વડોદરા : જરૂરિયાત મંદ અને ગરીબ લોકો માટે જીવાદોરી કહેવાતી વડોદરા શહેરની અને મધ્યગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે દર્દીઓની સારવાર માટે બનાવી હતી.પરંતુ હાલના સમયમાં હોસ્પિટલના સત્તાધિશો દ્વારા માનવતા નેવે મૂકી દેવાઈ હોય તેવો કિસ્સો સામે આવ્યો હતો.હોસ્પિટલ પરિસરમાં એક વૃદ્ધના પગમાં અંગુઠામાં સડો લાગ્યો હોય તેમજ જીવ જતુઓ ફરી રહ્યા છે.લાચાર અવસ્થામાં પડી રહ્યા હોવા છતાં તેમની સારવારની કોઈએ તસ્દી લીધી ન હતી.પરંતુ કહેવાય છે ને ઉપરવાળાના ઘરે દેર છે અંધેર નહીં.ત્યારે એક જાગૃત નાગરિક આ બેબસ અને લાચાર વૃધ્ધા માટે ફરિસ્તો બનીને આવ્યો હોય તેમ તેણે આ નિઃસહાય વૃદ્ધાને હોસ્પિટલના ઈમર્જન્સી વોર્ડમાં દાખલ કરાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
મધ્ય ગુજરાતની સૌથી મોટી અને વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ગરીબો અને જરૂરિયાતમંદ લોકો માટે જીવાદોરી સમાન છે.સયાજી હોસ્પિટલમાં વડોદરા શહેર-જિલ્લા ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી પણ દર્દીઓ અહીં સારવાર લેવા માટે આવતા હોય છે.પરંતુ છાશવારે સયાજી હોસ્પિટલનું તંત્ર વિવાદોના વંટોળમાં ઘેરાયેલું જોવા મળી રહ્યું છે.ત્યારે સયાજી હોસ્પિટલના રૂકમણી ચૈનાની પ્રસુતિગૃહ ની બાજુમાં પોસ્ટમોર્ટમ રૂમની સામે આવેલા માર્ગ પર એક વૃદ્ધ નીસહાય અસ્વસ્થ સાથે તેમના પગના અંગુઠાની જગ્યા ઉપર સડો લાગ્યો હોય તેમજ જીવ-જંતુઓ આખા શરીરે ફરી રહ્યા હતા.આ ઉપરાંત વૃદ્ધના હાથ માં પાટા વાળી સીરીયલ લાગેલી જોવા મળી હતી.આ સમગ્ર દ્રશ્ય જોઈ એક જાગૃત નાગરિકે વૃદ્ધ દર્દીની સારવાર માટે શ્રવણ સેવા નામની સંસ્થાનો સંપર્ક સાધી તેઓને સમગ્ર બાબતે વાકેફ કરતા શ્રવણ સેવાના નીરવ ઠક્કર સહિત સંસ્થાના કાર્યકરો તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
શ્રવણ સેવાના નીરવ ઠક્કરે વૃદ્ધા સાથે વાતચીત કરી માહિતી મેળવવાનો પ્રયાસ કરતા આ વૃદ્ધા સરખું બોલી શકે તેટલા સક્ષમ નહીં હોવાનું જણાઈ આવ્યું હતું.જેથી નીરવ ઠક્કરે 108 એમ્બ્યુલન્સને બોલાવીને આ વૃદ્ધને હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરાવ્યા હતા.તેની સાથે સાથે વૃદ્ધના ફાટી ગયેલા કપડાં પણ બદલ્યા હતા. અને તુરંત જ એસએસજી હોસ્પિટલના સ્ટાફની મદદથી નિઃસહાય વૃદ્ધની સારવાર શરૂ કરાવી દીધી હતી.
અત્રે નોંધવું જરૂરી છે કે સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબોનો સ્ટાફ પેરામેડિકલ સ્ટાફ તેમજ નર્સિંસનો સ્ટાફ આ માર્ગ પરથી પસાર થતો હોય છે.પરંતુ આમાંથી કોઇપણ સ્ટાફના કર્મચારીઓની આ લાચાર અને બેબસ વૃદ્ધ પર નજર પડી નહીં હોય તે એક મોટો પ્રશ્ન છે. હોસ્પિટલના પરિસરમાં વૃદ્ધના પગમાં સારો લાગ્યો હોય અને તેના આખા શરીર અને જીવજંતુઓ ફરી રહ્યા હોય ત્યાં સુધી સરકારી હોસ્પિટલના તબીબો દ્વારા તેની સારવાર લેવા પાછળ કોઈ પ્રકારે તસ્દી નહીં લેવામાં આવતા સયાજી હોસ્પિટલના વહીવટી તંત્ર સામે વેધક સવાલો ઉઠવા માંડ્યા છે.