Editorial

ચૂંટણી આવે ત્યારે જ ધાર્મિક વિવાદ કેમ ઉભો થાય છે તેના પર પ્રજાએ મંથન કરવું જોઇએ

આખા દેશમાં હિજાબ ઉપર વિવાદ ચાલી રહ્યો છે આ વિવાદ જાન્યુઆરી મહિનાથી શરૂ થયો છે. જાન્યુઆરીમાં કર્ણાટકના ઉડુપીમાં આવેલી એક શાળામાં વિદ્યાર્થિનીઓને ફક્ત સ્કૂલ યુનિફોર્મ પહેરીને જ આવવાનું જણાવવામાં આવ્યું હતું. જેનો ઇસ્લામના અનુયાયીઓ વિરોધ કરી રહ્યાં છે તો બીજી તરફ આ શૈક્ષણિક સંસ્થાના હિન્દુ વિદ્યાર્થીઓ ભગવો સાફો પહેરીને હિજાબનો વિરોધ કરી રહ્યાં છે. આ વિવાદ ભલે કર્ણાટકથી શરૂ થયો પરંતુ દેશ અને દુનિયામાં તેના પડઘા પડી રહ્યાં છે. જ્યારથી આ વિવાદ શરૂ થયો ત્યારથી જે રીતે જુદા જુદા રાજકીય નેતાઓના નિવેદનો આવી રહ્યાં તે ખૂબ જ સૂચક છે.

આ મુદ્દે કેન્દ્રમાં સત્તા ધરાવતી પાર્ટી ભાજપનું કહેવું છે કે, આ મુદ્દાને ચગાવવો જોઇએ નહીં શાળામાં જે યુનિફોર્મ હોય તે પહેરીને જ જવું જોઇએ. તો બીજી તરફ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આ મુદ્દે કહ્યું હતું કે, જેણે જે પહેરવું હોય તે પહેરી શકે તેવી બંધારણમાં છૂટ છે. જેણે ઘૂમટો તાણવો હોય તે ઘૂમટો તાણી શકે, જીન્સ, બીકીની કે હિજાબ જેણે જે પહેરવું હોય તેની છૂટ  આપવી જોઇએ. શિવસેના જે હિન્દુવાદી પાર્ટી તેના યુવા નેતા આદિત્ય ઠાકરેએ સાવચેતી પૂર્વક જવાબ આપીને કહ્યું હતું કે, શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓએ માત્ર ભણવા પર જ ધ્યાન આપવું જોઇએ. યુપીના અલીગઢમાં ચૂંટણી માહોલની વચ્ચે હિજાબ પર પ્રતિબંધનો વિરોધ શરુ થઈ ગયો છે.

તેમાં પણ સમાજવાદી પાર્ટીના મહિલા નેતા રુબીના ખાને વિવાદિત નિવેદન આપીને કહ્યું હતું કે, હિજાબ પર જે હાથ નાંખશે તેના હાથ કાપી નાંખવામાં આવશે. તો દુનિયાના દેશો પણ આ મુદ્દે કુદી પડ્યાં છે. જો કે, વિદેશ મંત્રાલયે આ મુદ્દા પર બીજા દેશો દ્વારા થઈ રહેલી ટિપ્પણીઓ સામે નારાજગી વ્યક્ત કરી છે. ભારત સરકારે બીજા દેશોને કહ્યુ છે કે, આ અમારો આંતરિક મામલો છે અને તેના પર બીજા દેશોની ટિપ્પણીની જરુર નથી. હાલમાં આ કેસ હાઈકોર્ટમાં છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યુ હતુ કે, કર્ણાટકની કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં ડ્રેસ કોડને લઈને જે પણ મામલો છે તે હાઈકોર્ટમાં વિચારાધીન છે અને અમારા સંવિધાનના માળખાની સાથે સાથે લોકશાહી ઢબે ચાલતી સિસ્ટમમાં આવા મુદ્દા પર વિચારણા કરીને તેનુ સમાધાન થતુ હોય છે.

ભારતના લોકોને તે વાતની સારી રીતે ખબર છે.અમારા આંતરિક મુદ્દાઓ પર ટિપ્પણી કરવાની કોઈ જરુર નથી. જો કે આ વાત સાચી પણ છે કારણ કે, ફ્રાન્સે બુરખા પર પ્રતિબંધ મૂક્યો ત્યારે આ દેશોના મોંઢા પર પાટા લાગી ગયા હતાં. ભારતમાં આવી ઘટનાઓ બનતી રહે છે અને વિવાદો ચાલ્યા કરે છે. પરંતુ અહીં ધ્યાન ખેંચવા જેવી બાબત એ છે કે, પાંચ રાજ્યોની ચૂંટણી ખાસ કરીને ઉત્તર પ્રદેશની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી હતા ત્યારે જ આ મુદ્દો પ્રકાશમાં આવ્યો છે. ભારતની ભોળી પ્રજાએ શૈક્ષણિક સંસ્થામાં હિજાબ પહેરવો કે નહીં પહેરવો તેના વિવાદમાં પડતાં પહેલા એ જાણી લેવું જોઇએ કે ઉડુપીની આ શૈક્ષણિક સંસ્થા વર્ષોથી ચાલે છે એટલે સ્વાભાવિક છે કે, અહીં વર્ષોથી વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને જ આવતી હશે.

તો ઉત્તર પ્રદેશની ચૂંટણીના થોડા દિવસ પહેલાં જ આ સંસ્થામાં હિજાબ પર પ્રતિબંધ શા માટે મૂકવામાં આવ્યો. ઉત્તર પ્રદેશ એવું રાજ્ય છે કે તે નક્કી કરે છે કે દેશમાં કોની સરકાર બનશે. કર્ણાટકમાં આ મુદ્દાની જેટલી ચર્ચા નથી થતી તેટલી ચર્ચા ઉત્તર પ્રદેશના રાજકીય મંચ પરથી થઇ રહી છે. યોગી હોય કે ઔવેશી બંને આ મુદ્દાને ચગાવી ચગાવીને મતદાતાઓને આકર્ષી રહ્યાં છે ત્યારે પ્રજાએ રાજકીય નેતાઓની વાતમાં આવવાના બદલે આ મુદ્દો ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલાં જ શા માટે ઉઠાવવામાં આવ્યો તેના પર પણ મંથન કરવું જોઇએ.

Most Popular

To Top