Columns

બીજેપીના મિડિયા સેલનો પનો વિદેશમાં ટૂંકો પડે છે

નવ વરસ સુધી ખુદ્દાર પત્રકારોથી ભાગ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકામાં વ્હાઈટ હાઉસમાં સપડાઈ ગયા. સાધારણ રીતે અમેરિકાની મુલાકાતે આવેલા મહેમાન નેતા અમેરિકન પ્રમુખની મુલાકાત લે એ પછી વ્હાઈટ હાઉસમાં બન્ને નેતાઓ ઊભા ઊભા સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા હોય છે. આ રિવાજ છે અને તમે આવાં દૃશ્યો જોયાં હશે. જે દેશની અને તેના નેતાની એવી કોઈ મોટી પ્રતિષ્ઠા નથી એવા નેતાઓ પણ પત્રકારોનો સામનો કરે છે, પણ આપણા વડા પ્રધાન ભાગતા ફરે છે. ભારતમાં જેને “પપ્પુ”તરીકે ઓળખવામાં આવે છે એ રાહુલ ગાંધી આત્મવિશ્વાસપૂર્વક પત્રકારોનો સામનો કરે છે, પણ ૫૬ ઈંચની છાતીના ધણી નરેન્દ્ર મોદી કોઈ ને કોઈ રીતે ખુદ્દાર પત્રકારોથી ભાગવામાં સફળ થતા હતા, પણ આ વખતે સપડાઈ ગયા.

વાત એમ છે કે ગોદી મીડિયા ભારતમાં અને વિદેશમાં ગમે એટલું શીર્ષાસન કરે, પણ નરેન્દ્ર મોદીની છબી વિદેશમાં ખરડાઈ ચૂકી છે. ભારતના વર્તમાન સત્તાધીશો હિંદુ કોમવાદી છે, લઘુમતી વિરોધી છે, ખાસ કરીને મુસલમાનોને સતાવવામાં આવે છે, મુસલમાનોનાં મકાનો પર બુલડોઝર ચલાવવામાં આવે છે, તેઓ ભારતને માથાભારે હિંદુ બહુમતી રાષ્ટ્રમાં પરિવર્તિત કરવા માગે છે, લોકતંત્રનું અને નાગરિકોની આઝાદીનું ગળું ઘોંટવામાં આવી રહ્યું છે, સંસદને ચાલવા દેવામાં આવતી નથી, લોકતાંત્રિક સંસ્થાઓ ઉપર કબજો કરવામાં આવ્યો છે વગેરે વગેરે. જગત આ જાણે છે અને એવું તો ક્યારેય બનતું નથી કે લોકો ચહેરાની એક બાજુ જાણે અને બીજી બાજુથી સાવ અજાણ રહે. ખાસ કરીને ત્યારે જ્યારે ચહેરાની એક બાજુ અબજો રૂપિયા ખર્ચીને અને મિડિયાને ખરીદીને પ્રોજેક્ટ કરવામાં આવતી હોય.

જે પત્રકારોને અને વિચારનારા નાગરિકોને ખરીદી કે ડરાવી શકાયા નથી તેઓ બોલે છે. વિદેશી એલચી કચેરીઓ અને પત્રકારો ભારતમાં શું બની રહ્યું છે એના અહેવાલો પોતાના દેશમાં મોકલતા હોય છે. નાગરિક અધિકારોની સ્થિતિ અને કાયદાના રાજ ઉપર નજર રાખનારી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દર વર્ષે તેના રીપોર્ટ તૈયાર કરે છે અને તેમાં ભારત તેની રેન્ક ગુમાવી રહ્યું છે. ભારતની જેમ વિદેશોમાં વસતા અનિવાસી ભારતીયો વચ્ચે ઊભી તિરાડ પડી છે. ‘હિન્દુઝ ફોર સેક્યુલર ઇન્ડિયા’ જેવાં વિદેશમાં રચાયેલાં અનેક પ્લેટફોર્મ્સ ભારતમાં લોકતંત્ર બચાવવા માટે કામ કરે છે.

