કોણ કહે છે કે કોરોના પ્રતાપી નથી? કોણ કહે છે કે ઓમિક્રોન યશસ્વી નથી? આ વાયરસે ગુજરાતમાં એટલો બધો પ્રભાવ ઊભો કર્યો કે એણે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ જીતી લીધી. કોરોના આમ તો ખરેખર કોઇને છોડતો નથી. વળી એની ઐસીતૈસી કરનારાને તો એ ખાસ ભરખી જાય છે. ગુજરાતમાં બધ્ધા બહુ હોંશિયાર થઇ ગયેલા તે વાઇબ્રન્ટ સમિટને એ ઓહિયાં કરી ગયો છે. હરખપદુડી બનેલી સરકાર, સત્તાધારી અને વિપક્ષી પાર્ટીઓ તેમ જ સૌ પ્રજાજનોએ કોરોનાને લાઇટલી લેવા માંડ્યો ત્યારથી લાગતું હતું કે આ ચાઇનીઝ વાયરસ એક દિવસ તો ફૂંફાડો મારવાનો જ છે.
સર્વેના પુણ્ય પ્રતાપે એ બરાબરનો ફૂંફાડો મારી ગયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અયોધ્યા:વારાણસીની સિદ્ધિને બિરદાવી આશીર્વાદ આપવા માટે એકત્ર થયેલા સંતવૃંદ અને ભાજપ વૃંદનીયે કોરોનાએ શરમ ન રાખી. પેલો રાજાનો પાટવીકુંવર રાત્રે ન વધે એટલો દિવસે વધે અને દિવસે ન વધે એટલો રાત્રે વધે, એ તરાહે કોરોના વધતો ગયો ને ૧૫ મી જાન્યુઆરી સુધી કોઇ નિયંત્રણો પ્રતિબંધો નહીં મૂકવા માટે કટ્ટર મન બનાવીને બેઠેલી રાજ્ય સરકારે આખરે વાઇબ્રન્ટ સમિટને સમેટી લેવી પડી. પોતાના તળે રેલો ન આવે એ માટે સરકારે સમિટનો ભોગ લીધો. જો કે જે રીતે કોરોના અને તેનો નવો વેરિયન્ટ ઓમિક્રોન ઝડપથી વધતો જતો હતો અને વિદેશોમાંથી આવતાં લોકો એનો ચેપ વધારતા જતા હતા, તે જોતાં રાજ્ય સરકારને અંદાજ આવી જવો જોઇતો હતો કે કોરોના માટેની પરંપરાગત તકેદારી રાખ્યા વિના બેફામ બનીને ભીડ ભેગી કરાય કે ટોળાંબંધ રેલીઓ-રોડ શો-આશીર્વચનો કરાય તો સંક્રમણ વધી શકે છે, પરંતુ ગરજવાનને અક્કલ હોતી નથી એમ મતવાંચ્છુ રાજકારણીઓની પણ અક્કલ બહેર મારી જતી હોય છે.
ગુજરાતમાં આવું જ બન્યું. આમાં ભજપવાળા જ સૌથી વધુ દોષિત ભલે લાગતા હોય, પરંતુ કોંગ્રેસ આમઆદમી પાર્ટીવાળા અને સામાન્ય પ્રજાજનો પણ કંઇ ઓછા જવાબદાર તો નથી જ નથી. બધા જ સામે ચાલીને ભૂલ કરતા રહ્યા છે. આ વાયરસ તો પાછો મૂળ જિનપિંગના દેશનો છે ને નવા આફ્રિકામાંથી આવેલો છે, પછી કંઇ બાકી મૂકે? વાઇબ્રન્ટનું બલિદાન આપવું પડ્યું. ન આપ્યું હોત તો અમદાવાદના રિવર ફ્રન્ટ પરના પેલા સંત સંમેલનના થોકબંધ આયોજકો પોઝિટિવ આવ્યા એવું જ થાત. આવું કહેવાનો મતલબ એ તો નથી જ કે આ બધા લોકોને કારણે રાજ્યમાં આજે કોરોના વકર્યો છે. દેશ અને દુનિયાભરમાં તેના અબજો કેસો આવી રહ્યા છે.
