Comments

પ્રજાએ લોકપ્રિય નેતાઓ અને લોક પ્રતિનિધિમાં ફેર છે તે સમજતાં શીખવું પડશે

લોકસભાની ચૂંટણી આવી પહોંચી છે. ચાર રાજ્યોનાં ચૂંટણી પરિણામો પછી તરત બે મોટા રાજકીય પક્ષોએ ચૂંટણીમાં કોને ટીકીટ આપવી?- એની કવાયત શરૂ કરી દેવાના અને નવી રાજનીતિમાં “ચૂંટણી જીતે”-એવાને ટીકીટ આપવી એ પ્રથમ શરત હોય છે અને જીતે એવો એટલે કેવો? એ પ્રશ્નનો જવાબ મોટે ભાગે જ્ઞાતિ સમીકરણોને આધારે અપાય છે પછી આવે છે જાહેર જીવનમાં. આગેવાની અને પક્ષના આગેવાનો સાથેની વફાદારી અહીં ભૂલથીય એવું ના માનતા કે પક્ષ માટે વફાદારને ટીકીટ મળે છે કારણકે પક્ષને વફાદાર રહેવામાં જો પક્ષના નેતાઓને બે સાચી કડવી વાત કહો તો તમારું પત્તું કાપી જાય છે અને વિચારધારા માટે પક્ષ સાથે જોડાયેલાએ તો ચૂંટણી ટાણે ચૂપ જ રહેવાનું. દુનિયામાં મોટામાં મોટી ગણાતી ભારતીય લોકશાહી પુખ્ત નથી ગણાતી. અત્યંત આદર્શ ગણાતી આ શાસન વ્યવસ્થાનો આપણે ખૂબ મર્યાદિત લાભ લઇ શકયા છીએ.

કહો કે જાણકારોએ એનો ગેરલાભ જ લીધો છે.ભારતની સંસદીય લોકશાહીમાં સમવાય તંત્ર ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. આર્થિક અને રાજકીય સત્તા ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. આપણે પ્રજા તરીકે ત્રણ પ્રકારના લોક પ્રતિનિધિ ચૂંટવાના આવે છે. કેન્દ્ર માટે સાંસદો. રાજ્ય માટે વિધાન સભાના સભ્યો અને તાલુકા પંચાયત માટે સ્થાનિક લોક પ્રતિનિધિઓ.

હવે લોકશાહીની આદર્શ વ્યવસ્થા મુજબ પ્રજા પોતાના પ્રતિનિધિ ચૂંટે. આ પ્રતિનિધિઓ ભેગા થઇ પોતાના નેતા ચૂંટે અને પોતાનામાંથી મંત્રી મંડળની રચના કરે. દરેક પ્રતિનિધિ પોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે એટલે લોકો પોતાના પ્રશ્નો પોતાના પ્રતિનિધિને કહે, પ્રતિનિધિઓ આ પ્રશ્નો એમના નેતાને કહે છે,મંત્રી મંડળમાં રજૂઆત કરે છે અને બહુમત દ્વારા આ પ્રશ્નો અંગે નિર્ણય થાય છે. દુનિયાભરમાં સત્તાનું મુખ્ય કામ પ્રજાના કલ્યાણને ધ્યાનમાં રાખીને કાયદા ઘડવાનું છે, જ્યાં વર્તમાન અને ભવિષ્યનો વિચાર કરવાનો હોય છે. કાયદા ઘડાયા પછી કાયદાના અમલ માટે તંત્ર ગોઠવવું એ સરકારનું કામ છે.

આપણી લોકશાહીમાં આપણા ભૌતિક પ્રશ્નો, સામાજિક પ્રશ્નો, આર્થિક પ્રશ્નો અને તેના ઉકેલો આપણે આ પ્રતિનિધિ સભા દ્વારા મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ અને માટે જરૂરી છે કે આપણે ચૂંટેલા પ્રતિનિધિઓ આ પ્રશ્નોને ઓળખે. સરકાર દ્વારા વિક્સાવવામાં આવેલી જાહેર વ્યવસ્થાઓમાં પરિવર્તન, કાયદાઓમાં પરિવર્તન, રોજિંદી તકલીફોની રજૂઆતનું કામ આપણા લોકપ્રતિનિધિઓએ કરવાનું છે અને આપણો લોકશાહીનો ઈતિહાસ બતાવે છે કે આપણા લોકપ્રતિનિધિઓ મોટે ભાગે સરકારના પ્રવક્તા બનીને રહી જાય છે. પ્રજાના પ્રશ્નો તેઓ ઓળખતા જ નથી તો રજૂઆત ક્યાંથી કરવાના?

ભારતમાં પક્ષ આધારિત અને બહુમતના નિયમથી ચાલતી લોકશાહીમાં વર્ષોથી સત્તા માટે માત્ર માથાં ભેગાં કરવાની નીતિ અમલમાં મૂકી. જેમાં વ્યક્તિ વિચારધારાની કે પક્ષને વફાદાર હોય તે કરતાં પક્ષના નેતાને વફાદાર હોય તેને પ્રથમ પસંદગી આપવામાં આવી અને જીતે એવા નેતાની શરતમાં જાહેર જીવનમાં લોક પ્રતિનિધિ કરતાં લોકપ્રિયને નેતા બનાવવાની વાત આવી એટલે ગાયકો, અભિનેતાઓ, ધાર્મિક નેતાઓને ચૂંટણીની ટીકીટ અપાઈ. લોકશાહીની પુખ્તતાની આ જ તો નિશાની હતી કે આપણે સમજીએ કે સારો ક્રિકેટર સારો નેતા ના પણ બને. સારો ગાયક લોકોના પ્રશ્નોને સારી રીતે રજૂ ના પણ કરે. લોકપ્રિય અભિનેતા લોકોના પ્રશ્નો માટે લડત આપશે તે કહેવાય નહિ અને આપણે આ ના સમજ્યા. અમિતાભ બચનથી માંડીને સચિન તેંદુલકર સુધીના આપણા અનુભવ બતાવે છે કે આ લોકપ્રિય લોકો ક્યારેય લોકોના પ્રશ્નોને ઉપર સુધી લઈ ગયા નહિ અને તે માત્ર માથા ગણવાની રમતમાં ઉપયોગમાં લેવાયા.

આ વખતે ફરી એક વખત ઘણી સીટો પર માત્ર જીતના ગણિત મુજબ ટીકીટ આપશે અને ગાયકો, અભિનેતાઓ, લોકોને માથે મારશે પણ, શું પ્રજા આ વાત સમજશે? કે મારે મારા પ્રશ્નોની રજૂઆત કરે એવા નેતાની જરૂર છે.મારે મારી તકલીફ વખતે મને સાથ આપે, ઝડપથી મળી રહે તેવા નેતાની જરૂર છે. અભિનેતા કે ધાર્મિક નેતા મનોરંજન માટે સારા, લોક્શાહી માટે તો લડાયક નેતા જ જોઈએ.લોકપ્રિયતા એ લોક પ્રતિનિધિત્વનો વિકલ્પ કે પર્યાય બની નહિ શકે.હા, પોતાની જાતે જ જાહેર જીવનમાં આવતા લોકપ્રિય નેતાઓને આ વાત લાગુ પડતી નથી. આ વાત માત્ર એમને લાગુ પડે છે, જેમને કોઈ રાજકીય પક્ષ દ્વારા હેલીકોપ્ટરથી ઉતારવામાં આવે છે. જોઈએ આ વખતે આપણી લોકશાહી કેટલી વધુ પુખ્ત બને છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top