આશ્લેષા નક્ષત્ર – ભૂમંડળનું નવમું નક્ષત્ર આશ્લેષા છે. આ નક્ષત્ર કર્ક રાશિમાં આવે છે. આશ્લેષાના નક્ષત્રપતિ બુધ છે અને રાશિ સ્વામી ચંદ્ર છે. નક્ષત્રના દેવ સર્પ છે. પ્રાણી બિલાડી છે. આગળ આપણે જોયું કે નક્ષત્રના ગુણધર્મો જોવા માટે નક્ષત્રના દેવ, પ્રાણી વિશે વધુ જાણકારી હોવી જરૂરી છે. આ નક્ષત્રના દેવ સર્પ હોઈ આપણે એના વિશે થોડી વાતો કરીશું. સર્પ પાતાળલોકમાં રાજ્ય કરે છે. બહુ હોશિયાર હોય છે. રૂપ બદલવાની શક્તિ ધરાવે છે. જ્યાં પણ ગુપ્ત ધન હોય ત્યાં એની રક્ષા કરવા નાગ રહે છે. આ નક્ષત્રની રૂપક કથા પુરાણમાં આપી છે. એ આપણે સંક્ષિપ્તમાં જોઈશું.
કદ્રુ અને એનાં સંતાન -આગળ આપણે પુનર્વસુ નક્ષત્રના દેવ અદિતિ માટે માહિતી મેળવી. કશ્યપ ઋષિને 13 પત્ની હતી. અદિતિનાં સંતાનો દેવ થયા, દિતીનાં સંતાનો દાનવ થયાં. કદ્રુનાં સંતાન સર્પ થયાં. કદરૂ હોશિયાર ચતુર અને લુચ્ચી હતી. એણે કશ્યપ ઋષિને કહ્યું, “મને હજાર પુત્રની ઈચ્છા છે, જે દેવ અને દાનવોને બંનેને નષ્ટ કરે એટલા બળવાન હોય.” વિનીતાએ બે જ પુત્ર માગ્યા. પણ એટલા બળવાન હોય કે કદરૂના પુત્રોને મારી નાખે. કશ્યપ ઋષિએ વિનીતાને બે ઈંડા આપ્યા અને આ ઈંડા જાતે જ ફૂટશે અને એમાંથી બળવાન પુત્ર જન્મ લેશે એમ જણાવ્યું.
કદરૂને હજાર સર્પ પુત્ર તરીકે મળ્યા તેમાં કાલી, વાસુકી, શેષ નાગ જેવા બળવાન સર્પ પણ હતા. જ્યારે કદરૂ પોતાનાં નાનાં નાનાં બચ્ચાં સાથે આનંદમાં રહેતી હતી ત્યારે વિનીતાને વિચાર આવ્યો કે મારાં ઈંડાં તો એમ જ છે. મને ક્યારે પુત્ર થશે? વિનીતાની ધીરજ ન રહી અને એણે પોતે જ એક ઈંડાને ફોડી જોયું. એ ઈંડામાંથી નીકળેલ બાળક અરુણ હતો. એના પગ બરાબર નહીં હતા કારણ કે ઈંડુ પરિપક્વ થયું ન હતું. આ જોઈ વિનીતાએ બીજા ઈંડાને એની જાતે તૂટે એની રાહ જોવાનું નક્કી કર્યું. બીજા ઈંડામાંથી ગરુડ નીકળ્યા. જે વિષ્ણુનું વાહન છે. ગરુડથી નાગ બહુ ડરતા હોય છે. અરુણ સૂર્યના રથનો સારથિ છે. કદરૂના ઈર્ષાળુ સ્વભાવની વાત જોઈએ.