ઇટાલીથી અમૃતસર આવેલી ફ્લાઇટના ૧૯૧ માંથી ૧૨૫ મુસાફરો પોઝિટિવ આવ્યાં. તો શું એ પોઝિટિવ હતા છતાં એમને ફ્લાઇટમાં બોર્ડ કરાયા? ના, કહેવાતા આરટીપીસીઆર ટેસ્ટમાં ચાલતી ગરબડોને લીધે એ ફલાઇટમાં કેટલાક પોઝિટિવ હશે તે એમણે બીજાઓને ચેપ લગાડ્યા છે. સવાલ કોણે ચેપ લગાડ્યા છે એનો નથી, સવાલ જાણી જોઇને દાખવવામાં આવતી બેદરકારીનો છે. સત્તાધારીઓની બેદરકારીઓનો ભોગ બાપડા નિર્દોષ લોકો બનતાં હોય છે. ગુજરાતમાં આગામી દિવસોમાં કોરોનાની સુનામી આવવાની પાકી દહેશત છે. અત્યાર સુધી વાઇબ્રન્ટ સમિટને કાજે આંખ આડા કાન કરતી રહેલી સરકારે હવે આગામી દિવસોમાં ફરજિયાતપણે નવાં-અવનવાં નિયંત્રણો પાછાં લાદવાની જરૂર પડશે. કરફ્યુનો ગાળો વધશે.
દુકાનો-માર્કેટ ખુલ્લાં રાખવાના સમયમાં કાપ મૂકાશે, જેનાથી ઘરાકી ઘટશે. હોટલ-સિનેમાના સમય અને ફંકશનિંગમાં કાપ મૂકાશે. મેડિકલ ફિલ્ડવાળા પાછા જમાવટ કરવા મંડી પડશે. હોસ્પિટલોમાં ભીડ વધશે. જો કે આ વખતનો વેરિયન્ટ ઓમિક્રોન પેલા જૂના વેરિયન્ટ ડેલ્ટા જેટલો ડેન્જર નથી. લોકો પણ આ સમજે છે ને સરકાર પણ સમજે છે ને એટલે જ આટઆટલા બેફિકર રહે છે. આમ છતાં કોરોના આખરે કોરોના છે. એની આડ અસરોનો તાગ ચીન પણ પામી શક્યું નથી. ગમે તેમ પણ, ગુજરાતને માથે કોરોનાનું સંકટ નવેસરથી આવીને ખડું થયું છે. નવી આવેલી નોરિપીટ તિયરીબ્રાન્ડ સરકારની સામે કોરોના મહામારીના આ ત્રીજા રાઉન્ડનો અસરકારકતાથી સામનો કરવાનો નવો પડકાર આવીને ઊભો છે.
અગાઉની સરકાર તો પહેલા બે તબક્કાનો સામનો કરી ચૂકી હોઇ અનુભવી પણ હતી, પરંતુ આ સરકારનો અનુભવ નવો છે. વળી ઘણે બંધે અંશે એના હાથ પણ બંધાયેલા છે. બીજાના દોરવાયા દોરાવું પડતું હોવાની મજબુરીનો ઘંટ એના ગળે બંધાયેલો છે. બાબુઓ અને બડેખાંઓના ઇશારે વર્તવું પડતું હોવાની મજબુરીમાં પાછો કોરોનાનો સામનો કરવાનો ને આવતા વર્ષે આવી રહેલી ચૂંટણીનો સામનો કરવા માટે પણ પાછું સજ્જ થવાનું છે. નબળી ગાયને બગાઇઓ ઝાઝી હોય એવા હાલ છે. એટલે જ મોદી સાહેબે સંકેત આપી દીધો છે કે ગુજરાતમાં આગામી માર્ચ મહિનાથી હું અવારનવાર આવતો-જતો રહીશ. મોદી સાહેબ કંઇક પગલું ભરે કે વર્તન કરે, એની પાછળનો કોઇ સૂચિતાર્થ જરૂર હોય છે.
