Business

મહિલાઓ વચ્ચે એકલો પુરુષ- જાયે તો જાયે કહાં

આપણો પહેલાનો ભારતીય સમાજ પુરુષ પ્રધાન સમાજ કહેવાતો હતો, જેમાં સ્ત્રીઓએ ઘણા બંધનોમાં રહેવું પડતું હતું અને નિતિ-નિયમો પાળવા પડતા હતા. પરંતુ આજે મોડર્ન સોસાયટીમાં સ્ત્રીઓ પણ અલગ અલગ ફીલ્ડસમાં કાઠું કાઢી રહી છે, આગળ આવી રહી છે ત્યારે આજે આપણે એવા પુરુષોને મળીએ કે જેઓના ઘરમાં તેઓ એકલા પુરુષ સદસ્ય છે અને બાકી બધી સ્ત્રીઓ છે જેમાં માતા, બહેન, પત્ની અને દિકરીનો સમાવેશ થાય છે અને જેને યાદ કરતાં જ આપણને હમ પાંચ સીરીયલના આનંદ માથુરની યાદ આવી જાય છે. તો ચાલો જાણીએ તેઓ વિશેની ઇન્ટરેસ્ટીંગ વાતો…

નસીબદાર છું કે મારા ફેમિલીમાંથી મને દરેક પ્રકારનો પ્રેમ મળે છે : રાજભાઈ મહાત્મા
રાજભાઈ મહાત્માની વાત કરીએ તો હાલમાં તેઓ પોતાની મમ્મી, પત્ની, બહેન અને દીકરી સાથે રહે છે. રિયલ એસ્ટેટ અને ટેક્સ્ટાઈલના બિઝનેસ સાથે સંકળાયેલા રાજભાઈ જણાવે છે કે, ‘ઘરમાં મા થી માંડીને દીકરી સાથે રહેવાનો લહાવો અલગ જ હોય છે અહી મને દરેક સંબંધ માણવા મળે છે.’ જો કે હસતાં હસતાં તેઓ કહે છે કે, ઘરમાં ચાર ચાર મહિલાઓ હોવાથી ફાયદા તો ઘણા છે પણ શોપિંગ માટે ગયા હોય ત્યારે મારી હાલત ખરાબ થઈ જાય છે. એટલું જ નહીં, કયારેક કોઈ સામાજિક પ્રસંગોમાં કે બહાર જવું હોય ત્યારે હું જલ્દી તૈયાર થઈને બેસી રહું છુ જ્યારે મારા ફેમિલી મેમ્બર્સ મને ખાસ્સી એવી રાહ જોવડાવતા રહે છે. જો કે તેમ છતાં હું મારી જાતને નસીબદાર માનું છુ અને મારી દીકરી વિના તો મને બિલકુલ ચાલતું જ નથી, જેથી દરેકને એ કહીશ કે દરેક કુટુંબમાં દીકરીઓ તો હોવી જ જોઈએ

મહિલાઓ સાથે રહેવાની આદત પડી ગઈ છે : પદમકરભાઈ ફરસોલે
રિટાયર્ડ
પ્રિન્સિપાલ રહી ચૂકેલા અને ખાદી ધારી પદમકરભાઈ ફરસોલે જણાવે છે કે, આજે મારી ઉંમર 89 વર્ષે પહોંચી છે અને હું છેલ્લા 60 થી 62 વર્ષોથી ઘરમાં મહિલાઓ સાથે એકલા પુરુષ તરીકે જિંદગી વિતાવતો આવ્યો છું એટલે મને હવે આદત પડી ગઈ છે. હાલમાં મારી પત્ની હયાત નથી પરંતુ મારી બંને દીકરીઓ મારી સાથે રહે છે અને મારી ખૂબ જ સંભાળ રાખે છે.’ પદમાકરભાઇના દીકરી શીલાબેન કહે છે કે અમારા પપ્પા ઘણા એડવેન્ચર્સ હતા અને હંમેશા કંઇક નવુ કરવાના શોખીન હતા. જોકે એની સામે અમે બહેનો તો ડ્રાઈવિંગ પણ શીખી અને મારા પપ્પાને હંમેશા એમ લાગે કે અમે એમના જેવા નથી.

Most Popular

To Top