ભારતની જેમ કોમવાદી હિંદુઓ વિદેશોમાં પણ વસે છે, પરંતુ ત્યાં તેઓ લઘુમતીમાં હોવાથી એક હદથી વધારે હડકાયા થઈ શકતા નથી, જ્યારે સેક્યુલર હિંદુઓ સ્થાનિક પ્રજાનો વિશ્વાસ ધરાવે છે અને ભારતમાં લોકતંત્ર તેમ જ નાગરિક અધિકારોની રક્ષા માટે નેટવર્ક રચાય છે. જે હિંદુઓ વિદેશમાં હડકાયા થાય છે એ લોકો વિદેશમાં ભારતની અને નરેન્દ્ર મોદીની છબીને વધારે ધૂમિલ કરે છે. આ સિવાય ઈન્ટરનેટને કારણે પ્રત્યાયન આસાન થઈ ગયું છે. બીજેપીના મિડિયા સેલનો પનો વિદેશમાં ટૂંકો પડે છે.

કામ તુર્કીના ઓરડેગન જેવાં કરીએ અને જગતમાં જવાહરલાલ નેહરુનો થતો હતો એવો જયજયકાર થાય એવાં સપનાં જોઈએ એવું બને ખરું? નેહરુનો થતો હતો એવો જયજયકાર નેહરુના માર્ગે જ થાય, ઓરડેગનના માર્ગે ન થાય. આ બેવકૂફ પણ સમજી શકે એવું સાદું સત્ય છે. પણ આપણા સત્તાધારી એમ માને છે કે પૈસા હોય અને આંખનું મટકું પણ માર્યા વિના જુઠ અને આત્મશ્લાઘા કરવાની ત્રેવડ હોય તો કશું જ અશક્ય નથી.

સત્ય છુપાવ્યું છુપાતું નથી. સત્યનો આ સ્વભાવ છે. અંતે એ જ થયું જે એક દિવસ થવાનું હતું. નવ વરસ ભાગ્યા પછી અને અમેરિકાની સડકો ઉપર મોદી મોદી કરાવ્યા પછી વ્હાઈટ હાઉસમાં સપડાઈ ગયા. વાત એમ હતી કે અમેરિકાના ૮૮ જેટલા સેનેટરોએ અમેરિકન પ્રમુખ બાયડનને પત્ર લખ્યો હતો કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વ્હાઈટ હાઉસમાં તમને મળવા આવે ત્યારે તમારે ભારતમાં લોકતંત્ર અને નાગરિક અધિકારોનું ગળું ઘોંટવામાં આવી રહ્યું છે એ પ્રશ્ન ઉપસ્થિત કરવો, એટલું જ નહીં લોકતંત્ર ઉપર એક લેસન પણ આપવું જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો સલાહના સૂરમાં નરેન્દ્ર મોદીને ઠપકો આપવો. એ પત્રની વિગતો અમેરિકન અખબારોમાં અને જગતભરના મિડિયામાં પ્રકાશિત થઈ.

અને હા, બરાકને તો તમે ઓળખતા જ હશો. અમેરિકન પ્રમુખ બરાક ઓબામા જ્યારે ભારત આવ્યા ત્યારે હૈદરાબાદ હાઉસમાં વડા પ્રધાને પ્રોટોકોલ મુજબ અમેરિકન પ્રમુખ બરાક ઓબામા તરીકે સંબોધવાની જગ્યાએ પ્રોટોકોલ તોડીને માત્ર તેમના પહેલા નામથી બરાક તરીકે ઓળખાવ્યા હતા. બરાક ઓબામા હેબતાઈ ગયા હતા. માત્ર પહેલા નામથી એ લોકો સંબોધે જે પ્રેમી હોય કે સ્નેહી હોય અથવા જીગરજાન મિત્ર હોય. નરેન્દ્ર મોદી એમ કહેવા માગતા હતા કે બરાક તો મારો ગોઠિયો છે.

અમેરિકન પ્રમુખ તો બાદ મેં. તો બરાકે નરેન્દ્ર મોદી હજુ અમેરિકામાં હતા ત્યારે સીએનએનને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે, “જો મારે મી. મોદીને (મી. મોદી, નરેન્દ્ર નથી કહેતા) મળવાનું થાય તો હું તેમને સલાહ આપું કે લઘુમતી કોમનું જાતિનિકંદન (તેમણે અંગ્રેજી શબ્દ એથનિક ક્લીન્ઝીંગ વાપર્યો છે) કાઢવામાં આવશે તો તેના પરિણામસ્વરૂપે ભારતના ટુકડા થશે અને એ ઉપરાંત એવી પ્રવૃત્તિ બહુમતી હિંદુઓના હિતમાં પણ નહીં હોય.” તેમણે એમ પણ કહ્યું હતું કે પ્રમુખ બાયડને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમ્યાન ભારતમાં લોકતંત્રનો પ્રશ્ન ઉપસ્થિત કરવો જોઈએ.