ગુજરાતમાં તેઓ વધુ આવતા-જતા રહેશે એના કેવા સૂચિતાર્થો હશે? કોઇકને કે કંઇકને કન્ટ્રોલ કરવાનો પણ એમનો ઇરાદો હોઇ શકે છે. બાકી, ગુજરાતમાં બધું સમુંસૂતરું તો નથી એવું વડાપ્રધાનશ્રીનું આ વલણ જરૂર કહી જાય છે. કોરોનાને કાબૂમાં લેવાની જેટલી જરૂર છે, એટલા ગુજરાતમાં બીજી ગરબડો કરતા વાયરસોને પણ કાબૂએ કરવાની જરૂર છે. સંક્રમણ આમેય વધી પડ્યું છે. કંઇક લોકો સ્વયંભૂ કોરેન્ટાઇન થઇ જવા માંડ્યા છે. સિસ્ટમ કોરેન્ટાઇન ન થઇ જાય કે કમજોરી વધી ન જાય એ પણ જોવું પડવાનું છે. ૨૦૨૨ ની રાજ્ય વિદાનસભાની ચૂંટણી તો રૂમઝૂમ કરતી આવી જ રહી છે. સાથે સાથે પેપરલીક કૌભાંડ, ઊર્જા વિભાગનું ભરતી કૌભાંડ વગેરે જેવી ગરબડો પણ સપાટી પર આવતી રહી છે. બહારનાં પરિબળોને એને માટે નાથવાની જેટલી જરૂર છે, એટલી ઘરના ઘાતકીને પણ કાબૂમાં કરવાની અનિવાર્યતા વધતી જાય છે. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
કોણ કહે છે કે કોરોના પ્રતાપી નથી? કોણ કહે છે કે ઓમિક્રોન યશસ્વી નથી? આ વાયરસે ગુજરાતમાં એટલો બધો પ્રભાવ ઊભો કર્યો કે એણે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ જીતી લીધી. કોરોના આમ તો ખરેખર કોઇને છોડતો નથી. વળી એની ઐસીતૈસી કરનારાને તો એ ખાસ ભરખી જાય છે. ગુજરાતમાં બધ્ધા બહુ હોંશિયાર થઇ ગયેલા તે વાઇબ્રન્ટ સમિટને એ ઓહિયાં કરી ગયો છે. હરખપદુડી બનેલી સરકાર, સત્તાધારી અને વિપક્ષી પાર્ટીઓ તેમ જ સૌ પ્રજાજનોએ કોરોનાને લાઇટલી લેવા માંડ્યો ત્યારથી લાગતું હતું કે આ ચાઇનીઝ વાયરસ એક દિવસ તો ફૂંફાડો મારવાનો જ છે.
