સુરત: પાડોશમાં રહેતા યુવકે ઘરમાં ઘુસી 18 વર્ષીય યુવતીની છેડતી કરી હોવાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. રોજ ઘરની બહાર આવી ઉભો રહી જઈ છેડતી કરતા યુવક ઘરમાં ઘુસી જઈ છેડતી કરતા આખરે યુવતીના માતા પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
સુરતના ગોડાદરા વિસ્તારની મહાદેવનગર સોસાયટીમાં રહેતી 18 વર્ષીય યુવતીની માતાએ ગોડાદરા પોલીસ મથકમાં પોતાની જ સોસાયટીમાં રહેતા યુવક રાહુલ ચંદ્રીકાપ્રસાદ ઉપાધ્યાય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. યુવતીની માતાએ પોતાની ફરિયાદમાં પોલીસને કહ્યું કે, રાહુલ ઉપાધ્યાય તેમની જ સોસાયટીમાં રહે છે. છેલ્લાં એકાદ અઠવાડિયાથી રાહુલ તેમના ઘરની બહાર આવી ઉભો રહી તેમની દીકરીને ખોટી રીતે હેરાન કરતો હતો. તેને ટોકવા જતા તે ઝઘડો કરતો હતો. દરમિયાન ગઈ તા. 3 માર્ચના રોજ સવારે 11 વાગ્યાના સુમારે રાહુલ ઘરમાં ઘુસી ગયો હતો અને માતાની નજર સામે જ તેની 18 વર્ષીય દીકરીનો હાથ પકડી લીધો હતો અને હું તને પ્રેમ કરું છું, તું મારી સાથે ચાલ તેમ કહ્યું હતું. રાહુલની આવી હરકતથી ગભરાઈ જઈ યુવતીએ બુમાબુમ કરી મુકી હતી. તેથી રાહુલ ત્યાંથી ભાગી ગયો હતો. આ મામલે યુવતીની માતાએ લંપટ રોમિયો યુવક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.
બે વર્ષની બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર નરાધમને જીવનના અંતિમ શ્વાસ સુધી કેદની સજા
સુરત: વેસુમાં અણુવ્રત દ્વાર પાસેથી બે વર્ષની બાળકીનું ટ્રકમાં અપહરણ કરીને તેની સાથે બળાત્કાર ગુજારવાના કેસમાં કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવીને તેના જીવનના અંતિમ શ્વાસ સુધી કેદની સજાનો હુકમ કર્યો હતો. કેસની વિગત એવી છે કે મૂળ મહારાષ્ટ્રનો શ્રમજીવી પરિવાર વેસુ વિસ્તારમાં અણુવ્રત દ્વાર પાસે પડાવ નાંખીને મજુરી કામ કરતો હતો. તા.1લી નવેમ્બર 2022ના રોજ શ્રમજીવી પરિવાર પડાવમાં સુતેલો હતો ત્યારે રાત્રે દોઢેક વાગે એક ટ્રક ડ્રાઈવર શ્રમજીવી પરિવારની બે વર્ષની બાળકીનું અપહરણ કરીને ટ્રકમાં બેસી નાસી ગયો હતો. તે સમયે પરિવારના સભ્યો જાગી જતા પરિવારજનો ટ્રકની પાછળ દોડ્યા હતા અને પોલીસની વેન આવી જતા પરિવારજનો પોલીસ વેનમાં બેસીને આરોપીને શોધવા નીકળ્યા હતા. હાઈવે પર ટ્રક ઉભી રાખીને આરોપી ટ્રક ડ્રાઈવરે બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ સમયે પોલીસ આવી જતા લોહીલુહાણ હાલતમાં બાળકીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી. પોલીસે આરોપી શુભદીપ બાલકિશુન રાય( 25 વર્ષ, રહે. મગદલ્લા બંદર પાસે, રોડ પર)ની ધરપકડ કરી હતી. પોલીસે ખુબજ ટૂંકા ગાળામાં ચાર્જશીટ કરી દીધી હતી. ત્યારબાદ ચાર્જફ્રેમ થયો હતો. સરકાર તરફે એડવોકેટ દિપેશ દવેએ દલીલો કરી હતી.
કેસની આખરી સુનાવણી આજ રોજ ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ(પોક્સ) છટ્ઠા અધિક સત્ર ન્યાયાધીશના કોર્ટમાં થઈ હતી. કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવીને જીવનના અંતિમ શ્વાસ સુધીની સખત કેદની સજા અને 10 હજાર રૂપિયાના દંડની સજાનો હુકમ કર્યો હતો. ઉપરાંત ગુજરાતની ભોગ બનનારને વળતર માટેની યોજના 2019ના નિયમો અનુસાર 9 લાખ રૂપિયા વળતર તરીકે ચૂકવવાનો હુકમ કર્યો છે. ફરિયાદ દાખલ થયાના ખુબજ ટૂંકા ગાળામાં ચાર્જ શીટ થઈ હતી. ત્યારબાદ ટૂંકા ગાળામાં ચાર્જ ફ્રેમ થયો હતો. ચાર્જશીટ થયાના 3 મહિના અને 11 દિવસમાં તેમજ ચાર્જ ફ્રેમ થયાના બે મહિનામાં ચૂકાદો આવી ગયો હતો.