આ વર્ષે ચોમાસુ અત્યાર સુધી તો ઘણી વિચિત્ર ગતિ બતાવી રહ્યું છે. ચોમાસુ સામાન્ય રહેશે એવી ભારતીય હવામાન વિભાગની આગાહી હતી પરંતુ અરબી સમુદ્રમાં બિપોરજોય નામનું વાવાઝોડું ઉદભવ્યું, કેરળમાં ચોમાસુ સામાન્ય કરતા એક સપ્તાહ જેવું મોડું શરૂ થયું. વાવાઝોડાએ વાદળોની અને ભેજની જમાવટ પર ઘણી અસર કરી. બિપોરજોય ઘણો સમય અરબી સમુદ્રમાં ઘૂમરીઓ લેતું રહ્યું અને તે ચોમાસાની શરૂઆતના વાદળોની ગતિને ખોરવી અને ઘણો ભેજ તેણે ચૂસી લીધો તેથી કેરળમાં ચોમાસુ મોડૂ શરૂ થવાની સાથે નબળુ પણ શરૂ થયું.
ખાનગી આંતરરાષ્ટ્રીય હવામાન એજન્સી સ્કાયમેટની આગાહી હતી જ કે વાવાઝોડાને કારણે કેરળમાં ચોમાસું નબળું શરૂ થશે અને તેની આગાહી સાચી પડી. બીજી બાજુ બિપોરજોય વાવાઝોડું દિવસો સુધી અનિશ્ચિતતાઓ સર્જતું રહ્યું અને છેવટે ૧૫મી જૂને તે કચ્છ અને સૌરાષ્ટ્રના કાંઠાઓ પર ત્રાટક્યું. તેની અસરથી ભારે વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં થયો. આ વાવાઝોડું આગળ વધીને રાજસ્થાન તરફ ગયું અને ત્યાં પણ ભારે વરસાદ થયો. પરંતુ દેશના અન્ય ઘણા ભાગોમાં જૂનમાં વરસાદ ઓછો કે ખૂબ ઓછો થયો. આપણા દક્ષિણ ગુજરાતમાં પણ ચોમાસુ વરસાદ જૂનના છેલ્લા દિવસોમાં શરૂ થયો અને જુલાઇની શરૂઆતના દિવસોમાં તો તે આ લખાય છે ત્યારે બિલકુલ અટકી ગયો છે.
વીતેલા જૂન મહિનાના વરસાદના અને ગરમીના આંકડાઓ હવામાન વિભાગે હાલ બહાર પાડ્યા છે તે મુજબ દેશના અનેક ભાગોમાં, ખાસ કરીને દક્ષિણ ભારતમાં જૂન મહિનામાં વરસાદ ઘણો ઓછો થયો છે અને જૂન મહિનો ઘણો જ ગરમ રહ્યો છે. દક્ષિણી દ્વિપકલ્પીય ભારતમાં આ વર્ષૈ ૧૯૦૧થી સૌથી ગરમ જૂન મહિનો રહ્યો છે જેમાં સરેરાશ મહત્તમ તાપમાન ૩૪.૦પ ડીગ્રી સેલ્સિયસ રહ્યું છે, એમ હવામાન કચેરીએ જણાવ્યું હતું. આ પ્રદેશ જૂનમાં ૧૯૦૧થી ત્રીજા સૌથી ઉંચા સરેરાશ લઘુતમ તાપમાન પણ નોંધાવી ચુક્યો છે જે ૨૬.૦૪ ડીગ્રી સેલ્સિયસ થયું છે એમ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે. અહીં સરેરાશ મધ્યમ તાપમાન આ મહિના માટે ૩૦.૦પ ડીગ્રી સેલ્સિયસ રહ્યું છે જે ૧૯૦૧થી સૌથી ઉંચુ છે. માસિક હવામાન સમીક્ષા ચોથી જુલાઇએ હવામાન કચેરી દ્વારા સાંજે બહાર પાડવામાં આવી હતી જેમાં એમ પણ જણાવાયું હતું પૂર્વ અને ઇશાન ભારત, દક્ષિણ ભારત અને ઉત્તરપશ્ચિમ તથા મધ્ય ભારતના મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ૪.૪ ડીગ્રી સેલ્સિયસ વધુ ઉંચુ રહ્યું છે.
