ભરૂચ: ભરૂચમાંથી (Bharuch) પસાર થતી નર્મદા (Narmada) નદીના (River) રેતાળ અને માટીવાળા કિનારા મગરો (Crocodile) માટે અનુકૂળ આશ્રયસ્થાન બની ગયા છે. છેલ્લા ઘણા સમયથી નદીમાં મગરોની સંખ્યામાં ઝડપભેર વધારો થઇ રહ્યો છે.
વર્તમાન સમયમાં ઝઘડિયાના રાજપારડીથી ગોલ્ડનબ્રિજ સુધીના 35 કિ.મી.ના વિસ્તારમાં મગરોની હાજરી જોવા મળી છે, ત્યારે પેરેડાઇઝ ઇન્ડિયા સંસ્થાના નેચર વોક સંસ્થા દ્વારા ચોમાસાની ઋતુમાં મગરની પ્રતિક્રિયા જાણવા માટે અમિત રાણા, અંકલેશ્વરના ફિઝિયોથેરાપીસ્ટ ડોક્ટર તેમજ પ્રકૃત્તિપ્રેમી નીતિક સોલંકી અને જીવદયાના જયેશ કનોજિયાના માર્ગદર્શન હેઠળ શુકલતીર્થ અને મંગલેશ્વર ગામના નર્મદા તટ વિસ્તારના માર્શ મગરો એટલે કે મીઠાં પાણી (ફ્રેશ વોટર)ના મગરો પર સંશોધન કરવાની શરૂઆત કરી હતી.
200 મિલિયન 20 કરોડ વર્ષોથી પૃથ્વી પર મગરની અસ્તિત્વ છે. કાળક્રમે ડાયનાસોર લુપ્ત થઈ ગયા પરંતુ મગરે પોતાની જાતને પરીસ્થિતિને અનુરૂપ ઢાળવાનું શીખી લીધું હતું. તેવી જ રીતે નર્મદા નદીમાં વસવાટ કરતા મગરોએ પણ જાણે માનવજાતિની બિલકુલ નજીક રહેવાનું શીખી લીધું છે એવું નજરાણું જોવા મળતું હતું.
ચોમાસાની ઋતુ એ મગર માટે ઘણી અનુકૂળ હોવાથી મગરના ઈંડાંમાંથી બચ્ચાં બહાર નીકળે છે. શુકલતીર્થના નર્મદા નદીના પટ વિસ્તારમાં રેતીના લીઝ આવવાથી અને ઘણા ઊંડા ખાડામાંથી રેતી કાઢતા ત્યાં 100 ફૂટ ઊંડા ખાડામાં નદીનું પાણી ભરાવાથી જુદા જુદા બ્લોક બની ગયા હતા.
આ જુદા જુદા બ્લોકોમાં મગર અને તેનાં બચ્ચાં સાથે રહે છે. આ વિસ્તાર ના માર્શ મગરોમાં સામાજિક વર્તન હોવાથી મેટિંગની પ્રવૃત્તિઓ, બાસ્કિંગ, ડાઈવિંગ, સ્વિમિંગ અને બખોલ કોતરવી કરતા નજરે પડ્યા છે. મગરો બખોલ બનાવી તેની અંદર રહેવાનું પસંદ કરે છે. આમ તેઓ આશ્રયસ્થાન માટે બખોલ ખોલવા માટે જાણીતા છે.
દિવસના ગરમ અને ઠંડા સમયગાળા દરમિયાન થર્મો રેગ્યુલેશન માટે આ બખોલનો ઉપયોગ કરીને રાત્રે ખોરાકની શોધમાં બહાર આવે છે. મગર ઠંડા લોહીવાળા હોય છે, તેમના શરીરનું મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ છે, તેથી તેઓ નિયમિત તાપમાનના પાણીની શોધ કરે છે. આ મગરો શુકલતીર્થ અને મંગલેશ્વર વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં માઈગ્રેશન કરતા હોવાનું નજરે પડ્યું છે.
માછલીઓમાંથી નીકળતો પ્રકાશ મગરને ખોરાક માટે આકર્ષે છે
સંસ્થાના અમીત રાણાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં અંકલેશ્વર તરફના છેડા ઉપર મગરની હાજરી જોવા મળી હતી. તેમજ નર્મદા નદી પરના માછીમારો દ્વારા માછીમારી દરમિયાન ઉપયોગમાં લેવાતી જાળમાં માછલીઓમાંથી નીકળતો પ્રકાશ મગરને ખોરાક માટે આકર્ષે છે. જેથી મગર દ્વારા માનવીઓ પર હુમલાઓનું પ્રમાણ વધતા સંઘર્ષ વધે છે.
ચોમાસાની ઋતુ એ મગર માટે અનુકૂળ ઋતુ છે. આ વિસ્તારમાં મગરો વધુ હોવાથી અજાણ્યા વ્યકિતઓ તેમજ આવી અજાણી જગ્યાએ આવતા પહેલાં કોઈ પ્રાણીનિષ્ણાત સાથે આવવું જોઈએ તેમજ અહીં સાવચેતી રાખવી ઘણી જરૂરી છે.