ભરૂચ: નર્મદા નદીનું જળસ્તર વધવાના કારણે વડોદરા અને ભરૂચ જિલ્લાના અનેક ગામો જળસંકટનો સામનો કરી રહ્યા છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીના કિનારે આવેલું જુના બોરભાઠા બેટ ગામે ભયાવહ પાણી આવતા 700 ઘરોનું આખું ગામ ડુબી ગયું હતું. આદિવાસીઓના લગભગ 250 જેટલા ઝુંપડપટ્ટી પાણીમાં ડુબી જતાં ગરીબ માનવીઓ પોતાના પરિજનો સાથે જિંદગી બચાવવા બન્ને બ્રિજના ટેકરા પર ચઢી ગયા હતા.
દર્દનાક સ્થિતિથી શાકભાજી સહિત અન્ય પાકો પકવતાં મહેનતકશ ખેડૂતોને પારાવાર નુકસાન થતાં કફોડી સ્થિતિ ઉદ્દભવી છે. આવી સ્થિતિમાં પોતાના માળ મધરાત્રે અંધારામાં આશરો લીધો હતો.
- માછી પટેલ અને આદિવાસીઓના 700 ઘરોમાં પાણી ભરાયાં, લોકોએ તંત્રએ જાણ ન કરી હોવાનો આક્ષેપ ર્ક્યો
- ભાદરવા સુદ બીજને કારણે દરિયામાંથી ભરતી આવે અને સરદાર સરોવર ડેમનું પાણીના ભરાવાથી ખેતી સહિત ભારે નુકસાન
અચાનક પુર આવવું અને ભાદરવો સુદ બીજને કારણે દરિયામાંથી ભરતી છેક નર્મદા નદીમાં આવતા કિનારાનો આખો વિસ્તાર પાણીમયી બની ગયો હતો. માછી પટેલો અને આદિવાસીઓનું અંદાજે 5,000 વસ્તી ધરાવતું નર્મદા નદી કિનારે આવેલું જુના બોરભાઠા બેટ ગામ ભયાવહ પાણીના કારણે તબાહ થઈ ગયું છે. આ ગામમાં કુલ 700 ઘરોમાંથી લગભગ 250 ઝુંપડા આવેલા હોવાથી નર્મદાનું પાણી આવતા તમામના ઘરોમાં ભરાઈ ગયા હતા.
તેઓને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે અચાનક પાણી આવતા ઘરવખરીનો સામાન પણ બચાવવાનો મોકો ન મળશે. બુલેટ ગતિએ પાણી ભરાતાં ખુદ માનવીએ પોતાની જિંદગી બચાવવા દોડધામ કરી મૂકી હતી. ખાસ તો ઝુંપડપટ્ટીવાસીઓ પોતાના નાનામોટા માનવીઓ જીવ બચાવવા ગોલ્ડન અને નર્મદામૈયા બ્રિજના ટેકરા પર ચઢી ગયા હતા.
ગામના અગ્રણી ધનસુખ પટેલે જણાવ્યું હતું કે, આ પુરથી અમારા ગામના સ્થાવરમિલકતો અને ખેતી આખી ઓળઘોળ તબાહ થઈ ગઈ છે. પાણી આવતા અંધારપટમાં આશરો લીધો હતો. ઉલ્લેખનીય એ છે કે, આ ગામના લોકોને બચાવવા માટે બોટ પણ આવી હતી. જો કે પાકા ઘરના ઉપરનો માળ હોવાથી ઉપર આશરો લીધો હતો.
ખાસ કરીને ભોગ બનેલા લોકોની હૈયા વરાળ હતી કે, આ કુદરતી નહીં પણ કૃત્રિમ આફત છે. કોઈ માટે હર્ષોલ્લાસ કરવા માટે અમારા ગામડા ડુબાડી દીધા. વહીવટીતંત્રએ દરિયામાં ભરતી આવવાની હોવાની ચોમાસામાં જાણ કેમ ન કરી એવી શંકા ઉદ્દભવી રહી છે. આવી ઘટના પહેલીવાર બની છે.
જુના બોરભાઠા બેટ પ્રાથમિક શાળાના શિક્ષિકાએ વિદ્યાર્થીઓ સાથે લાગણીનાં તંતુ સાથે હિંમત આપી
જુના બોરભાઠા બેટ પ્રાથમિક શાળાના શિક્ષિકાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ એવી કરી કે, વિદ્યાર્થીઓ કહે કે ટીચર અમે ધાબે છીએ, અમારા ઘરમાં દફતર, ચોપડા પાણીમાં પલળી ગયા હશે.હવે શું કરીશું.? એ શિક્ષીકા હેતલ પટેલે વિદ્યાર્થીઓને મોબાઈલ સંવાદમાં લાગણીવશ શબ્દોમાં કહ્યું કે ‘બેટા, તું સહીસલામત છે એ જ બસ..’