Editorial

પેગાસસ જાસૂસી વિવાદ કેન્દ્રની મોદી સરકારને હલાવી રહ્યો છે

છેલ્લા 7 વર્ષથી વિપક્ષોને માત આપતી આવેલી કેન્દ્રની એનડીએ સરકાર હવે પેગાસસ જાસૂસી વિવાદ મામલે ભેરવાઈ ગઈ છે. સંસદનું ચોમાસું સત્ર શરૂ થાય તે પહેલા જ આંતરરાષ્ટ્રિય મીડિયાના અહેવાલો બહાર આવ્યા હતાં કે ભારત સરકારે ઈઝરાયલના સોફ્ટવેર પેગાસસ દ્વારા અનેક લોકોના ફોન ટેપ કર્યા છે. જેમાં રાહુલ ગાંધી, પ્રશાંત કિશોર સહિત અને નેતા, કેન્દ્રીય મંત્રી, પત્રકાર અને અન્ય લોકો સામેલ છે. આ અહેવાલને પગલે વિપક્ષોને મોટું હથિયાર મળી ગયું છે. વિપક્ષો દ્વારા ચોમાસા સત્રમાં એનડીએ સરકાર પર પસ્તાળ પાડવામાં આવી છે અને ચર્ચાની માંગ સાથે સંસદની કાર્યવાહી ચાલવા દેવામાં આવી નથી. પેગાસસ જાસૂસી વિવાદે વિપક્ષોને એક થવાની તક પૂરી પાડી છે. જે કેન્દ્રની એનડીએસ સરકાર માટે જોખમ સમાન છે.

પેગાસસ જાસૂસી વિવાદની સાથે વિપક્ષો દ્વારા સંસદમાં મોંઘવારી અને કૃષિ કાયદાનો મામલો પણ જોડી દેવામાં આવ્યો છે. જેને પગલે વિપક્ષોને સરકાર પર સવાર થવાની તક મળી ગઈ છે. બુધવારે વિપક્ષી પાર્ટીના નેતાઓ દ્વારા બેઠક પણ યોજવામાં આવી હતી. જેમાં કેન્દ્ર સરકારને ઘેરવાનો નિર્ણય કરાયો હતો. કોંગ્રેસની સાથે ડીએમકે, એનસીપી, શિવસેના, આરજેડી, સપા, સીપીઆઈએમ, સીપીઆઈ, નેશનલ કોન્ફરન્સ, આપ, આઈયુએમએલ, આરએસપી, કેસીએમ અને વીસીકે સહિત એક ડઝનથી પણ વધુ વિપક્ષી પાર્ટીઓ આ બેઠકમાં ભેગી થઈ હતી. જે કેન્દ્ર સરકાર માટે મુશ્કેલીઓ સર્જી શકે તેમ છે.

બેઠકમાં રાહુલ ગાંધી દ્વારા એવું એલાન કરાયું હતું કે પેગાસસ જાસૂસી કાંડમાં કોઈપણ પ્રકારની સમજૂતિ કરવમાં આવશે નહીં, સરકારે તેનો જવાબ આપવો જ પડશે. ભારત સરકારની મુશ્કેલી એ રીતે પણ વધી છે કે, પેગાસસ જાસૂસી વિવાદ મામલે સંસદની આઈટી સમિતીની બેઠક પણ મળી હતી. આ બેઠકનો જોકે, ભાજપના સભ્યો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો હતો. આઈટી સમિતીની બેઠકમાં થનારી કાર્યવાહી ભાજપ સરકાર માટે તકલીફ ઊભી કરે તેમ છે.

પેગાસસ જાસૂસી વિવાદ મામલે વિપક્ષો એનડીએ સરકારને છોડવાના મૂડમાં નથી ત્યારે હવે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે કે સરકારે સુરક્ષાના કારણસર વિદેશી કંપનીઓ પાસેથી જાસૂસી સોફ્ટવેર ખરીદયાં છે કે કેમ? જો જાસૂસી સોફ્ટવેર ખરીદ્યા હોય તો કોની પાસેથી ખરીદ્યા છે? શું સરકારે ઈઝરાયલી કંપની પાસેથી પેગાસસ સોફ્ટવેર ખરીદ્યું છે? આ સોફ્ટવેર ખરીદવા માટે ટેન્ડરિંગ કરાયું હતું કે કેમ? કયા મંત્રાલય દ્વારા આ સોફ્ટવેર ખરીદવામાં આવ્યું? જે રીતે સવાલો ઉઠી રહ્યાં છે તે બતાવી રહ્યું છે કે જો સંસદમાં ચર્ચા થાય તો એનડીએ સરકાર ભેરવાઈ જાય તેમ છે અને આ કારણે જ એનડીએ સરકાર સંસદમાં ચર્ચા કરવાનું ટાળી રહ્યું છે.

સંસદના બંને ગૃહમાં ચર્ચાની માંગ સાથે વિપક્ષ આક્રમક વલણ બતાવી રહ્યું છે. જેને કારણે બંને ગૃહની કાર્યવાહી અત્યાર સુધીમાં સાત વખત સ્થગિત કરવાની ફરજ પડી છે.

વિપક્ષના આક્રમક વલણને પગલે ભાજપે હવે પોતાના સાંસદોને તેમના વિસ્તારમાં જઈ વિપક્ષ સંસદની કાર્યવાહી ચાલવા દેતો નથી તે વાત લોકોને જણાવવા માટે કહ્યું છે. ભાજપ સંસદીય દળની બેઠકમાં ખુદ પીએમ મોદીએ ભાજપના સાંસદોને આવી સલાહ આપી હતી. જેને કારણે સંસદથી શરૂ થયેલો પેગાસસ જાસૂસી વિવાદનો સંગ્રામ આગામી દિવસોમાં શેરીઓ સુધી જવાની સંભાવના છે.જોકે, પીએમ મોદીએ પેગાસસ જાસૂસી સોફ્ટવેર દ્વારા વિપક્ષની જાસૂસી કરાવી હોય કે નહીં, પરંતુ આ જાસૂસી વિવાદ આગામી દિવસોમાં રાજકીય મોરચે નવા નિર્માણ કરશે. જો વિપક્ષોની એકતા ટકી રહેશે તો એનડીએ સરકારે શાસન કરવું મુશ્કેલ બનશે તે નક્કી છે.

Most Popular

To Top