દક્ષિણી દ્વિપકલ્પીય ભારતમાં જૂનમાં સરેરાશ વરસાદ ૮૮.૮ મીમી રહ્યો છે જે ૧૯૦૧ પછી સૌથી ઓછો છે. આ પ્રદેશમાં જૂનમાં સામાન્ય વરસાદ ૧૬૧ મીમી રહે છે. આ અગાઉનો સૌથી ઓછો વરસાદ અહીં જૂનમાં ૧૯૭૬માં થયો હતો જે ૯૦.૭ મીમી હતો. જૂનમાં પૂર્વ અને ઇશાન ભારતમાં સરેરાશ તાપમાન ત્રીજું સૌથી ઉંચુ રહ્યું છે. ૧૯૦૧માં હવામાનના રેકર્ડસ રાખવાની શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધીના આ આંકડાઓ છે. દેશના પૂર્વ ભાગોમાં પણ જૂનમાં ગરમીના મોજાઓનો માહોલ રહ્યો છે. જો કે ઉત્તર પશ્ચિમ અને તેની બાજુના મધ્ય ભાગો જેમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ગુજરાતનો સમાવેશ થાય છે તેમાં આ મહિનામાં કોઇ હીટવેવની સ્થિતિ ઉદભવતી જોવા મળી નહીં હતી.
જૂન મહિનામાં એક બાજુ વાવાઝોડાની અસરથી ભારે વરસાદને કારણે દેશના કેટલાક ભાગોમાં ખાનાખરાબી થઇ. આસામમાં દર વર્ષની જેમ જ પૂરે અનેક વિસ્તારોમાં પરેશાનીઓ સર્જી તો હિમાચલના વિસ્તારોમાં પણ ખાસ્સુ નુકસાન કર્યું. કેરળમાં સામાન્ય રીતે પહેલી જૂને ચોમાસુ શરૂ થાય છે અને તે ભારતમાં ચોમાસુ શરૂ થવાની સત્તાવાર તારીખ ગણાય છે. પરંતુ આ વખતે કેરળમાં ચોમાસુ મોડું બેઠું. દેશના તમામ ભાગોને આ ચોમાસુ સામાન્ય રીતે ૮મી જુલાઇએ આવરી લેતું હોય છે પરંતુ હવામાન વિભાગે જણાવ્યું કે આ વખતે બીજી જુલાઇએ જ સમગ્ર દેશને ચોમાસાએ આવરી લીધો, એટલે કે નિયત તારીખ કરતા છ દિવસ વહેલું! ચોમાસુ મોડું શરુ થયું પરંતુ સમગ્ર દેશના વિસ્તારોમાં તે વહેલું પહોંચી ગયું. જો કે પછી તે ઘણા વિસ્તારોમાં અટકી ગયું.
હજી પણ આપણા દેશમાં ખેતી ચોમાસુ વરસાદ પર મોટો આધાર રાખે છે અને ચોમાસામાં વરસાદ કેવો થાય છે તેની ઘણી અસર ખેતી પર અને છેવટે અર્થતંત્ર પર થાય છે. ચોમાસાએ સમગ્ર દેશને ભલે વહેલો આવરી લીધો હોય પરંતુ દેશના અનેક ભાગોમાં હજી વરસાદની ઘટ છે. વ્યાપક પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ જેવા પરીબળોને કારણે તો વરસાદની ગતિ અને પ્રમાણ પર અસર થઇ જ છે પરંતુ આ વખતે અલ-નીનોનું પરિબળ પણ ભાગ ભજવી શકે છે. આ વર્ષે અત્યાર સુધીમાં ચોમાસાની ગતિ વિચિત્ર રહી છે અને જો તે જુલાઇ મહિનાના મોટા ભાગના દિવસો કોરા કાઢશે તો તે મોટી ચિંતાનો વિષય બની શકે છે.