સર્વેના પુણ્ય પ્રતાપે એ બરાબરનો ફૂંફાડો મારી ગયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અયોધ્યા:વારાણસીની સિદ્ધિને બિરદાવી આશીર્વાદ આપવા માટે એકત્ર થયેલા સંતવૃંદ અને ભાજપ વૃંદનીયે કોરોનાએ શરમ ન રાખી. પેલો રાજાનો પાટવીકુંવર રાત્રે ન વધે એટલો દિવસે વધે અને દિવસે ન વધે એટલો રાત્રે વધે, એ તરાહે કોરોના વધતો ગયો ને ૧૫ મી જાન્યુઆરી સુધી કોઇ નિયંત્રણો પ્રતિબંધો નહીં મૂકવા માટે કટ્ટર મન બનાવીને બેઠેલી રાજ્ય સરકારે આખરે વાઇબ્રન્ટ સમિટને સમેટી લેવી પડી. પોતાના તળે રેલો ન આવે એ માટે સરકારે સમિટનો ભોગ લીધો. જો કે જે રીતે કોરોના અને તેનો નવો વેરિયન્ટ ઓમિક્રોન ઝડપથી વધતો જતો હતો અને વિદેશોમાંથી આવતાં લોકો એનો ચેપ વધારતા જતા હતા, તે જોતાં રાજ્ય સરકારને અંદાજ આવી જવો જોઇતો હતો કે કોરોના માટેની પરંપરાગત તકેદારી રાખ્યા વિના બેફામ બનીને ભીડ ભેગી કરાય કે ટોળાંબંધ રેલીઓ-રોડ શો-આશીર્વચનો કરાય તો સંક્રમણ વધી શકે છે, પરંતુ ગરજવાનને અક્કલ હોતી નથી એમ મતવાંચ્છુ રાજકારણીઓની પણ અક્કલ બહેર મારી જતી હોય છે.
ગુજરાતમાં આવું જ બન્યું. આમાં ભજપવાળા જ સૌથી વધુ દોષિત ભલે લાગતા હોય, પરંતુ કોંગ્રેસ આમઆદમી પાર્ટીવાળા અને સામાન્ય પ્રજાજનો પણ કંઇ ઓછા જવાબદાર તો નથી જ નથી. બધા જ સામે ચાલીને ભૂલ કરતા રહ્યા છે. આ વાયરસ તો પાછો મૂળ જિનપિંગના દેશનો છે ને નવા આફ્રિકામાંથી આવેલો છે, પછી કંઇ બાકી મૂકે? વાઇબ્રન્ટનું બલિદાન આપવું પડ્યું. ન આપ્યું હોત તો અમદાવાદના રિવર ફ્રન્ટ પરના પેલા સંત સંમેલનના થોકબંધ આયોજકો પોઝિટિવ આવ્યા એવું જ થાત. આવું કહેવાનો મતલબ એ તો નથી જ કે આ બધા લોકોને કારણે રાજ્યમાં આજે કોરોના વકર્યો છે. દેશ અને દુનિયાભરમાં તેના અબજો કેસો આવી રહ્યા છે.
ઇટાલીથી અમૃતસર આવેલી ફ્લાઇટના ૧૯૧ માંથી ૧૨૫ મુસાફરો પોઝિટિવ આવ્યાં. તો શું એ પોઝિટિવ હતા છતાં એમને ફ્લાઇટમાં બોર્ડ કરાયા? ના, કહેવાતા આરટીપીસીઆર ટેસ્ટમાં ચાલતી ગરબડોને લીધે એ ફલાઇટમાં કેટલાક પોઝિટિવ હશે તે એમણે બીજાઓને ચેપ લગાડ્યા છે. સવાલ કોણે ચેપ લગાડ્યા છે એનો નથી, સવાલ જાણી જોઇને દાખવવામાં આવતી બેદરકારીનો છે. સત્તાધારીઓની બેદરકારીઓનો ભોગ બાપડા નિર્દોષ લોકો બનતાં હોય છે. ગુજરાતમાં આગામી દિવસોમાં કોરોનાની સુનામી આવવાની પાકી દહેશત છે. અત્યાર સુધી વાઇબ્રન્ટ સમિટને કાજે આંખ આડા કાન કરતી રહેલી સરકારે હવે આગામી દિવસોમાં ફરજિયાતપણે નવાં-અવનવાં નિયંત્રણો પાછાં લાદવાની જરૂર પડશે. કરફ્યુનો ગાળો વધશે.
