સુરત: સુરતના કિન્નર સમાજે એક અનોખું સેવાકાર્ય કર્યું છે. પરિવારથી ભૂલા પડેલાં સ્ત્રૈણ લક્ષણ ધરાવતા એક 17 વર્ષીય સગીરના પરિવારને શોધી બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે. બાળક પોતાના બેન-બનેવીને મળ્યો ત્યારે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.
આ કિસ્સાની વિગત એવી છે કે પાલેજનો એક 17 વર્ષીય સગીર ભૂલો પડી સુરત આવી પહોંચ્યો હતો. તે મગોબ ખાતે આવેલા સુરત મનપાના શેલ્ટર હોમમાં રહેતો હતો. સ્ત્રૈણ લક્ષણ ધરાવતો આ બાળક પોતાના જેન્ડર અંગે અકળામણ અનુભવતો હતો. તેને કંઈ સમજ પડતી નહોતી. તેનું શોષણ પણ થયું હતું. આ બાળક રડ્યા કરતો હતો અને કિન્નર સમાજને મળવા માંગતો હતો.
જેથી સેન્ટરના સંચાલકો દ્વારા સમાજસેવિકાની મધ્યસ્થી કરીને કિન્નર સમાજના અગ્રણી સાથે મુલાકાત કરાવવામાં આવી હતી. ત્યારબાદ કિન્નરોએ પાલેજ ખાતે સંપર્ક કરીને બાળકને માતા પિતા ન હોવાથી તેના બહેન બનેવીનો સંપર્ક કરાવી આપ્યો હતો. ત્યારબાદ સુરતમાં સગીરને લેવા તેના બહેન બનેવી આવ્યા ત્યારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતાં.
સમાજ સેવિકા હેતલ નાયકે કહ્યું કે, ત્રણ ચાર દિવસ પહેલાં બાળક આવી ગયું હતું. તેને કિન્નર સમાજ સાથે મળવું હતું. જેથી આ બાળકને મળ્યાં તેનું કાઉન્સેલિંગ કર્યું ત્યારે એ ડિસ્ટર્બ હોવાનું સામે આવ્યું હતું. તેનું એબ્યુઝમેન્ટ પણ થયું છે.
નવોદય ટ્રસ્ટના નૂરીકુંવરે કહ્યું કે, અમને બાળકની દયનિય સ્થિતિ જોઈને ખૂબ દુઃખ થયું હતું. અમારા કિન્નર સમાજના સંપર્કો મારફતે બાળકને તેના પરિવાર સાથે મુલાકાત કરાવી હતી. બાળક પાસે જે એડ્રેસ હતું. તેના આધારે અમારા સમાજના લોકોને તેમના ઘરે મોકલ્યા હતાં. ત્યારબાદ એ લોકો અહિં આવ્યા અને ગણતરીના સમયમાં જ બાળકને તેનો પરિવાર મળ્યો ત્યારે મને એમ થાય છે કે, મારી વખતે જો આવું થયું હોત તો મને પણ આજે પરિવાર સાથે રહેવા મળ્યું હોત. પરંતુ આજે હું સમાજને એ જ સંદેશ આપું છું કે, બાળકને તેના પરિવારથી વિખૂટું ન કરવું જોઈએ.