ઇન્દ્રના ઘોડાનું નામ ઉચ્ચસ્વરા છે. સમુદ્રમંથન સમયે સમુદ્રમંથનમાંથી નીકળ્યો હતો. જ્યારે કદરૂ અને વિનીતા સાથે ફરતા હોય ત્યારે કાયમ કદરૂ વિનીતાને ખોટી પાડે. એમ કરી પોતે વધુ હોશિયાર છે એમ દર્શાવે. એક દિવસ જ્યારે બંને જંગલમાંથી જતા હતા ત્યારે ઇન્દ્રના ઘોડાને દૂરથી જોયો. ઉચ્ચસ્વરા સફેદ રંગનો ઘોડો હતો. કદરુએ વિનીતાને કહ્યું કે,” આ સફેદ ઘોડાની પૂંછડી કાળી છે.” વિનીતાએ કહ્યું કે ના, સફેદ જ છે. કદ્રુ તો જાણતી જ હતી કે ઘોડાની પૂછ સફેદ છે પરંતુ વિનીતાને નીચી પાડવા ઘોડાની પૂછ કાળી છે એમ કહ્યું. વિનીતાને તો સફેદ જ દેખાતી હતી અને હતી પણ સફેદ જ. કદરુએ વિનીતાને શરત રાખવા કહ્યું.
“જો પૂછ કાળી હોય તો વિનીતાએ આખી જિંદગી કદરૂ કહે તેમ કરવું અને પૂછ સફેદ હોય તો કદરૂ વિનીતા જેમ કહે તેમ કરશે.” બીજે દિવસે સવારે મળવાનું નક્કી કરી બંને છૂટા પડ્યા. ત્યાર બાદ કદ્રુએ બધા સાપોને ભેગા કરી કહ્યું કે તમે ઘોડાની પૂછની આજુબાજુ લપેટાઈ જાઓ એટલે અમે જ્યારે દૂરથી જોઈશું ત્યારે ઘોડાની પૂછ કાળી લાગશે. શરતમાં જીતી જવાય તો વિનીતા પર આખી જિંદગી જોહુકમી કરી શકાય. સવારે જ્યારે બંને એ દૂરથી ઘોડાને જોઈ કદ્રુએ પોતે શરત જીતી ગઈ એમ કહ્યું. વિનીતા ભોળી હતી એ માની ગઈ અને કદ્રૂની દાસી થવાને તૈયાર થઈ.
આ વાતની જ્યારે ગરુડને ખબર પડી એટલે ગરુડ રોજ એક સર્પ આકાશમાં ઉપર ઉપર લઈ જાય અને સૂર્યની ગરમીમાં એ સર્પ બળી જાય. કદરૂને આ વાતની ખબર પડી તો ગરુડે કહ્યું કે તમે મારી માતાને શરતમાંથી મુક્ત કરો. ત્યારે કદ્રુએ એક શરત બીજી મૂકી. સમુદ્રમંથન સમયે જે અમૃત નીકળ્યું હતું તે ઇન્દ્ર પાસેથી લઈ મને આપો. ગરુડ ઇન્દ્ર પાસે ગયા. ઇન્દ્રે કહ્યું કે નાગ લોકોનો ભરોસો કરાય નહીં. છતાં તમે અમૃત લઈ જાવ અને નાગને કહો કે એમણે નાહી ધોઇ પૂજા કરી અમૃત લેવા માટે આવવું. નાગને આ વાત યોગ્ય લાગી અને એ લોકો નાહવા માટે ગયા. એટલે તરત જ ઈન્દ્રે આવીને અમૃતનો ઘડો લઈ લીધો અને ત્યાંથી ચાલી નીકળ્યા. આમ નાગને અમૃત મળ્યું નહીં. પૃથ્વી નાગથી બચી ગઈ.
આ રૂપક કથા પરથી કહી શકાય કે આશ્લેષા નક્ષત્રનો જાતક ફાયદા માટે કંઈ પણ કરવા તૈયાર હોય. એમાં એને કોઈ ખોટું લાગે જ નહીં. જાતક જેના પર વિશ્વાસ કરે એ લોકો જ એની સાથે વિશ્વાસઘાત કરે એવી શક્યતા હોય છે. નાગમાં વિશિષ્ટ ક્ષમતા હોય છે એ રીતે આશ્લેષા નક્ષત્રના જાતકમાં વિશિષ્ટ ક્ષમતા હોય છે. પૂર્વ જન્મનાં અધૂરાં કાર્ય પૂરાં કરવા જન્મ લીધો હોય છે. લક્ષ્મણ અને બલરામ શેષનાગના અવતાર છે. નકારાત્મક ઊર્જાને સકારાત્મક તરફ લઈ જઈ શકે એવા નિપુણ હોય. વ્યાવહારિક જીવન જીવે.કાળ પરિસ્થિતિ પ્રમાણે વર્તે.