પ્રજાના કહેવાતા લોકસેવકો જ્યારે એમ કહે છે કે અધિકારીઓ એમનું સાંભળતા જ નથી ત્યારે જનતા આવા નેતાઓને કેટલાક પ્રશ્નો પૂછવા માંગે છે. તમે નેતા હોવા છતાં તમને નહીં સાંભળે તો સામાન્ય પ્રજાને તો આવા અધિકારીઓ ક્યાંથી સાંભળશે? તમે ચૂંટણીમાં વાયદાઓ કર્યા અને પ્રજાએ વિશ્વાસ મૂકી તમને મત આપ્યા તેનું શું? જે અધિકારીઓ ગાંઠતા નથી તેમની સામે પ્રજાની નેતાગીરી તમે લેવા તૈયાર છો ? તમારું કોઈ સાંભળતું નથી એવી બહાનાબાજી કરીને તમે તમારી જવાબદારી છટકવા માંગો છો એવું તો નથી ને? તમારી હૈયાવરાળ ઠાલવીને પ્રજાની સહાનુભૂતિ તમે બટોરવા માંગો છો? તમે ભ્રષ્ટાચારી અધિકારીઓને કેમ ખુલ્લા નથી પાડતા? તમારી કઈ મજબૂરી છે? જે પોલીસો હપ્તા લઈને દારૂની નદીઓ વહેવા દે છે એ બાબત જગ જાહેર છે ત્યારે તમે શું કરી રહ્યા છો ? ગુજરાતનું યુવાધન ડ્રગના રવાડે ચડીને બરબાદ થઈ રહ્યું છે ત્યારે તમારી પ્રજાના સેવકો તરીકે કોઈ ભૂમિકા ખરી કે નહીં ? જો તમારું કોઈ સાંભળતું જ ન હોય અને પ્રજાના કામો થવાના જ ન હોય તો પગાર, ભથ્થા અને રાજાશાહી સવલતો લેવાનું બંધ કરીને ઘરે બેસી જવા માટે કોણ તમને રોકે છે?
નવસારી – ડૉ. જે. એમ. નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
રાજનીતિમાં જ સૌથી વધુ અનીતિ
સંસદમાં પ્રવેશતા પહેલા, પગથિયે માથું ટેકવનાર વડાપ્રધાન મોદી સંસદમાં સૌથી ઓછી હાજરી આપનાર વડાપ્રધાન તરીકે રેકોર્ડ ધરાવે છે. સો દિવસમાં સંસદને ગુંડા મુક્ત કરવાની વાતો હતી, આજે ગુંડાઓથી જ સંસદ ખદબદે છે. સો દિવસમાં કાળું નાણું વિદેશમાંથી પરત લાવવાની વાત હતી, એ તો ન આવ્યું, ઉલ્ટા નોટબંધી કરીને એમની જ પાર્ટીએ કાળાં નાણાંને ધોળા કરવાનું સૌથી મોટું કૌભાંડ આચર્યું. કોંગ્રેસ મુક્ત ભારત કરવાની વાતો હતી, થયું ઊલટું. એક સમયે નરેન્દ્ર મોદીના ભારે ટીકાકાર એવા સ્મૃતિ ઈરાની પાછળથી ભારે ટેકેદાર બનતાં રાજકારણમાં થોડોક સમય ચમક્યાં હતાં. હવે રાજકારણમાં ખાસ કશું ઉકાળી શકે એમ ન હોવાને કારણે બેક ટુ પેવેલિયન.
જેને મન દેશ ખરેખર ૨૦૧૪મા આઝાદ થયો છે અને દેશના પ્રથમ વડાપ્રધાન સુભાષચંદ્ર બોઝ હતાં એવી કંગના રનૌત સાંસદ બન્યા પછી ફરિયાદ કરતા કહે છે કે, લોકો મારી પાસે વીજળી, પાણી, રસ્તા, ગટર જેવા પ્રશ્નો અને ફરિયાદો લઈને આવે છે. કંગનાબેનને એમ હશે કે મારે પણ ચૂંટાયા પછી સાહેબની જેમ ફક્ત ભાષણ જ આપવાનું હશે. હવે એમને પણ રાજકારણમા ખાસ દમ ન દેખાતા ફરી ફિલ્મી દુનિયા તરફ દોટ મૂકી છે. અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, અક્ષય કુમાર જેવા સેલિબ્રિટીઓ કોંગ્રેસના સમયમાં પેટ્રોલનો ભાવ 70/75 રૂપિયા થયો ત્યારે ભારે બૂમરાણ મચાવતા હતાં. આજે પેટ્રોલનો ભાવ 95/100 છે, ત્યારે એમના મોઢામાં મગ ભરાય ગયા છે.
સુરત – પ્રેમ સુમેસરા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.