દુકાનો-માર્કેટ ખુલ્લાં રાખવાના સમયમાં કાપ મૂકાશે, જેનાથી ઘરાકી ઘટશે. હોટલ-સિનેમાના સમય અને ફંકશનિંગમાં કાપ મૂકાશે. મેડિકલ ફિલ્ડવાળા પાછા જમાવટ કરવા મંડી પડશે. હોસ્પિટલોમાં ભીડ વધશે. જો કે આ વખતનો વેરિયન્ટ ઓમિક્રોન પેલા જૂના વેરિયન્ટ ડેલ્ટા જેટલો ડેન્જર નથી. લોકો પણ આ સમજે છે ને સરકાર પણ સમજે છે ને એટલે જ આટઆટલા બેફિકર રહે છે. આમ છતાં કોરોના આખરે કોરોના છે. એની આડ અસરોનો તાગ ચીન પણ પામી શક્યું નથી. ગમે તેમ પણ, ગુજરાતને માથે કોરોનાનું સંકટ નવેસરથી આવીને ખડું થયું છે. નવી આવેલી નોરિપીટ તિયરીબ્રાન્ડ સરકારની સામે કોરોના મહામારીના આ ત્રીજા રાઉન્ડનો અસરકારકતાથી સામનો કરવાનો નવો પડકાર આવીને ઊભો છે.
અગાઉની સરકાર તો પહેલા બે તબક્કાનો સામનો કરી ચૂકી હોઇ અનુભવી પણ હતી, પરંતુ આ સરકારનો અનુભવ નવો છે. વળી ઘણે બંધે અંશે એના હાથ પણ બંધાયેલા છે. બીજાના દોરવાયા દોરાવું પડતું હોવાની મજબુરીનો ઘંટ એના ગળે બંધાયેલો છે. બાબુઓ અને બડેખાંઓના ઇશારે વર્તવું પડતું હોવાની મજબુરીમાં પાછો કોરોનાનો સામનો કરવાનો ને આવતા વર્ષે આવી રહેલી ચૂંટણીનો સામનો કરવા માટે પણ પાછું સજ્જ થવાનું છે. નબળી ગાયને બગાઇઓ ઝાઝી હોય એવા હાલ છે. એટલે જ મોદી સાહેબે સંકેત આપી દીધો છે કે ગુજરાતમાં આગામી માર્ચ મહિનાથી હું અવારનવાર આવતો-જતો રહીશ. મોદી સાહેબ કંઇક પગલું ભરે કે વર્તન કરે, એની પાછળનો કોઇ સૂચિતાર્થ જરૂર હોય છે.
ગુજરાતમાં તેઓ વધુ આવતા-જતા રહેશે એના કેવા સૂચિતાર્થો હશે? કોઇકને કે કંઇકને કન્ટ્રોલ કરવાનો પણ એમનો ઇરાદો હોઇ શકે છે. બાકી, ગુજરાતમાં બધું સમુંસૂતરું તો નથી એવું વડાપ્રધાનશ્રીનું આ વલણ જરૂર કહી જાય છે. કોરોનાને કાબૂમાં લેવાની જેટલી જરૂર છે, એટલા ગુજરાતમાં બીજી ગરબડો કરતા વાયરસોને પણ કાબૂએ કરવાની જરૂર છે. સંક્રમણ આમેય વધી પડ્યું છે. કંઇક લોકો સ્વયંભૂ કોરેન્ટાઇન થઇ જવા માંડ્યા છે. સિસ્ટમ કોરેન્ટાઇન ન થઇ જાય કે કમજોરી વધી ન જાય એ પણ જોવું પડવાનું છે. ૨૦૨૨ ની રાજ્ય વિદાનસભાની ચૂંટણી તો રૂમઝૂમ કરતી આવી જ રહી છે. સાથે સાથે પેપરલીક કૌભાંડ, ઊર્જા વિભાગનું ભરતી કૌભાંડ વગેરે જેવી ગરબડો પણ સપાટી પર આવતી રહી છે. બહારનાં પરિબળોને એને માટે નાથવાની જેટલી જરૂર છે, એટલી ઘરના ઘાતકીને પણ કાબૂમાં કરવાની અનિવાર્યતા વધતી જાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.