Columns

નેશનલ સ્ટોક એક્સચેન્જનું સંચાલન હિમાલયના યોગીના માર્ગદર્શન મુજબ થતું હતું?

ભારતમાં ગમે તે બની શકે છે. કર્ણાટકમાં મુસ્લિમ મહિલાઓને શૈક્ષણિક સંસ્થાઓમાં હિજબ પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પણ દેશના હાઇ ટેક નેશનલ સ્ટોક એક્સચેન્જનું સંચાલન હિમાલયમાં રહેતા અજાણ્યા યોગીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવતું હતું. તેમાં સેક્યુલારિઝમનો સિદ્ધાંત વચ્ચે આવતો નહોતો; કારણ કે નેશનલ સ્ટોક એક્સચેન્જનાં તત્કાલીન સીઈઓ ચિત્રા રામકૃષ્ણ તે યોગીને પોતાના ગુરુ ગણતાં હતાં. ચિત્રા જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જની જવાબદારી સંભાળતાં હતાં ત્યારે તેઓ તેની સંવેદનશીલ માહિતી ઈમેઈલ દ્વારા પોતાના ગુરુ યોગીને મોકલતા હતા. આ યોગી તેમને ઈમેઈલ દ્વારા વિવિધ સૂચનાઓ આપતા હતા. આ સૂચનાઓ મુજબ નેશનલ સ્ટોક એક્સચેન્જના નીતિવિષયક નિર્ણયો લેવામાં આવતા હતા.

ઇન્કમ ટેક્સ વિભાગે તાજેતરમાં ચિત્રા રામકૃષ્ણના મુંબઈ સ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. તેમના પર કરચોરીનો આરોપ મૂકવામાં આવ્યો છે. ચિત્રા રામકૃષ્ણને ૨૦૧૩ માં નેશનલ સ્ટોક એક્સચેન્જના સીઈઓ બનાવવામાં આવ્યાં હતાં. તેમણે આનંદ સુબ્રમણ્યમ નામના શખ્સની ગ્રુપ ઓપરેટિંગ ઓફિસર તરીકે નિમણૂક કરી હતી. આનંદ અગાઉ જ્યાં નોકરી કરતા હતા ત્યાં તેમનો પગાર વાર્ષિક ૧૫ લાખ રૂપિયા હતો. ચિત્રાએ તેમની નિમણૂક વાર્ષિક ૧.૪૨ કરોડ રૂપિયાના પગારથી કરી હતી, જેને વધારીને ૪.૨૧ કરોડ રૂપિયા કરવામાં આવ્યા હતા. આ નિમણૂક કન્સલ્ટન્ટ તરીકે કરવામાં આવી હોવાથી તેમાં હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટની મંજૂરી પણ લેવામાં આવી નહોતી. સેબી દ્વારા આ ગેરરીતિ પકડી પાડવામાં આવી તેને પગલે ચિત્રાને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી. ચિત્રા જે હિમાલયના યોગીના નિર્દેશ મુજબ નેશનલ સ્ટોક એક્સચેન્જનો વહીવટ કરતી હતી તેમનો પત્તો હજુ લાગ્યો નથી.

સેબીના હેવાલ મુજબ ચિત્રા રામકૃષ્ણ હિમાલયમાં રહેતા યોગીને ગંગા નદીના કિનારે મળી હતી. આ યોગી દ્વારા ચિત્રા પર મોકલવામાં આવેલા ઈમેઈલ વાંચતાં ખ્યાલ આવે છે કે આ યોગીની હોબી ટ્રેડિંગ અને ટ્રાવેલિંગની પણ હતી. નવયુગલો જ્યાં હનિમૂન માટે જાય છે તેવા ટાપુઓની મુલાકાત લેવાનો પણ યોગીને શોખ હતો. ૨૦૧૫ ની ૧૭ ફેબ્રુઆરીના લખેલા ઈમેઈલમાં યોગી ચિત્રાને કહે છે કે ‘‘હું આવતા મહિને સેશલ્સ ટાપુની મુલાકાતે જવાનો છું. તારે પણ મારી સાથે આવવું જોઈએ. જો તને સ્વિમિંગ આવડતું હોય તો આપણે સાથે સ્વિમિંગ કરીશું અને બીચ પર થોડો સમય સાથે ગુજારીશું.’’ ૧૮ ફેબ્રુઆરીના ચિત્રાને લખેલા બીજા ઈમેઈલમાં યોગી કહે છે કે ‘‘તું બહુ સુંદર દેખાય છે, પણ તું તારી હેરસ્ટાઇલ બદલીશ તો વધુ સુંદર દેખાઈશ.’’  આ ઈમેઈલ પરથી ખ્યાલ આવે છે કે યોગી કોઈ કાલ્પનિક વ્યક્તિ નથી પણ ચિત્રા તેમને વારંવાર મળી હતી.