આ અમેરિકા છે, જ્યાં ટ્રમ્પ જેવા બેશરમ તાનાશાહને પણ ભારે પડી ગયું હતું. બાયડન ભૂતપૂર્વ પ્રમુખ ઓબામા, સેનેટરો, અમેરિકન નાગરિકો, અખબારી ઊહાપોહ અને સેક્યુલર અનિવાસી ભારતીયોની ભાવનાને ઉવેખી ન શકે. હવે અમેરિકન પ્રમુખ સલાહના સૂરમાં નરેન્દ્ર મોદીને ઠપકો આપે તો એ વધારે ખરાબ દેખાય. આ સિવાય અમેરિકાને ચીન સામે ભારતનો ખપ છે એટલે બાયડન પણ આવું નહોતા ઈચ્છતા. મારું એવું અનુમાન છે કે વ્હાઈટ હાઉસમાં લોકતંત્ર અંગેના પત્રકારના સવાલનો સામનો કરવાનો વચલો રસ્તો કાઢવામાં આવ્યો હોવો જોઈએ. પત્રકાર હજુ તો સવાલ પૂછવાનું શરૂ કરે છે ત્યાં વડા પ્રધાનના ચહેરા ઉપર ટેન્શન આવી ગયું હતું અને ચહેરો તરડાઇ ગયો હતો. જો આવી ગોઠવણ ન થઈ હોત તો પ્રોમ્પ્ટર પર જવાબ તૈયાર ન હોત. તમે પોતે જોઈ જુઓ, વડા પ્રધાને પ્રશ્નનો સીધો જવાબ આપવાની જગ્યાએ ભારતની મહાનતા અને લોકતંત્ર ઉપર ભાષણ આપ્યું હતું.

અને એ પછી શું થયું? ભારતમાં ટ્રોલીંગ કરનારી ભાડુતી ટોળકીએ નરેન્દ્ર મોદીને અઘરો સવાલ પૂછનારી પત્રકાર સબરીના સિદ્દીકીનું ટ્રોલીંગ કરવાનું શરૂ કર્યું. ભાષા તો એ જ જે તમે જાણો છો. આ જોઇને અમેરિકન સરકારે આવી પ્રવૃત્તિની આકરી નિંદા કરતું નિવેદન બહાર પાડ્યું. નિવેદનમાં શું કહેવામાં આવ્યું એ તમે મૂળ અંગ્રેજીમાં જ વાંચી લો. “It is unacceptable, and we absolutely condemn any harassment of any journalists anywhere under any circumstances.”અને પછી આગળ કહે છે: “It was antithetical to the very principles of democracy that were on display last week during the state visit.”

જેવું વાવો એવું લણો. કહેવત ખોટી નથી. છબી ઉજાળવા માટે અબજો રૂપિયાનું નેટવર્ક ઊભું કર્યા પછી પણ અને ગોદી મિડિયાની ચોવીસે કલાકની ખિદમત પછી પણ સાચી વાત બહાર આવી ગઈ. વગર પૈસે અને વગર નેટવર્કે. જવાહરલાલ નેહરુના વખતનું ભારત આજ કરતાં ક્યાંય પાછળ હતું. પણ એ છતાંય ભારતની અને નેહરુની જગતમાં ગણના થતી હતી, કારણ કે ભારત તેનાં સમૃદ્ધ વારસા દ્વારા પ્રતિષ્ઠા ધરાવતું હતું અને જવાહરલાલ નેહરુ એ વારસાના પ્રવક્તા તરીકે.
શું હતો એ વારસો? ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ જ્યોર્જ બુશે (જુનિયર) ભારતના વારસાને એક વાક્યમાં ઓળખાવ્યો છે: “માણસ બનીને સાથે કેમ જીવાય એ શીખવું હોય તો ભારત જાવ. ભારત સહિષ્ણુતા અને સહઅસ્તિત્વની ભૂમિ છે.”
જ્યોર્જ બુશના આ શબ્દો બે દાયકા પહેલાંના છે. બે દાયકામાં આટલો ફરક?
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top