‘ગુજરાતમિત્ર’ દૈનિકની 19/5 ની’ સીટી પલ્સ’ પૂર્તિમાં સુરત અને તાપી જિલ્લાની આસપાસ આવેલા વન ડે પીકનીક જેવા, પ્રમાણમાં ઓછા જાણીતા અને ઓછા ખર્ચે જઇ શકાય એવા પ્રાકૄતિક પીકનીક પોઇન્ટની જાણકારી સંપાદક શ્રીએ આપી છે,એ સરાહનીય છે.લગભગ છ એક સ્થળો વિશે અહીં માહિતી આપી છે. એ સુંદર છે.પણ એમાં ‘ઘરેથી નાસ્તો પાણી લઈને જવાનું’ બધામાં જ સૂચવાયું છે એ વાંચીને હસવું તો આવ્યું.કારણ કે ગૃહિણીઓ હવે ઘરમાં ( બધે ઘેર નહિ) અનેક કારણસર રસોઈ માંડ બનાવતી હોય ત્યાં નાની ટૂર માટે નાસ્તો આગલે દિવસે બનાવવાની પળોજણમાં પડશે ખરી?
લેખકે જાત અનુભવે ખાણી પીણીની વાત લખી છે એ સાચી છે. મેં આવાં બે ત્રણ સ્થળોની ચાર પાંચ મિત્રો સાથે મુલાકાત લીધી.એમાં સરકારી જાહેરાત મુજબ કેન્ટીન અને રહેણાંકનો ઉલ્લેખ હોય છે અને પર્યટનને ઉદ્યોગનો દરજજો આપી રોજગારી ઊભી કરવાની વાત પણ સારી છે.પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જોવા મળી છે એવા બે ચાર મુદ્દા. …કેન્ટીન માત્ર એક કે બે જ હોય છે.
અગાઉથી નાસ્તા કે ભોજનનો ઓર્ડર હોય તો જ બનાવાય છે (બગાડ ન થાય ) એ માટે વાત સાચી.પણ મોટે ભાગે સંપર્ક માટેના ફોન બંધ આવે છે તેનું શું ? રસ્તાઓ પણ મેઇન રોડ બાદ સારા નથી. મોટો યક્ષ પ્રશ્ન આ સ્થળે પહોંચવાનો છે. દર રવિવારે કે અન્ય રજામાં આ માટે શહેરમાંથી એસ.ટી. બસની વ્યવસ્થા હોવી જ જોઇએ. (હાલમાં જ નવી એકસો વીસ બસ સરકારે પ્રજા માટે મૂકી છે ) જે સાંજે શહેરમાં પ્રવાસીને પરત લઈ આવે. હાલ તો ગાડી ધરાવનારા શ્રીમંતો જ શનિ રવિ આવાં સ્થળોએ જઈ શકે છે.આ બધાં પિકનીક સ્થાનો ખાણી પીણી માટે નથી, એટલું સ્વીકાર્યા પછી પણ બે ત્રણ વાનગીઓ તો કેન્ટીનમાં પૂરતા પ્રમાણમાં ગરમ ઉપલબ્ધ હોવી જ જોઇએ.અહીં આ માટેની કેન્ટીનની એજન્સીઓ પર સરપ્રાઇઝ ચેકિંગ કરવાનું રાખવામાં આવે તો ઘણાં સારાં પરિણામ આવી શકે.
સુરત- પ્રભાકર ધોળકિયા