સેબીના ૧૯૦ પાનાંના હેવાલમાં આ ભેદી યોગી કોણ હોઈ શકે? તેની વિસ્તારથી છણાવટ કરવામાં આવી છે. સેબીને જાણવા મળ્યું કે આનંદ સુબ્રમણ્યમ ઘણી વખત યોગીના ઈમેઈલ પરથી ચિત્રાને સંદેશાઓ મોકલતા હતા. તેના પરથી લાગે છે કે આનંદ અને યોગી એક જ વ્યક્તિ છે, પણ ચિત્રા સાથે કામ કરનારા સાથીદારો કહે છે કે યોગી કોઈ ત્રીજી જ વ્યક્તિ છે. તેમના કહેવા મુજબ ચેન્નાઇમાં મુરુગદીમલ સેન્થિલ નામના સ્વામી રહેતા હતા, જેમને ચિત્રા પોતાના ગુરુ માનતી હતી. આ સ્વામીનો થોડા સમય પહેલાં સ્વર્ગવાસ થઈ ગયો હતો. આનંદ સુબ્રમણ્યમ પણ આ સ્વામીના સંપર્કમાં હતા. ચિત્રા સાથે કામ કરનારા લોકો કહે છે કે તે જ્યારે જ્યારે પણ ચેન્નાઈ જતી ત્યારે યોગીનો પ્રસાદ લઈને આવતી હતી. જો કે સેબીના હેવાલમાં જે યોગીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે આ જ બાબા હતા, તેના કોઈ પુરાવા નથી. આ યોગી તો ચિત્રાને ક્યા ઓફિસરને ક્યું કામ સોંપવું, વહીવટી માળખામાં કેવા ફેરફારો કરવા, લોબિંગ વગેરે બાબતોમાં પણ સલાહ આપતા હતા.

ભેદી યોગી દ્વારા ૨૦૧૭ ના ફેબ્રુઆરીમાં ચિત્રાને ઈમેઈલ લખવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ‘‘તારી બેગો તૈયાર રાખજે. આવતા મહિને હું સેશલ્સ જવાનો છું. તું મારી સાથે આવી શકે તેમ હોય તો હું ટ્રાય કરીશ. કંચન કંચના સાથે લંડન જવાનો છે. તેના પહેલાં તારે બે બાળકો સાથે ન્યુઝીલેન્ડ જવાનું છે. સેશલ્સ જવા માટે હોંગકોંગ કે સિંગાપોર થઈને જઈ શકાશે. જો તને કોઈ મદદની જરૂર હોય તો મને કહેજે. શેશુ તને મદદ કરશે.’’ અહીં નવાઈની વાત એ છે કે ભારતથી સેશલ્સની ડાયરેક્ટ ફ્લાઇટ હોવા છતાં ગુરુ ચિત્રાને હોંગકોંગના રસ્તે જવાનું કહે છે.

