SURAT

ભ્રષ્ટ્રાચારનો બોલતો પુરાવોઃ પાલનપુર કેનાલ પર RCCનો નવો રોડ માત્ર સાત-આઠ મહિનામાં તૂટી ગયો

સુરતઃ સુરત મહાનગર પાલિકામાં રોડ નિર્માણમાં ભ્રષ્ટ્રાચારનો બોલતો પુરાવો સામે આવ્યો છે. પાલિકાના વેસ્ટ ઝોનમાં પાલનપુર કેનાલ રોડ પર બનેલો નવો સિમેન્ટ કોંક્રીટનો રોડ માત્ર સાતથી આઠ મહિનાના ટૂંકા ગાળામાં તૂટી ગયો છે. રોડ પર તિરાડો પડી છે. કેટલાંક ઠેકાણેથી રોડ બેસી ગયો છે. રોડ તૂટી જતા સ્થાનિક રહીશોમાં રોષ વ્યાપી ગયો છે. સ્થાનિક રહીશોએ આ મામલે સુરત મ્યુનિસિપલ કમિશનરને મેઈલ મારફતે ફરિયાદ કરી છે.

  • કોન્ટ્રાક્ટર-અધિકારીઓની મિલિભગતમાં રોડના નિર્માણમાં ભારે ભ્રષ્ટ્રાચાર
  • સ્થાનિક રહીશોએ પાલિકા કમિશનરને મેઈલ દ્વારા ફરિયાદ કરી

પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુર કેનાલ વિસ્તારમાં સાતથી આઠ મહિના પહેલાં નવો સિમેન્ટ કોંક્રીંટનો રોડ બનાવાયો હતો. સામાન્ય રીતે RCCના આવા રોડને 30 વર્ષ સુધી કશું થતું નથી. પરંતુ સુરતના પાલનપુર કેનાલ વિસ્તારનો આ રોડ માત્ર સાતથી આઠ મહિનામાં જ તૂટવા લાગ્યો છે.

રોડ પર અનેક ઠેકાણે મોટી મોટી તિરાડો પડી ગઈ છે. કેટલાંક ઠેકાણે રોડ બેસી ગયો છે. જે રોડના નિર્માણમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરી ભ્રષ્ટ્રાચાર આચરવામાં આવ્યો હોવાનું પ્રતિત કરાવે છે. રોડની દુર્દશા જોઈ સ્થાનિક રહીશોમાં રોષ વ્યાપી ગયો છે.

સ્થાનિક રહીશ મહેશ પટેલે કહ્યું કે, કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના ભ્રષ્ટ્રાચારનો આ બોલતો પુરાવો છે. અધિકારીઓ સાથેની મિલિભગતમાં કોન્ટ્રાક્ટરે નબળો રોડ બનાવ્યો છે, જેના લીધે તે તૂટી ગયો છે. આ મામલે મેં પાલિકા કમિશનરને મેઈલ મારફતે ફરિયાદ કરી છે. તાકીદે રોડ રિપેર કરી કસૂરવારો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા અમે માંગણી કરી છે. જો, પાલિકા તરફથી કોઈ પગલાં ન લેવાય તો અમે મુખ્યમંત્રીને ફરિયાદ કરીશું.

Most Popular

To Top