ભારતમાં ગુનાખોરીમાં જે વધારો થયો છે તેમાં જો કોઈનો ફાળો હોય તો તે બોગસ નામે વેચાતા સિમકાર્ડનો. મોટાભાગના લૂંટ કે ધાડ કે પછી છેતરપિંડી જેવા ગુનાઓમાં બોગસ સિમકાર્ડનો ઉપયોગ થાય છે. પોલીસ જ્યારે તપાસ કરે છે ત્યારે ખબર પડે છે કે ગુનેગાર દ્વારા બોગસ નામના આધારે સિમકાર્ડ ખરીદવામાં આવ્યો હતો અને ગુનો કર્યા બાદ તેનો નાશ કરી દેવામાં આવ્યો છે.બોગસ નામે ખરીદવામાં આવતા સિમકાર્ડને કારણે પોલીસ માટે ગુનેગારો સુધી પહોંચવું ખૂબ જ અઘરૂં બની જાય છે.
મોબાઈલના આધારે ગુનાઓ શોધવા સહેલા છે પરંતુ તેમાં બોગસ નામે ખરીદાયેલા સિમકાર્ડ અવરોધરૂપ છે. મોબાઈલ કંપનીઓ દ્વારા પોતાના કનેકશનો વધે તે માટે રસ્તાઓએ પર પણ રેંકડી ઊભી કરીને સિમકાર્ડ વેચવામાં આવે છે. જેને કારણે જથ્થામાં સિમકાર્ડ વેચવામાં આવે છે અને તેની પર કોઈ જ નિયંત્રણ રહેતું નથી. સરકારને છેક હવે આ મુદ્દે ભાન થયું છે અને હવે સરકાર દ્વારા સિમકાર્ડ વેચવા માટેના નિયમોમાં બદલાવ લાવવામાં આવ્યો છે. આગામી તા.1લી ડિસે.થી સિમકાર્ડ વેચવા માટેના નિયમો બદલાઈ જશે. અગાઉ નવા નિયમો 1લી ઓકટો., 2023થી અમલમાં આવનાર હતા પરંતુ સરકાર દ્વારા બે માસનો વધુ સમય આપવામાં આવ્યો હતો.
સરકારના દૂરસંચાર વિભાગ દ્વારા સિમકાર્ડ ખરીદવા અને વેચવા માટેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં એક જ સમયે વધુ સિમકાર્ડની ખરીદી કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. સિમકાર્ડ વેચનારાઓએ યોગ્ય રીતે કેવાયસી કરવાનું રહેશે. કેવાયસી ફરજિયાત રહેશે. એક આઈડી પર મર્યાદિત સંખ્યામાં જ સિમકાર્ડ આપવામાં આવશે. સરકારે આ માટે કહ્યું છે કે જો કોઈ નકલી સિમકાર્ડ વેચતો દેખાશે તો તેને 3 વર્ષની જેલની સજા ફટકારવામાં આવશે અને તેનું લાયસન્સ પણ બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે.
સિમકાર્ડ વેચવા માટે પ્રત્યેક પોઈન્ટ ઓફ સેલ એટલે કે જ્યાંથી સિમકાર્ડ વેચવામાં આવશે તેની ફરજિયાતપણે નોંધણી કરાવવાની રહેશે. જો નોંધણી કરાવ્યા વિના સિમકાર્ડ વેચવામાં આવશે તો 10 લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવશે. હાલમાં ભારતમાં 10 લાખ જેટલા સિમકાર્ડ વેચનારાઓ છે. બોગસ દસ્તાવેજોના આધારે સિમકાર્ડ ખરીદીને ઓનલાઈન છેતરપિંડી કરવાની ઘટનાઓમાં ખૂબ મોટો વધારો જોવા મળ્યો છે. દેશના કેટલાક પ્રદેશો તો એવા છે કે જ્યાં જથ્થાબંધ રીતે સિમકાર્ડ ખરીદવામાં આવે છે. તેને એક્ટિવ કરવામાં આવે છે અને બાદમાં આ સિમકાર્ડના આધારે જ ઓનલાઈન ફ્રોડ કરાય છે.
બોગસ દસ્તાવેજોને આધારે સિમકાર્ડની ખરીદી કરવામાં આવી હોવાથી પોલીસ એ શોધી જ શકતી નથી કે ખરો ગુનેગાર કોણ છે? યુપીના જામતારાથી માંડીને દેશના કેટલાક પ્રદેશોમાં આવા ઓનલાઈન ફ્રોડ કરનારાઓ રહે છે કે જેઓ જે તે વ્યક્તિને વાતોમાં ઉલઝાવી તેની પાસેથી ઓટીપી લઈને તેના બેંક ખાતામાંથી નાણાં ચાઉં કરી જાય છે. કેવાયસી કર્યા વિના જ સિમકાર્ડ વેચવામાં આવતા હોવાથી ગુનેગારો માટે ગુનો કરવો ખૂબ આસાન બની જાય છે. ખરેખર તો સરકારે ફીઝિકલ સિમકાર્ડ પર પ્રતિબંધ મુકીને ઈ-સિમકાર્ડનો જ મોબાઈલમાં ઉપયોગ કરવાનો નિયમ કરવો જોઈએ.
ફીઝિકલ સિમકાર્ડ ગમે ત્યાંથી ખરીદી શકાય છે પરંતુ ઈ-સિમકાર્ડમાં આવું કરવું શક્ય નથી. ઘણા હાઈએન્ડ મોબાઈલમાં ઈ-સિમની શરૂઆત થઈ ગઈ છે. સરકાર દ્વારા જો ઈ-સિમનો જ ઉપયોગ કરવાનો કાયદો અમલમાં મુકવામાં આવે તો ઘણો ફરક પડી શકે છે. અત્યાર સુધી સરકારે બોગસ સિમકાર્ડને શોધવા કે તેનો ઉપયોગ કરનારને પકડી પાડવા માટે કોઈ મિકેનિઝમ જ ગોઠવ્યું નહોતું. સરકારે હવે કાયદાઓ કડક કર્યા છે ત્યારે હવે સરકાર દ્વારા નવા નિયમોનો કડકાઈથી પાલન કરાવવામાં આવે તે જરૂરી છે. જો કડકાઈથી અમલ થશે તો જ આ નવા કાયદાઓનો અર્થ રહેશે તે નક્કી છે.