મુંબઈઃ બોલિવુડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં આજે શુક્રવારે તા. 17 જાન્યુઆરીની સવારે મુંબઈ પોલીસે એક ઈસમને અટકાયતમાં લીધો હતો. આ ઈસમે સૈફ પર હુમલો કર્યો હોવાની સમાચાર વહેતા થયા હતા. જોકે, હવે મુંબઈ પોલીસે આ કેસમાં મોટું અપડેટ આપ્યું છે. મુંબઈ પોલીસે કહ્યું કે, જે પકડાયો તે હુમલાખોર નથી.
બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર થયેલા હુમલા અંગે મહારાષ્ટ્રના ગૃહ રાજ્ય મંત્રી યોગેશ કદમે કહ્યું છે કે આ ચોરીનો મામલો છે. હુમલાખોર ચોરીના ઇરાદે અભિનેતાના ઘરે આવ્યો હતો અને છરી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. મંત્રીએ આ હુમલા પાછળ કોઈ ગુનાહિત ગેંગની સંડોવણી હોવાનો ઈન્કાર કર્યો છે. તેમના મતે અંડરવર્લ્ડ ગેંગ આમાં સામેલ નથી.
ગુરુવારે રાતે સૈફ અલી ખાન પોતાના ઘરે હતો ત્યારે એક હુમલાખોર તેના ઘરે આવ્યો હતો અને તેને ચાકુ માર્યું હતું. આ હુમલામાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઈમરજન્સી સર્જરીમાં 54 વર્ષીય અભિનેતાની કરોડરજ્જુમાંથી છરીનો ટુકડો કાઢી નાખવામાં આવ્યો હતો, જેના વિશે ડોક્ટરે કહ્યું કે જો છરી બે મીમી વધુ અંદર ગઈ હોત તો તે અભિનેતાના જીવનને વધુ મુશ્કેલીમાં મૂકી શકે છે.
લીલાવતી હોસ્પિટલના સીઈઓ ડૉ. નીરજ ઉત્તમાણીએ જણાવ્યું કે, અભિનેતાને આઈસીયુમાંથી બહાર કાઢીને સ્પેશિયલ રૂમમાં શિફ્ટ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન મુંબઈ પોલીસ સૈફ અલી ખાન પર છરી વડે હુમલાની તપાસ કરી રહી છે. પોલીસ ટીમે એક ઈસમની અટકાયત કરી હતી જેનો દેખાવ CCTVમાં કેદ થયેલા ઈસમ સાથે મેળ ખાતો હતો.
મહારાષ્ટ્રના મંત્રી યોગેશ કદમે પણ કહ્યું હતું કે પોલીસે એક ઈસમની અટકાયત કરી છે અને અન્ય વ્યક્તિને ટ્રેક કરી રહી છે. મુંબઈ પોલીસના (કાયદો અને વ્યવસ્થા) માટે જવાબદાર અધિકારી સત્યનારાયણ ચૌધરીએ કહ્યું કે જે ઈસમની અટકાયત કરવામાં આવી છે તે હુમલાખોર નથી.