની દવાની કિંમત ફાર્મા કંપની નક્કી કરે છે. બેંગલુરુની એક પેઢી માઇક્રો લેબ્ઝ પર આ ખામીનો ગેરલાભ લઇ 650 મિલીગ્રામની ટીકડી ડોલોની ભલામણ કરવા તબીબોને લાંચ આપી પૈસા કમાવાનો આક્ષેપ થયો છે અને તબીબોએ પેરાસીટામોલના વધુ પડતા સેવનથી કલેજા અને મૂત્રપિંડ પર થતી અવળી અસરની અવગણના કરી હતી.
તા. 18મી ઓગસ્ટે જયારે આ મામલો હાથ પર લીધો ત્યારે સુપ્રીમ કોર્ટે આને અત્યંત ગંભીર પ્રશ્ન તરીકે વર્ણવ્યો અને કહ્યું કે આનાથી લોકોના આરોગ્ય પર અસર થાય છે.

આવક વેરા ખાતાએ માઇક્રો લેબ્ઝ નામના દવા ઉત્પાદકના 36 ઠેકાણે તા. છઠ્ઠી જુલાઇએ દરોડા પાડયા ન હોત તો આ લાંચનું પ્રકરણ બહાર ન આવ્યું હોત. દરોડા પછી સેન્ટ્રલ બોર્ડ ઓફ ધ ડાયરેકટ ટેકસીસે આકારણી કરી હતી કે ડોલો 650ના ઉત્પાદકોએ અનૈતિક રસમો આચરી હતી. કંપનીએ પોતાની બનાવેલી ટીકડીનું વેચાણ વધારવાના બદલામાં તબીબો અને આ વ્યવસાયમાં સંકળાયેલા સૌને રૂા.1000 કરોડની ચીજવસ્તુઓની લ્હાણી કરી હતી. આ વાત જાહેર થતાં જ ફેડરેશન ઓફ મેડિકલ એન્ડ સેલ્સ રીપ્રેઝન્ટેટિવે એસોસિએશન ઓફ ઇન્ડિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી આપી દવા ઉદ્યોગમાં ફેલાયેલા ભ્રષ્ટાચારને નાથવા આદેશ માંગ્યો હતો.

આ આચારસંહિતા 2016ના ઓકટોબરથી અમલી છે જે તબીબો માટે જેનેરિક દવાઓની જ ભલામણ કરવાનું ફરજીયાત બનાવે છે પણ તેનું તબીબ દ્વારા કોઇ પણ જાતના ડર વગર ઉલ્લંઘન કરાય છે. ડોકટરો કોઇપણ રોકડ કે ભેટસોગાદ પ્રાપ્ત નહીં કરી શકતા હોવાથી ફાર્મા કંપનીઓ ડોકટરોને આડકતરા લાભ આપે છે અને ડોકટરો પછી સામાન્ય દર્દીઓના આરોગ્ય સાથે રમત રમે છે એવો આક્ષેપ એસોસિએશને આ અરજીમાં કર્યો છે. જસ્ટિસ ડી.વાય. ચંદર્ચૂડ અને જસ્ટિસ એ.એસ. બાપન્નાની બનેલી બે સભ્યોની સુપ્રીમ કોર્ટની બેંચે વધારાના સોલિસિટર જનરલ કે.એમ. નટરાજને આ અરજીના સંદર્ભમાન કેન્દ્ર સરકાનો જવાબ દસ દિવસમાં નોંધાવવા આદેશ આપ્યો છે અને તા. 29મી સપ્ટેમ્બરે વધુ સુનાવણી હાથ ધરી છે.
આ અરજીના મામલામાં સુપ્રીમ કોર્ટની દરમ્યાનગીરીથી લાંબા ગાળાની અસર પડવાની સંભાવના છે. ગાંધી-વૈદ્યનું સહિયારું એટલે કે ડોકટર અને દવા ઉદ્યોગની સાંઠગાંઠ પર નિયંત્રણ મૂકવાની આ શરૂઆત હોઇ શકે.

દવા ઉદ્યોગ માટે વેચાણની આચાર સંહિતા નક્કી કરવાની અરજદારોએ માંગણી કરી છે. થોડા મહિનાઓ પહેલા સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે પોતાની દવાઓનું વેચાણ વધારવા દવા ઉદ્યોગ દ્વારા તબીબોને ભેટ સોગાદ આપવાનું કાયદાથી પ્રતિબંધિત છે. કેન્દ્ર સરકારે પણ આવક વેરા કાયદાની કલમ 37 (1)માં સુધારો કર્યો અને આ સુધારા અન્વયે ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલની આચાર સંહિતાનો ભંગ કરે તે રીતે દવાની કંપનીઓ મફતમાં ભેટ સોગાદ આપે કે ખર્ચા કરે તેને ધંધાની આવક ગણતા આવકમાં બાદ નહીં મળે.

આમ છતાં ઘણા કરવેરા નિષ્ણાતો કહે છે કે આ સુધારો આરોગ્ય સંભાળ તંત્રની અંદર ફેલાયેલી ખરાબ રસમોને સાફ કરવા માટેનું ઘણું નાનું પગલું છે. છેલ્લા દસ વર્ષમાં માંડ થોડા તબીબોને ધંધામાંથી કાઢવામાં આવ્યા હતા. તબીબોને રોકડ રકમથી માંડીને મોંઘીદાટ ભેટ આપવાની અને વિદેશના પ્રવાસો સુધીની સોગાદો અપાતી હોવાના આક્ષેપ થાય છે. તબીબો બિનજરૂરી રીતે વધુ દવા લખી દર્દીઓ પર વધારાનો બોજ નાંખતા હોય છે. અગાઉ 2015માં આવી આચારસંહિતા લાદવાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. અત્યારના કાયદા દવાના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર નિયંત્રણ કરે છે અને ગ્રાહક સુરક્ષા કાયદો પણ છે પણ દવાના વેચાણમાં વધારો કરવાની પર કોઇ નિયંત્રણ નથી.

ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલના 2002ના આચારસંહિતા નિયંત્રણો અન્વયે તબીબોને ભેટ-સોગાદ, પ્રવાસ, રોકડ વગેરે દવાની કંપની પાસેથી સ્વીકારવા પર પ્રતિબંધ છે અને તેના મુકદમા પણ થયા છે પણ તેનો અર્થ કંઇ નથી. તબીબો કહે છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા બદલ પણ કડક સજા કરતા કાયદાની સખત જરૂર છે. તે માટે ખાનગી ક્ષેત્રમાં લાંચ રૂશ્વત આપવા લેવા સામે અને દવાની કંપનીઓના ભ્રષ્ટાચાર અટકાવવાની જરૂર છે. અમેરિકા, ફ્રાંસ, જર્મની, હંગેરી, ઇટાલી, બ્રિટન વગેરેમાં આવા કાયદા છે અને તે માટે સખત દંડ કરવામાં આવે છે. જર્મનીમાં તો હૃદયના વાલ્વના કૌભાંડ બદલ એક તબીબને મોતની સજા પણ થયેલી.

દવાની કુલ કિંમતના 20 ટકા તેના વેચાણ વધારા માટે ખર્ચાય છે. ભારતમાં રૂા. 42000 કરોડની એવી દવા વેચાય છે જે અનૈતિક અને નુકશાનકારક છે. 290 દવાના સંયોજનની માત્રાની મંજૂરી વર્ષો પહેલા લેવાયેલી આમ છતાં આવી 100થી વધુ સંયોજિત દવાઓ કાયદેસર વેચાય છે, હવે તો આ બાબતમાં કડક કાયદો કરવો જ રહ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top