આ પત્રવ્યવહાર સાંકેતિક ભાષામાં થયો હોવાનું જણાય છે. અહીં જે કંચન અને કંચનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે મિસ્ટર અને મિસિસ આનંદ હોવાનું સમજાય છે. તેઓ લંડન શા માટે જવાના હતા? તેનો ખ્યાલ આવતો નથી. ચિત્રા ન્યુઝીલેન્ડ શા માટે જવાની હતી? તેનો પણ ખ્યાલ આવતો નથી. ચિત્રાને બે બાળકો સાથે ન્યુઝીલેન્ડ જવાની વાત લખવામાં આવી છે. હકીકતમાં ચિત્રાને એક જ પુત્રી છે. તો બે બાળકો કોણ? તે કદાચ મિસ્ટર અને મિસિસ આનંદ હોઈ શકે છે. સેશલ્સ ટાપુ હનિમૂનના સ્થાન ઉપરાંત ટેક્સ હેવન તરીકે પણ જાણીતો છે. ભારતના ઘણા ધનકુબેરો પોતાની બે નંબરની આવક છૂપાવવા માટે તેનો ઉપયોગ કરે છે. જો ચિત્રા અને આનંદ ભારતથી ડાયરેક્ટ ફ્લાઇટમાં સેશલ્સ જાય તો સત્તાવાળાઓને તેનો ખ્યાલ આવી જાય. આ કારણે તેને હોંગકોંગ કે સિંગાપોર થઈને સેશલ્સ જવાની સલાહ આપવામાં આવી હતી. મુંબઈથી સેશલ્સની ડાયરેક્ટ ફ્લાઇટ માત્ર ચાર કલાકમાં પહોંચી જાય છે, જ્યારે હોંગકોંગ કે સિંગાપોરની ફ્લાઇટને આઠ કલાક લાગે છે. વળી મુંબઇથી સિંગાપોર પહોંચતાં બીજા ચારેક કલાક લાગે છે. સેશલ્સમાં બે નંબરની કમાણી છૂપાવવા માટે જવું હોય તો જ આ રીતે વાયા વાયા ફ્લાઇટ પકડવી પડે.

ચિત્રા રામકૃષ્ણ પર ઇન્કમ ટેક્સના દરોડા પડ્યા તેનો સંબંધ નેશનલ સ્ટોક એક્સચેન્જના કો-લોકેશન કૌભાંડ સાથે પણ હોઈ શકે છે. આ સવલતનો પ્રારંભ ૨૦૦૯ માં કરવામાં આવ્યો હતો. તેમાં શેર દલાલોને તેમના સર્વર નેશનલ સ્ટોક એક્સચેન્જના ડેટા સેન્ટરમાં રાખવાની પરવાનગી આપવામાં આવી હતી. તેને કારણે તેમને શેરબજારના સોદાની વિગતો ઝડપથી મળતી હતી. કેટલાક દલાલો દ્વારા આ સુવિધાનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. કેટલાક કર્મચારીઓને ફોડીને તેમણે એવી ગોઠવણ કરી હતી કે તેમને સોદાની વિગતો કેટલીક સેકંડો વહેલી મળી જતી હતી. આ ગણતરીની સેકંડોમાં તેઓ શેરોની લે-વેચ કરીને કરોડોની કમાણી કરી લેતા હતા.

સેબીને શંકા છે કે કો-લોકેશન કૌભાંડમાં કદાચ તત્કાલીન સીઈઓ ચિત્રા રામકૃષ્ણની સંડોવણી પણ હોઈ શકે છે. આ કૌભાંડ દ્વારા તેણે જે બેનંબરના રૂપિયા મેળવ્યા તેનું રોકાણ ટેક્સ હેવન તરીકે વિખ્યાત સેશલ્સ ટાપુમાં કરવામાં આવ્યું હોય. સેબીના હેવાલ પરથી ખ્યાલ આવે છે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ લાફિંગ સ્ટોક એક્સચેન્જ બની ગયું હતું. ચિત્રા રામકૃષ્ણ નિવૃત્ત થયાં તે પછી પાંચ વર્ષે સેબીનો હેવાલ આવ્યો તે પણ શંકા પેદા કરે છે. પાંચ વર્ષ સુધી સેબી શું કરતી હતી? હવે તો સેબીમાં પણ કોઈ કૌભાંડ ચાલી રહ્યું હોવાની શંકા પેદા થયા વિના રહેતી નથી.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top