વડોદરા: શહેરમાં આજે બપોર બાદ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. મેઘ મહેરના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. એક તરફ પ્રકૃતિ ઝૂમી ઉઠી હતી તો બીજી તરફ શહેરના અનેક નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા પાણી ભરવાના કારણે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. તો કેટલાકે આ મસ્ત મેહુલિયાને મોજથી માણ્યો હતો.
ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે પરંતુ હજુ મેહુલિયો મન મૂકીને ધારાને તૃપ્ત કરે તેવો નથી વરસ્યો જો કે આજે બપોર બાદ શહેરમાં મેઘરાજાએ મહેર કરી હતી અને મન મૂકીને વરસાદ વરસ્યો હતો. શહેરમાં સતત બે કલાક સુધી વરસાદ વરસતો રહ્યો હતો. પહેલા મુશળધાર અને ત્યાર બાદ ધીમી ધારે સતત ધરાને તૃપ્ત કરતો રહ્યો હતો. જો કે આ વરસાદમાં શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કેટલાક લોકોએ મન મૂકીને વરસાદ માણ્યો હતો તો કેટલાકે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. શહેરમાં મોડી સાંજ સુધી સતત વરસાદ વરસ્યો હતો. અંદાજે 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. પાલિકાની પ્રિ મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડાડતા દ્રશ્યો કેટલાક વિસ્તારમાં જોવા મળ્યા હતા.
યાકુતપુરા વિસ્તારમાં મકાન ધરાશાયી
શહેરમાં વરસાદ વરસતા શહેરના યાકુતપુરા વિસ્તારમાં એક કાચા મકાનની છત તૂટી પડી હતી. વરસાદનો માર ન ઝીલી શકનાર છત એકાએક ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી. સદ્ નસીબે કોઈ ન હોવાના કારણે કોઈને ઇજા કે જાનહાની થઇ ન હતી. જો કે આ અંગેની જાણ ફાયર વિભાગને થતા તેઓ તાબડતોબ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.